Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા. ૧૩ થી ૨૦ એપ્રિલ સુધીની આગાહી

બુધ- ગુરૂ- શુક્ર ગરમીમાં રાહત : ૧૬મીથી ઝાકળવર્ષા

કાલથી પવનનું જોર વધશે : તા. ૧૮ (રવિવાર)ના એકાદ દિવસ ગરમીમાં વધારો : હાલ નોર્મલ તાપમાન ૩૮ - ૩૯ ડિગ્રી ગણાય

રાજકોટ, તા. ૧૩ : હાલમાં ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. ગરમીનો પારો ૪૦ થી ૪૧ ડિગ્રીની આસપાસ ઘૂમી રહ્યો છે ત્યારે વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે ‘અકિલા’ સાથેની વાતચીતમાં જણાવ્યુ છે કે આવતીકાલથી ૩ દિવસ ગરમીમાં રાહત મળશે. તા. ૧૬ થી ૨૦ એપ્રિલ સુધી સવારના સમયે ઝાકળવર્ષાનું પ્રમાણ જોવા મળશે. તા. ૧૮ના રવિવારના એક દિવસ ગરમીમાં આંશિક વધારો જોવા મળશે. હાલ મહત્તમ નોર્મલ તાપમાન ૩૮ થી ૩૯ ડિગ્રી ગણાય. આવતીકાલથી પવનનું જોર પણ વધશે. પવનની ગતિ ૧૫ થી ૨૫ કિ.મી.ની રહેશે. મુખ્યત્વે પવન પડ્ઢિમ દિશાના ફૂંકાશે.

તેઓએ જણાવેલ કે હાલમાં ગરમીનું પ્રમાણ નોર્મલથી ૨ - ૩ ડિગ્રી ઉંચુ રહે છે. જેમ કે ગઈકાલે અમદાવાદ - ૪૧.૪, રાજકોટ - ૪૧, કેશોદ - ૪૧.૨, સુરેન્દ્રનગર ૪૧.૨, અમરેલી - ૪૧.૩, ગાંધીનગર ૪૧.૫, કંડલા એરપોર્ટ - ૪૧.૮ ડિગ્રી તાપમાન નોધાયેલ.

વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલે તા. ૧૩ થી ૨૦ એપ્રિલ સુધીની આગાહી કરતાં જણાવેલ કે આજનો દિવસ ગરમીનું પ્રમાણ યથાવત રહેશે. તા. ૧૪-૧૫-૧૬ (બુધ-ગુરૂ-શુક્ર) મહત્તમ તાપમાન નોર્મલ નજીક આવી જશે. એટલે કે હાલ કરતાં એકાદ - બે ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. તા. ૧૭ થી ફરી આંશિક વધશે. તા. ૧૮મીએ ફરી તાપમાન ૨ થી ૩ ડિગ્રી ઉંચુ જોવા મળશે. જયારે તા. ૧૯ અને ૨૦ના આંશિક ઉંચુ રહેશે.

હાલ પવન ૧૦ થી ૨૦ કિ.મી.ની ગતિએ ફૂંકાય છે. બપોર બાદ પવનની ઝડપ વધુ જોવા મળે છે. આવતીકાલથી પવનની ઝડપમાં વધારો જોવા મળશે. ૧૫ થી ૨૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. મુખ્યત્વે પવન પડ્ઢિમ દિશાના ફૂંકાશે.

તા. ૧૬ થી સવારે ભેજનું પ્રમાણ વધશે એટલે તા. ૧૬ થી ૨૦ એપ્રિલ દરમિયાન ૫ દિવસમાં ૩ થી ૪ દિવસ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તેમજ દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસમાંથી ૨-૩ દિવસ ઝાકળની શકયતા છે. એક વેસ્ટર્લી ટ્રફ ગુજરાત તરફથી ૨૪ કલાકમાં ૫.૮ કિ.મી.ના લેવલે પસાર થાય છે. તેને આનુસાંગિક સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કયાંક - કયાંક છાંટાછુટીની આવતીકાલ સુધીમાં ૫૦ ટકા શકયતા છે.

(1:47 pm IST)