Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

રામેશ્વર શરાફી મંડળીના કોભાંડમાં ચેરમેન દુધાગરા અને મેનેજર વસોયાના વધુ ૪ દિ'ના રિમાન્ડઃ વધુ કલમોનો ઉમેરો

ડિરેકટરોની ખોટી સહીઓ કરી હોઇ આઇપીસી ૪૬૫, ૪૬૮, ૪૭૧નો ઉમેરોઃ વાઇસ ચેરમેન રૈયાણી જેલહવાલે

રાજકોટ તા. ૧૨: ઢેબર રોડ પર કાંતા સ્ત્રી વિકાસ ગૃહ સામે શ્રીમદ્દ ભવનના બીજા માળે ઓફિસ નં. એફ ૨૭, ૨૮માં બેસતી શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળીના સંચાલકો વિરૂધ્ધ નોંધાયેલી ૬૦ કરોડની ઠગાઇની ફરિયાદમાં ભકિતનગર પોલીસે ત્રણ આરોપીઓ મંડળીના ચેરમેન સંજય હંસરાજભાઇ દુધાગરા (રહે. એ. પી. પાર્ક), વાઇસ ચેરમેન ગોપાલ લક્ષમણભાઇ રૈયાણી (રહે. ખોડીયાર સોસાયટી મેઈન રોડ નંદા હોલ પાછળ, 'માતૃ છાંયા') અને મેનેજર વિપુલ રતિભાઇ વસોયા (રહે. મહેશ્વરી સોસાયટી, ૪૦ ફુટ રોડ, દેવપરા પાછળ)ની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં ૧૦ દિવસના રિમાન્ડ આજે પુરા થતાં વધુ રિમાન્ડની માંગણી સાથે ત્રણેયને કોર્ટમાં રજૂ કરાયા હતાં. જેમાં ચેરમેન અને મેનેજરના વધુ ૪ દિવસના રિમાન્ડ મંજુર થયા છે. જ્યારે વાઇસ ચેરમેન ગોપાલ રૈયાણીને જેલહવાલે કરવાનો આદેશ થયો છે.

આ કોભાંડની તપાસમાં સિટની રચના થઇ હોઇ ટીમ સતત પુરાવા એકઠા કરી રહી છે. છેતરપીંડીનો આંક ૩૧,૫૮,૩૯,૬૪૫ સુધી પહોંચી ગયો છે અને રોકાણકારોની સંખ્યા ૫૬૨ થઇ છે. આજે ત્રણેય આરોપીના રિમાન્ડનો ૯મો દિવસ છે.

કોભાંડના સુત્રધાર ચેરમેન સંજય દુધાગરા અને મેનેજરે ડિરેકટરોની ખોટી સહીઓ પણ કરી હોઇ જેથી પોલીસે આઇપીસી ૪૬૫, ૪૬૮, ૪૭૧ની કલમોનો ઉમેરો પણ કર્યો છે. દુધાગરા અને વસોયાના વધુ રિમાન્ડ મળતા તપાસ આગળ વધારાઇ છે.

ભકિતનગર પોલીસે રોકાણકારો પૈકીના સંજય જયંતીભાઈ સોજીત્રા (ઉ.વ.૪૧)ની ફરીયાદ પરથી ગુન્હો નોંધવામાં આવ્યો હતો. ફરીયાદી અને બીજા ૧૬ થાપણદારોએ જુદી જુદી સ્કીમમાં પોતાના નાણા રોકયા હતા. પાકતી તારીખે ફરીયાદીના ૩૧ લાખ ૬૭ લાખ અને અન્ય ૧૬ના ૨ કરોડ ૮૦ લાખ ૨૨ હજાર ૯૦૦ સહિત ૩ કરોડ ૧૧ લાખથી વધુ ઓળવી ગયાની ફરીયાદ નોંધી હતી.

 ડીસીપી પ્રવિણકુમાર મીણાની રાહબરીમા સિટની ટીમના અધ્યક્ષ એસીપી એચ. એલ. રાઠોડ, પીઆઇ જે. ડી. ઝાલા, ભકિતનગરના પીએસઆઇ કામલીયા અને થોરાળાના પીએસઆઇ જી. એસ. ગઢવી તથા બે રાઇટરો નિલેષભાઇ મકવાણા અને ઘનશ્યામભાઇ મેણીયા વધુ તપાસ કરે છે.

(4:12 pm IST)