Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

‘અમે તમારી પરંપરા નિભાવી, હવે અમારી પરંપરા નિભાવજો'

રાજકોટમાં યોજાયો ચેમ્‍બર ઓફ કોમર્સના સ્‍નેહમિલનનો કાર્યક્રમ CM ભૂપેન્‍દ્રભાઇ પટેલે કરી રમુજી ટકોર

રાજકોટઃ રાજકોટમાં ચેમ્‍બર ઓફ કોમર્સના સ્‍નેહમિલનનો કાર્યક્રમ યોજાયો. જેમાં CM ભૂપેન્‍દ્રભાઇ પટેલે રમુજી ટકોર કરી છે. મુખ્‍યમંત્રીએ રમુજી ટકોર કરતા કહ્યું કે, અમે તમારી પરંપરા નિભાવી છે, હવે અમારી પરંપરા નિભાવજો. અમારે શું જોઇએ તે તમને ખબર છે. એટલે અમે પણ ફરી તમારી પરંપરા નિભાવવા માટે આવી શકીએ એની તૈયારી શરૂ કરી દેજો. આગામી વિધાનસભા ચૂંટણીમાં અમારું ધ્‍યાન રાખજો.

તમને જણાવી દઇએ કે, ચેમ્‍બરના કાર્યક્રમમાં CMની પરંપરા છે, મોટા ભાગે ચેમ્‍બરના કાર્યક્રમમાં CMને જ બોલાવવામાં આવે છે. એટલે તેઓએ એ જ ધ્‍યાનમાં રાખીને કહ્યું હતું કે,: લોકો વરસાદની રાહ જોતા હોય છે અને આજે વરસાદની સારી શરૂઆત થઇ છે. આપણા કાર્યક્રમથી વરસાદની શરૂઆત થઈ તે ગૌરવની વાત છે. ત્‍યારે ચેમ્‍બરના કાર્યક્રમમાં અમે તમારી પરંપરા નિભાવી, હવે તમે અમારી પરંપરા નિભાવજો. તમારે કઇ પરંપરા નિભાવવી એ કહેવાની જરૂર નથી. આગામી વિધાનસભાની ચૂંટણીમાં અમારું ધ્‍યાન રાખજો. જો કે, CM ભૂપેન્‍દ્ર પટેલની આ રમુજી ટકોર હવે ચર્ચાનો વિષય પણ બન્‍યો છે.

વેપાર-ઉદ્યોગની વરિષ્ઠ અને ૬૭ વર્ષની મહાજન સંસ્‍થા રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝના વિશાળ સભ્‍ય પરિવારનું સ્‍નેહમિલન, સંગીત સંધ્‍યા અને વિવિધ ક્ષેત્રના પ્રતિભાશાળીઓના સન્‍માન સમારંભનું આયોજન સાંજના ૬ વાગ્‍યે ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આવેલા ગોલ્‍ડન કલ્‍યાણ પાર્ટી પ્‍લોટમાં કરવામાં આવ્‍યું હતું. રાજકોટમાં ચેમ્‍બર ઓફ કોમર્સના સ્‍નેહમિલન કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાન તરીકે રાજ્‍યના CM ભૂપેન્‍દ્રભાઇ પટેલ ઉપસ્‍થિત રહ્યાં. જેઓની સાથે મેયર, સાંસદ, મંત્રીઓ તથા વિવિધ સંસ્‍થાના હોદ્દેદારો અને ઉચ્‍ચ અધિકારીઓ પણ ઉપસ્‍થિત રહ્યાં હતાં.

(4:15 pm IST)