Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

કુવાડવામાં હાઇવે પરથી ક્રાઇમ બ્રાંચે દારૂનો જથ્‍થો ભરેલી સ્‍વીફટ કાર પકડી

પીએસઆઇ એમ. જે. હુણની ટીમની કામગીરીઃ નગીનભાઇ ડાંગર, અમિતભાઇ અગ્રાવત અને પ્રદિપસિંહ જાડેજાની બાતમી પરથી ૪.૩૮ લાખનો મુદ્દામાલ કબ્‍જે

રાજકોટ તા. ૧૩: શહેર ક્રાઇમ બ્રાંચની ટીમે પેટ્રોલીંગ દરમિયાન કુવાડવા ગામ પાસેથી દારૂનો જથ્‍થો ભરેલી નંબર વગરની સ્‍વીફટ કાર પકડી લઇ કુલ રૂા. ૪,૩૮,૮૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરી દારૂ ભરેલી કાર મુકી ભાગી ગયેલા શખ્‍સની શોધખોળ હાથ ધરી છે.
દારૂ-જૂગાર સહિતની ગેર પ્રવૃતિઓ અટકાવવા માટે પીએસઆઇ એમ. જે. હુણ તેમની ટીમ સાથે નાઇટ પેટ્રોલીંગમાં હતાં ત્‍યારે મોડી રાતે કોન્‍સ. નગીનભાઇ ડાંગર, હેડકોન્‍સ. અમિતભાઇ અગ્રાવત, પ્રદિપસિંહ જાડેજાને બાતમી મળીહતી કે રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા ગામ પાસે  દારૂ ભરેલી કાર આવી આવી છે. તેના આધારે તપાસ કરતાં બળદેવ પેટ્રોલીયમ નજીક રોડ પરથી આગળ-પાછળ નંબર વગરની સ્‍વીફટ કાર રેઢી ઉભેલી દેખાઇ હતી. તેની નજીક જઇ અંદર કોણ છે તે અંગે તપાસ કરતાં જ એક શખ્‍સ ડ્રાઇવર સીટમાંથી ઉતરીને ભાગી જતાં તેનો પીછો કર્યો હતો. પરંતુ તે અંધારાનો લાભ લઇ રોડ નીચે ઉતરીને ભાગી ઝાડી ઝાંખરામાં થઇ ભાગી ગયો હતો.
પંચની હાજરીમાં કારની તલાસી શરૂ કરતાં ચાવી કારમાંથી જ મળી હતી અને એક મોબાઇલ ફોન પણ મળી આવ્‍યો હતો. ડેકી ખોલીને જોતાં અંદરથી ઓલ સિઝન બ્રાન્‍ડની વ્‍હીસ્‍કીની રૂા. ૨૮૮૦૦ની ૭૨ બોટલ મળતાં તે તથા કાર, ફોન સહિતનો મુદ્દામાલ કબ્‍જે કરી ગુનો નોંધી ભાગી ગયેલા શખ્‍સની શોધખોળ હાથ ધરી છે. પીઆઇ વાય. બી. જાડેજા, પીઆઇ જે. વી. ધોળાની રાહબરીમાં પીએસઆઇ એમ. જે. હુણની ટીમે આ કામગીરી કરી હતી.

 

(3:55 pm IST)