Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

17મીએ ભારત અને દ.આફ્રિકા વચ્ચે રાજકોટમાં જામશે જંગ : ટીમ ઇન્ડિયાના સ્વાગત માટે ગરબા થીમ તૈયાર

ટીમ ઇન્ડિયાનું 15મી તારીખે રાજકોટમાં આગમન થશે : ખેલાડીઓને આવકારવા માટે વિવિધ આયોજન : રૂમમાં રાજસ્થાની થીમ ઉપર ઈન્ટીરિયર તૈયાર કરાયું:ખેલાડીઓને રાજા મહારાજા જેવું ફિલ થશે

રાજકોટ : આગામી 17મી જૂને રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડીયમ ખાતે ભારત અને દક્ષીણ આફ્રિકા વચ્ચે T-20 મેચ યોજાશે, ૨ વર્ષના લાંબા સમયગાળા બાદ રાજકોટમાં ઇન્ટરનેશનલ મેચ યોજાશે, જેને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રાજકોટમાં ભારતીય ક્રિકેટ ટીમને આવકારવા માટે ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે. ટીમ ઇન્ડિયાનું 15મી તારીખે રાજકોટમાં આગમન થશે, ભારતીય ક્રિકેટ ટીમ રાજકોટના કાલાવડ રોડ પર આવેલ સયાજી હોટેલ ખાતે રોકવાની છે જ્યાં ખેલાડીઓને આવકારવા માટે વિવિધ આયોજન કરવામાં આવ્યા છે.

ટીમ ઇન્ડિયાનું સ્વાગત કાઠીયાવાડી પરંપરા મુજબ થશે તો ખેલાડીઓને વેલકમ કરવા માટે ખાસ ગરબા પણ યોજવામાં આવશે, કાઠીયાવાડી પરંપરા મુજબ ગરબા થીમ ઉપર ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.ખેલૈયાઓ ભાતીગળ પહેરવેશ સાથે ગરબા લઈને ખેલાડીઓને આવકારશે જેનું રીહર્સલ પણ કરવામાં આવ્યું હતું.

ખેલાડીઓને રાજા મહારાજા જેવી ઠાઠ માઠ સુવિધાઓ અપાશે. ટીમ ઇન્ડીયાના ખેલાડીઓ જે રૂમમાં રોકવાના છે તેમાં ખાસ રાજસ્થાની થીમ ઉપર ઈન્ટીરિયર તૈયાર કરાયું છે જે ખેલાડીઓને રાજા મહારાજા જેવું ફિલ કરાવશે, રૂમ માં રજવાડી ઠાઠ સાથે ફાઈવસ્ટાર સુવિધાઓ ઉપલબ્ધ છે તો ખાસ કપ્તાન માટે હોટેલનો ડીલક્સ શ્યુટ તૈયાર કરવામાં આવ્યો છે.

(9:46 pm IST)