Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

ફલોટ બનાવવા ૧૫મી સુધીમાં વાહન નોંધાવો : સાંજે તાવા પ્રસાદ : સોમવારે માણવા જેવો કાર્યક્રમ

કૌન કહતા હૈ ભગવાન આતે નહી, તુમ મીરા કે જૈસે બુલાતે નહી, અચ્‍યુતમ કેશવં, કૃષ્‍ણ દામોદરં, રામ નારાયણં જાનકી વલ્લભં... : નાના-મોટા વાહન વિનામૂલ્‍યે મળશે : મુદતમાં બે દિવસનો વધારો

રાજકોટ તા. ૧૩ : વિશ્વ હિન્‍દુ પરિષદ જન્‍માષ્‍ટમી મહોત્‍સવ દ્વારા છેલ્લા ૩૫ વર્ષથી વિશ્વ પ્રસિધ્‍ધ ધર્મયાત્રા (રથયાત્રા)નું આયોજન થાય છે. આ વર્ષે ૩૬માં વર્ષમાં ધર્મયાત્રા પ્રવેશ કરી રહી છે. જેમાં સમગ્ર રાજકોટના અનેક યુવા મંડળો, ગ્રુપ, સંસ્‍થા, એનજીઓ વિગેરે હોશભેર જોડાયા છે. આજે સાંજે તાવા પ્રસાદ રાખેલ છે.

ઉપરાંત જે તે વિસ્‍તાર, ચોક કે રાજમાર્ગ ઉપર પણ સુંદર ફલોટ તથા લતા સુશોભન કરવામાં આવે છે. આ વખતે પણ જન્‍માષ્‍ટમીની ઉજવણી ભવ્‍ય રીતે કરવા અનેકવિધ સંસ્‍થા, ગ્રુપ, મંડળી, એનજીઓના પ્રતિનિધિઓ, આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો વિગેરે કાર્યરત છે. તૈયારીઓ જોતા આ વખતની જન્‍માષ્‍ટમી ખૂબ રંગે-ચંગે ઉજવવા માટે લોકોનો ઉત્‍સાહ ચરમસીમાએ છે.

રથયાત્રામાં ફલોટ લઈને જોડાવા માટેનો ઉત્‍સાહ જોતા તમામ ગ્રુપ, સંસ્‍થા, મંડળને રાહત મળે એવા શુભ આશયથી આ વર્ષે વિ.હિ.પ. દ્વારા કોઈપણ ગ્રુપ, સંસ્‍થા, મંડળ રથયાત્રામાં પોતાના ફલોટ સાથે જોડાવા માંગતા હોય તેમને જરૂરીયાત મુજબનું નાનુ કે મોટુ વાહન તદન નિઃશુલ્‍ક ધોરણે એ પણ ડ્રાઈવર અને પુરતું ઈંધણ પુરાવીને આપવાની જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત જે તે વિસ્‍તારમાં લતાસુશોભન કરવા માંગતા ગ્રુપ માટે રાહતદરે ઘ્‍વજા, પતાકા, ઝંડીઓ વિગેરે જેવી સામગ્રી રાહતદરે ઉપલબ્‍ધ કરાવવામાં આવી છે. જે માટે અગાઉ છેલ્લી તા. ૧૩ રાખવામાં આવી હતી. પરંતુ લોકોની લાગણીને ઘ્‍યાનમાં રાખીને આ તારીખમાં વધારો કરીને છેલ્લી તા. ૧પ કરવામાં આવી છે. જે કોઈ ગ્રુપ, સંસ્‍થા, મંડળ, એનજીઓ, નાના કે મોટા વાહન મેળવવા માંગતા હોય કે સુશોભન માટેની સામગ્રી મેળવવા ઈચ્‍છતા હોય તેઓએ તા. ૧પ ના રાત્રે ૮ કલાક સુધીમાં રૂબરૂ શ્રી જન્‍માષ્‍ટમી મહોત્‍સવ કાર્યાલય, ૮-મીલપરા ખાતે રજીસ્‍ટ્રેશન કરાવી લેવું તેમ શ્રી જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિ મહામંત્રી શ્રી નિતેશ કથીરીયાની યાદીમાં જણાવે છે.

સાંજે અને સોમવારે કાર્યક્રમ

જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિ દ્વારા આજે શનિવારે સાંજે ૭.૩૦ વાગ્‍યે સૂત્ર સ્‍પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ અને તાવા પ્રસાદ બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ મંદિર, કાલાવાડ રોડ ખાતે રાખેલ છે. તા. ૧૫ સોમવારે રાત્રે ૯ વાગ્‍યે હેમુ ગઢવી હોલમાં દેશભકિત અને કૃષ્‍ણભકિતનો સંદેશ આપતો ૩૬ કલાકારોનો સાંસ્‍કૃતિક કાર્યક્રમ યોજાનાર છે. બંને કાર્યક્રમોમાં તમામ કૃષ્‍ણ ભકતોને આમંત્રણ છે. લાભ લેવા મહોત્‍સવ સમિતિએ અપીલ કરી છે.

(3:42 pm IST)