Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

મારા પતિને આત્‍મહત્‍યા સુધી દોરી જનાર વ્‍યાજખોરો સામે પગલાં કયારે ? પોલીસ કમિશ્નર સમક્ષ વિધવાનો પોકાર

ફ્રુટના ધંધાર્થી મનોજ વૈઠાએ પખવાડીયા પુર્વે ઝેર પી આત્‍મહત્‍યા કરી લીધી'તી : માસીક અને અઠવાડીક તોતીંગ વ્‍યાજ વસુલતા રાજુ બોરીચા, બચુ બોરીચા, ભાણા આહીર અને સુરેશ ભરવાડ હજુ પણ ધરપકડથી બચતા ફરે છે

રાજકોટ, તા., ૧૩:  આજી ડેમ ચોકડી પાસે માનસરોવર પાર્કમાં રહેતા કાજલબેન મનોજભાઇ વૈઠા નામના વિધવા ગૃહીણીએ આજે પોતાના સ્‍વગર્સ્‍થ પતિના ફોટા અને નોંધારા સંતાનો સાથે પોલીસ કમિશ્નર કચેરીએ ધસી આવી નવનિયુકત પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ સમક્ષ ન્‍યાયની માંગણી કરી હતી. તેમણે પત્રકારોને જણાવ્‍યું હતું કે, પંદરેક દિવસ પુર્વે ફ્રુટના ધંધાર્થી મારા પતિ મનોજભાઇ જયંતીલાલ વૈઠાએ તોતીંગ વ્‍યાજ વસુલતા વ્‍યાજખોરોની પઠાણી ઉઘરાણીથી ત્રાસી ઝેરી દવા પી જીંદગીનો અંત આણી દીધો હતો. આ બારામાં પોલીસે ૪ વ્‍યાજખોરો  રાજુભાઇ બચુભાઇ બોરીચા, બચુભાઇ બોરીચા, ભાણાભાઇ આહીર અને સુરેશભાઇ ભરવાડ સામે ગુન્‍હો નોંધ્‍યો હતો. જો કે આજ દિવસ સુધી એક પણ આરોપી સામે ધરપકડ સહીતના કાયદાકીય પગલાં લેવામાં આવ્‍યા નથી.

મારા પતિએ બોરીચા પિતા-પુત્ર સહીત ૪ પાસેથી ધંધા માટે અઠવાડીક અને માસીક વ્‍યાજે પૈસા લીધા હતા. લાંબો સમય સુધી રેગ્‍યુલર વ્‍યાજ ચુકવ્‍યા બાદ ધંધામાં મંદી આવતા વ્‍યાજ સમયસર ચુકવી શકતા ન હતા. આવા સંજોગોમાં ઘરે ધસી આવી અને રસ્‍તામાં આંતરી વ્‍યાજ અને પેનલ્‍ટી વસુલવા ચારેય વ્‍યાજખોરો દ્વારા

જાનથી મારી નાખવાની ધમકી આપી, મારકુટ કરવામાં આવતી હતી. જેનાથી ત્રાસી મારા પતિએ આત્‍મઘાતી પગલું ભરી લીધું હતું.

વ્‍યાજખોરો સામે કયાં કારણોસર પોલીસ આજ દિવસ સુધી પગલાં નથી લેતી? તેવો વેધક પ્રશ્ન વિધવા કાજલબેન વૈઠાએ પોલીસ કમિશ્નર સમક્ષ કરી ન્‍યાયની માંગણી કરી હતી. 

(3:30 pm IST)