Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

'શિવ સમાન દાતા નહી, વિપત વિદાવન હાર, અબ લજા મોરી રાખીયો શિવનંદીકે સવાર'

શિવોહમ શિવોહમ : ભોળાની ભકિતમાં રાજકોટ ભીંજાયુ

શિવાલોયોમાં ચાર પ્રહરની આરતી, પુજન, હોમ હવનના કાર્યક્રમોથી ધમધમ્યા : ભાંગની પ્રસાદનું વિતરણ : રાત્રે સત્સંગ કાર્યક્રમો

બમ બમ ભોલે... જય ગીરનારી : આજે મહાશિવરાત્રીના પાવન પર્વે શિવાલયો બમ બમ ભોલે, જય ગીરનારી, ઁ નમઃ શિવાયના નાદોથી ગુંજી ઉઠયા હતા. ભાવિક ભકતોએ વહેલી સવારથી દર્શન પૂજન માટે ભીડ લગાવી દીધી હતી. શિવરાત્રી હોય અને ભાંગનો પ્રસાદ ન હોય તેવું તો બને જ નહીંને. તમામ શિવમંદિરોમાં આજે ભાંગના પ્રસાદનું વિતરણ થયુ હતુ. રાજકોટના પંચનાથ મહાદેવ, જાગનાથ મહાદેવ, રામનાથ મહાદેવ સહીતના દેવાલયોમાં મહાશિવરાત્રી નિમિતે જામેલ માનવ મહેરામણના દ્રશ્યો તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર સંદીપ બગથરીયા )

રાજકોટ તા. ૧૩ : આજે મહાશિવરાત્રી હોય શહેરભરના શિવ મંદિરો બમ બમ ભોલે, ઁ નમઃ શિવાય, જય ગીરનારી જેવા નાદોથી વહેલી સવારથી જ ગુંજી ઉઠયા હતા.

મહાદેવજીને ફુલ તમેજ બીલીપત્રથી વિવિધ શણગાર કરી ભાવિકોએ અનોખી ભકિત અદા કરી હતી. આજે વિશેષરૂપ ચાર પ્રહરની આરતી, લઘુ અને મહારૂદ્રી, પાઠ, પૂજન, સ્તુતી, નામ જાપ, અભિષેક સહીતના કાર્યક્રમો અવિરત ચાલુ છે.

બપોરે મધ્યાહન આરતી સાથે ભાવિકોને ભાંગની પ્રસાદીનું વિતરણ કરાયુ હતુ. રાત્રે પણ ઠેરઠેર ભજન સત્સંગના કાર્યક્રમો આયોજીત થયા છે. જેની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.

કોટેશ્વર મંદિરે રાત્રે સત્સંગ-દીપમાળા

કોઠારીયા કોલોનીમાં આવેલ કોટેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રી નિમિતે સવારે ધ્વજારોહણ કરવામાં આવેલ. ભાવિકો દ્વારા જલાભિષેક, દુગ્ધાભિષેક, બીલીપત્ર ચડાવી ભગવાની ભકિત કરાઇ હતી. સાંજે કોટેશ્વર મહિલા મંડળ દ્વારા ધૂન-ભજનની રમઝટ બોલાવવામાં આવશે. તેમજ સાંજે ૧૦૮ દીપદાન દીપમાળાની ઓમકાર મહાઆરતી કરવામાં આવશે. સાથે ભોળાનાથને શ્રૃંગાર-દર્શન રાખેલ છે. રાત્રે ચાર પ્રહરની પુજા તથા મહાઆરતી કરવામાં આવશે.

ભોળેશ્વર મહાદેવ મંદિરે સાંજે ફરાળી પ્રસાદ

રૈયા રોડ પર આમ્રપાલી ફાટક પાસે આવેલ શ્રી ભોળેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રી નિમિતે આજે રાત્રે ૭:૩૦ થી ૯:૩૦ વાગ્યે ફરાળી મહાપ્રસાદનું આયોજન કરેલ છે. તેના દાત્તા મોહનભાઈ પીપળીયા પરીવાર, ભોળેશ્વર મહાદેવ મંદિર તથા યુવક મંડળ તરફથી નિમંત્રણ અપાયુ છે.

ચિત્રકુટધામ રામજી મંદિર

૪-ધર્મજીવન સોસાયટી, ભકિતનગર સર્કલ પાસે આવેલ ચિત્રકુટધામ રામજી મંદિર મંદિરે મહાશિવરાત્રી મહોત્સવ  નિમિતે સવારથી બપોર સુધી ષોડષોપચારથી પૂજન-અર્ચન, રૂદ્રાભિષેક કરવામાં આવેલ. સાંજે ૪:૩૦ વાગ્યે સંગીતમય શ્રી રૂદ્રપટક પાઠનું દિવ્ય રસપાન મહારાજ પોતાની આગવી શૈલીમાં કરાવશે. સાંજે ૭:૩૦ વાગ્યે શ્રી નર્મદેશ્વર મહાદેવજીની ભવ્ય સંધ્યા-શૃંગાર મહાઆરતી, તેમજ રાત્રે ૮:૩૦ વાગ્યે શ્રી નર્મદેશ્વર મહાદેવજીનો રૂદ્રાભિષેક કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા લઘુરૂદ્રી યજ્ઞ

સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા નાગર બોર્ડીંગ ખાતે આજે મહાશિવરાત્રી નિમિતે  સર્વ જ્ઞાતિ લઘુ રૂદ્રી હવન રાખવામાં આવ્યો છે. વિશળા સંખ્યામાં લાભ લઇ ધર્મપ્રેમીજનો ધન્યા બન્યા હતા.

 

(3:53 pm IST)