Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

રોલ ફોર્મીંગની મજુરીની રકમ વસુલતા હડમતાળાની પેઢી રેડીયસ રોલ ફોર્મીંગ મશીનરીઝ સામે કેસ દાખલ

રાજકોટઃ આ કેસની વિગત એવી છે કે, રાજકોટના ઢેબર રોડ ઉપર આવેલ અટિકા ઈન્‍ડસ્‍ટ્રીયલ એરીયામાં ‘પરમ એન્‍ટરપ્રાઈઝ'ના નામથી શુભાષભાઈ જમનભાઈ દુધાગરા પ્રોપરાઈટર દરજજે રોલ ફોર્મીંગનું મજુરીકામ કરે છે. આ કામના પ્રતિવાદીઓ હરપાલસિંહ અજીતસિંહ રાઠોડ તથા શકિતસિંહ અજીતસિંહ રાઠોડ બંન્‍ને ભાઈઓ ‘રેડીયસ રોલ ફોર્મીંગ મશીનરીઝ'ના નામથી તરંગ ઈન્‍ડસ્‍ટ્રીયલ એરીયા, હડમતાળા જી.આઈ.ડી.સી, તા. કોટડા સાંગાણી, જી.રાજકોટ, મુકામે રોલ ફોર્મીંગ મશીનરીનું મેન્‍યુફેકચર કરતા હોય આ કામના વાદી શુભાષભાઈ દુધાગરા પાસેથી રોલ ફોર્મીંગનું મજૂરી કામ કરાવતા હતા જે મજુરી કામની બાકી રહેતી રકમ રૂા.૪,૨૩,૯૫૫/- અંકે રૂપિયા ચાર લાખ ત્રેવીસ હજાર નવસો પાંત્રીસ પૂરા શુભાષભાઈ દુધાગરાને પ્રતિવાદી પેઢી ‘રેડીયસ રોલ ફોર્મીંગ મશીનરીઝ' પાસેથી લેવાની નીકળે છે.

આમ ઉપરોકત મજુરી કામની બાકી રહેતી રકમ વારંવાર માંગવા છતા પ્રતિવાદી ચુકવતા ન હોય શુભાષભાઈ દુધાગરાએ તેમના વકીલ મારફત ‘રેડીયસ રોલ ફોર્મીંગ મશીનરીઝ' પેઢી ઉપર તથા તેના માલીકો અને બંન્‍ને ભાઈઓ હરપાલસિંહ અજીતસિંહ રાઠોડ તથા શકિતસિંહ અજીતસિંહ રાઠોડ સામે ગુનાહીત વિશ્વાસઘાત અને છેતરપીંડી કરવા બાબતે ધી ઈન્‍ડિયન પીનલ કોડ-૧૮૬૦ની કલમ- ૪૦૬, ૪૦૯, ૪૨૦, હેઠળ ફોજદારી ફરીયાદ તથા સીવીલ પ્રોસીઝર કોડ હેઠળ લેણી રકમ મેળવવા અંગે રાજકોટની સીવીલ કોર્ટમાં લેણી રકમ વસુલવા અંગેનો દાવો દાખલ કરેલ છે. આ કેસમાં વાદી તરફે વકીલ શ્રી અતુલ સી. ફળદુ, શ્રી અજય કે. જાધવ રોકાયેલ છે.

(4:00 pm IST)