Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

ટી-સીરીઝ કંપનીનો વિરોધ કરતા ફોટોગ્રાફર - વિડીયોગ્રાફરોઃ રેલી- આવેદન

સૌરાષ્ટ્ર- કચ્છના ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર ઉપર અમાનુષી અત્યાચાર બંધ કરોઃ નિયમ મુજબ ધાર્મિક અને લગ્ન કાર્યોમાં ઓડીયો મુકવો એ કોઇ ગુનો નથી છતાં પણ ટી-સીરઝ કંપની ફોટોગ્રાફરો ઉપર તંત્રનો સહયોગ લઇ ગેરકાયદે દરોડા પાડે છે

રાજકોટ, તા. ૧૩ : દેશની નામી ઓડીયો કંપની ટી - સીરીઝ ઉપર ફોટોગ્રાફરો અને વિડીયોગ્રાફરો ખફા થયા છે. ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર ઉપર ટી - સીરીઝ કંપનીનો અમાનુષી અત્યાચાર બંધ કરવાની માંગ સાથે સૌરાષ્ટ્ર - કચ્છના જિલ્લા તથા તાલુકા ફોટો વિડીયોગ્રાફર એસોસીએશન દ્વારા આગામી તા.૧૬ના મંગળવારે સવારે ૧૦ વાગ્યે મેઘાણી રંગભવન ખાતે સૌપ્રથમ મીટીંગ મળશે બાદ ૧૧ વાગ્યે બહુમાળી ભવન ખાતેથી રેલી નીકળશે. રેલી બાદ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતને આવેદન આપવામાં આવશે. જો કે રેલી માટે મંજૂરી મળી ન હોવાનું એસો.ના આગેવાનોએ જણાવ્યુ હતું.

રાજકોટ ફોટોગ્રાફર્સ એસો.ના આગેવાનોએ જણાવેલ કે અમે સૌ ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર લોકોના ધાર્મિક અને સામાજી કાર્યક્રમોનું વિડીયો કવરેજ કરીએ છીએ જેની અંદર વિડીયો શૂટીંગ દરમિયાન આવેલા ઘોંઘાટને દબાવવા માટે અમો વર્ષોથી જુદી - જુદી જાતના ઈન્સ્ટ્રુમેટલ સોંગ અને ફિલ્મી ગીતોનો ઉપયોગ કરીએ છીએ. જે માત્રને માત્ર પાર્ટીના પર્સનલ ઘરમાં જોવા માટે હોય છે. આપણે સમજી શકીએ છીએ કે લગ્નની કેસેટ કોઈ થિયેટરમાં કે ટેલિવિઝનમાં બ્રોડકાસ્ટ કરવા માટે બનાવતા નથી. નિયમ મુજબ ધાર્મિક કાર્યોમાં ઓડીયો મૂકવો એ કોઈ ગુન્હો નથી છતાં પણ ટી-સીરીઝ જેવી રેપ્યુટેડ કંપની ફોટોગ્રાફરો ઉપર પોલીસનો સપોર્ટ લઈ ગેરકાયદેસર રીતે દરોડા પાડે છે અને તેનું લાયસન્સ લેવા ધમકાવે છે તેના સેલ્સ પર્સનો જાણે તેમની પ્રોડકટ ધાક - ધમકીથી વેચવા માટે નિકળ્યા હોય તેવું અમાનવીય વર્તન સ્ટુડિયો - ફોટોગ્રાફર - વિડીયોગ્રાફર તથા એડીટર વેપારીઓ સાથે કરે છે અને એટલુ જ નહિં પોલીસના અધિકારનો દુરઉપયોગ કરી સામાન્ય ફોટોગ્રાફર ઉપર રેડ કરી તેમના આજીવિકાના સાધનો કબ્જે કરી જપ્ત કરી લઈ જાય છે તેની ધરપકડ પણ કરાવે છે જાણે તેમણે કોઈ મોટો ગુન્હો કર્યો હોય અમુક નાના - નાના ફોટોગ્રાફરો માટે તો આજ એક આજીવિકાનું સાધન હોય છે તો ઘણા આ માટે ડરને કારણે પોતાનો ધંધો બંધ કરી કોમ્પ્યુટરો સગે-વગે કરી ધંધા વિહોણા બેઠા છે જે દેશની સરકાર માટે દુઃખદાયક છે. રોજગારી વધે નહિં તો કાંઈ નહિં હાલ તો જે લોકો રોજગાર છે તે પણ બિચારા આવી એક કંપનીના ત્રાસને કારણે બેરોજગાર બની રહ્યા છે. સમાજમાં ફોટોગ્રાફર એક એવી જરૂરી વ્યકિત છે જે પોતાની આર્ટની મદદથી લોકોના પ્રસંગને આજીવન યાદગાર બનાવે છે. તેને વિડીયોમાં ગીત મૂકવા હોય તો તે પોતાના ઉપયોગ માટે કે તે ગીત મૂકવાના એકસ્ટ્રા રૂપિયાનો ચાર્જ લેતા નથી.

તો આ બાબતે સામાન્ય ફોટોગ્રાફરને આ એક પ્રાઈવેટ કંપની જે રીતે ડરાવીને પોતાની પ્રોડકટનું દબાણપૂર્વક લાયસન્સ લેવાની ફરજ પાડે છે તે શું વ્યાજબી છે? જેના માટે તે કંપની વાર્ષિક રૂ. ૧૫ હજાર ફી લેવા માગે છે તો શું આ યોગ્ય છે? આ બાબત સરકાર અને પોલીસ અમારી વાત સાંભળે તેવો અનુરોધ કરાયો છે.

તસ્વીરમાં ફોટોગ્રાફરો - વિડીયોગ્રાફરો સર્વેશ્રી જેન્તીભાઈ સોરઠીયા (મો.૯૮૨૫૩ ૬૩૩૭૭), રાજુભાઈ જીયાણી, મુકેશભાઈ હરખાણી, સુનિલ નકુમ, હિતેશ ભાયાણી, અરવિંદ વઘાસીયા, પરીન પારેખ, ખોડીદાસ પટેલ, મહેન્દ્ર વરસાણી, રાજુ જાગાણી નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૧૯)

(4:09 pm IST)