Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

કાલે આકાશ રંગબેરંગી પતંગોથી છવાઇ જશે

એ કાય પો છે... ના નારા સતત ગુંજતા રહેશેઃ બાળકોથી માંડી મોટેરાઓ આખો દિવસ અગાસી-ધાબાઓ ઉપર વિતાવશે : ફિલ્મી ગીતોની મોજ માણવાની સાથે -સાથે જીજંરા, બોર, ચીકી, ઉંધીયું, ખીચડાની જયાફત માણશેઃ આજે પતંગ બજારમાં જોરદાર ધરાકી જામશે

રાજકોટ, તા. ૧૩ : ખાસ કરીને બાળકોનો પર્વ એટલે મકરસંક્રાંતિ. યુવાવર્ગ પણ આતુરતાથી રાહ જોઈ રહ્યો હોય તેવા આવતીકાલે ઉત્તરાયણ પર્વ છે. નાનાથી માંડી મોટેરાઓ અગાસી ધાબાઓ ઉપર વ્હેલી સવારથી પતંગ ઉડાડવાની મોજ માણશે.

બાળકોથી માંડી મોટેરાઓ કાલે સવારથી અગાસીઓ ઉપર ચડી જશે અને આખો દિવસ પતંગ ઉડાડવાની મજા માણશે. આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જશે. જો પવનદેવતા રાજી હશે તો પતંગ પ્રેમીઓને મજા મજા પડી જશે. આખા દિવસ દરમિયાન એ કાય પો છે... ઢીલ દે ઢીલ દે દે રે ભૈયા... જેવા નારાઓ ગુંજશે.

આકાશમાં રંગબેરંગી પતંગોનો નજારો જોવા મળશે. આ વખતે નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધીના ફોટાવાળી, સોનુ તને મારા પર ભરોસો નહિં કે, બાલવીર, બાહુબલી, ડોરેમોન જેવી અનેકવિધ નવી વેરાયટીઓવાળી પતંગો આકર્ષણ જમાવશે.

આવતીકાલે મકરસંક્રાંતિ છે મોટાભાગના લોકો મકરસંક્રાંતિના આગલા દિવસ પતંગ દોરાની ખરીદી કરતા હોય છે આજે આખો દિવસ તેમજ રાત્રીના સમયે પતંગ બજારોમાં તેમજ ખાસ કરીને અહિંના સદર બજારમાં પતંગ - દોરાની ખરીદીની ભારે ભીડ જોવા મળતી હોય છે. લગભગ આખી રાત આ બજાર ખુલ્લુ રહે છે ભારે ભીડ જામતી હોય છે.

આવતીકાલે રવિવાર અને રજાનો દિવસ હોય પતંગપ્રેમીઓમાં ઉત્સાહ બેવડાયો છે. પતંગ પ્રેમીઓને પતંગ ઉડાડવાની મોજેમોજ પડી જશે.

પતંગ ઉડાડવાની સાથે - સાથે ચીકી, જીંજરા, શેરડી, ઉંધીયુ સહિતની વાનગીઓની મોજ માણવા મળશે. રાત્રીના સમયે ફાનસ ચગાવવાની પણ પતંગપ્રેમીઓ મજા માણશે.

(11:54 am IST)