Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

'ફકત મહિલાઓ માટે' ગુજરાતી ફિલ્મ ૧૯ મીથી રીલીઝ

એકટીંગનું કૌશલ્ય વિકસાવવુ હોય તો નાટકની દુનિયા ધમરોળો : યશ સોની * થીએટર અજમાવ્યા બાદ હવે મને ડીરેકટર બનવાની મહેચ્છા : દીક્ષા જોષી * 'ફકત મહિલાઓ માટે' ફિલ્મમાં સંઘર્ષ અને મુકિતની વાત

રાજકોટ તા. ૧૩ : આનંદ પંડીત અને વિશાલ શાહે બનાવેલ ગુજરાતી ફિલ્મ ''ફકત મહિલા માટે'' આગામી તા. ૧૯ મીથી દેશભરના થીએટરોમાં રીલીઝ થવા જઇ રહ્યુ છે.

આ ફિલ્મમાં મુખ્ય રોલ નિભાવી રહેલ યશ સોનીએ 'અકિલા' સાથેની મુલાકાતમાં જણાવ્યુ હતુ કે સ્ત્રીઓને ખરેખર શું જોઇએ છે તે વાત આ ફિલ્મમાં ખુબ હળવાશ સાથે સમજાવવાનો સરસ પ્રયાસ થયો છે. સાડીની દુકાન ધરાવતો એક મધ્યમ વર્ગીય યુવાન કેવી કશમકશ અનુભવે છે તે રજુ કરવામાં આવેલ છે. તેની આસપાસ સ્ત્રી પાત્રો વણાયેલા છે. માતા, બા, બહેનથી બચવા તે ઘર છોડીને દુકાને જાય છે તો ત્યાં પણ સ્ત્રીઓ સાથે જ પનારો રહે છે. કેમ કે તેનો ધંધો સાડીની દુકાનનો છે એટલે ગ્રાહકો પણ મહીલાઓ જ આવે છે. તેને એક ગર્લફ્રેન્ડ મળે છે તે તેની સાથે લગ્ન કરવા દબાણ કરે છે. છેવટે આ બધી સમસ્યાઓથી બચાવવા 'ચિંતન' નામનો આ યુવક અંબાજીના દર્શને જાય છે. અંબે માને પ્રાર્થના કરે છે એ માતાજી પ્રસન્ન થયા હોય તેમ તેને અદ્રશ્ય શકિતની અનુભુતિ થાય છે. બસ અહીં વળાંક આવે છે અને સ્ત્રીને સમજવાની શકિત તેને મળી જાય છે.

ફિલ્મમાં 'ચિંતન'નું પાત્ર નિભાવનાર યશ સોની કહે છે કે આ પહેલા પણ હું છેલ્લો દિવસ, ચાલ જીવી લઇએ, રાડો, નાડીદોષ જેવી ગુજરાતી ફિલ્મો કરી ચુકયો છુ. પણ આ ફિલ્મમાં કઇક નવો જ અનુભવ કર્યો. બધુ શુટીંગ અમદાવાદ અને અંબાજી ખાતે કરાયુ. જેમાં અંબેમાના ગરબા સહીત  બે સોંગ પણ કવર કરવામાં આવ્યા છે.

એકટીંગમાં આગળ વધવા શું ખ્યાલ રાખવો જોઇએ તેવા સવાલના જવાબમાં તેઓએ જણાવેલ કે થીએટર એટલે કે નાટક જગતને ખુબ ધમરોળો. હું પોતે પણ નાટકની દુનિયામાંથી જ આગળ આવ્યો છુ. બેક સ્ટેજનું કામ પણ મેં કરેલ છે. નાટકમાં કામ કરવાથી તમને જે તાલીમ મળે છે તેવી કયાંય નથી મળતી. એટલે જે લોકોએ એકટીંગનું કૌશલ્ય વિકસાવવુ હોય તેઓએ થીએટરમાં ખુબ અભ્યાસ કરવો જોઇએ તેવી મારી સલાહ છે.

ફિલ્મમાં 'સ્નેહા'નું પાત્ર ભજવતી દીક્ષા જોષીએ જણાવ્યુ હતુ કે હજુ પાંચ સાત વર્ષથી જ મે ફિલ્મ ક્ષેત્રે પ્રવેશ કર્યો છે. 'કરશનદાસ પે..', 'શરતો લાગુ' ફિલ્મો કરી ચુકી છુ. પણ હાલ 'ફકત મહિલાઓ માટે' ફિલ્મમાં મે જે આનંદ લુંટયો તેવો કયારેય નથી લુંટયો. ખાસ કરીને આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનજી સાથે કામ કરવા મળ્યુ તે બદલ તો અનહદ ખુશી અનુભવુ છુ. તેણી કહે છે કે મને એકટીંગ ઉપરાંત લખવાનો પણ ખુબ શોખ છે. એટલે એકટીંગ પછી હવે ડીરેકટર બનવાની પણ મારી મહેચ્છા છે.

સ્ત્રીઓને સમજવાના વિષયને આવેલ ફિલ્મ 'ફકત મહિલાઓ માટે' સૌએ અચુક નિહાળવા તેમણે અપીલ કરી હતી.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવી રહેલ ફિલ્મના હીરો યશ સોની અને હીરોઇન દીક્ષા જોષી નજરે પડે છે.

(3:37 pm IST)