Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

મોરબી રોડ પરના ગોડાઉનમાંથી ૫૫ હજારના પાન-મસાલાની ચોર કરનાર વિશાલ અને યોગેશ પકડાયા

બી-ડિવીઝન પોલીસે ભેદ ઉકેલ્યોઃ એએસઆઇ સલિમભાઇ માડમ, કોન્સ. ચાંપરાજભાઇ અને દિવ્યરાજસિંહની બાતમી

રાજકોટ તા. ૧૨: શહેરના મોરબી રોડ જકાતનાકા પાસે શ્રી સેલ્સ એજન્સી નામના ગોડાઉનમાં ચાર દિવસ પહેલા રાત્રીના સમયે પતરા ઉંચકી અંદર ઘુસી ચોર રૂ. ૫૫૧૩૦ની માલમત્તા ઉસેડી ગયા હતાં. આ ગુનાનો ભેદ બી-ડિવીઝન પોલીસે ઉકેલી નાંખી બે શખ્સને ઝડપી લીધા છે. આર્થિક ભીંસને કારણે બંનેએ ચોરી કર્યાનું રટણ કર્યુ હતું. 

બનાવ અંગે મોરબી રોડ ખોડિયાર પાર્ક-૧ ધોળકીયા સ્કૂલ પાસે રહેતાં એજન્સીના માલિક અંકુરભાઇ કિશોરભાઇ રાજાની ફરિયાદ પરથી ગુનો નોંધાયો હતો. તસ્કરો તા. ૮ના રાત્રીના નવથી ૯ના સવારના સાત સુધીના સમયમાં ગોડાઉનના લોખંડના પતરા ઉંચકી તસ્કરો રૂ. ૮૯૦૦ની બાગબાન તમાકુ, રૂ. ૧૩૩૦૦નું શિવાજી બીડીનું કાર્ટૂન તથા અલગ અલગ બ્રાન્ડના રૂ. ૧૯૯૦૦ના ગુટખાના પેકેટ્સ તેમજ અલગ અલગ કંપનીની રૂ. ૧૨૨૦૦ની સ્ગિારેટ અને રૂ. ૯૩૦ના પાન મસાલા ચોરી ગયા હતાં.

આ ગુનાનો ભેદ એએસઆઇ સલિમભાઇ માડમ તથા કોન્સ. ચાંપરાજભાઇ ખવડ અને દિવ્યરાજસિંહ જાડેજાની બાતમી પરથી ઉકેલી બે શખ્સ રિક્ષાચાલક વિશાલ મધુસુદનભાઇ કોટક (ઉ.૪૧-રહે. રહે. રામ પાર્ક સેટેલાઇટ ચોક શેરી નં.૩) તથા તેના મિત્ર ઇમિટેશનનું કામ કરતાં યોગેશ મનસુખભાઇ પરમાર (ઉ.૩૦)ને મોરબી રોડ પર માલ વેંચવા નીકળતાં પકડી લઇ ચોરેલો તમામમુદ્દામાલ કબ્જે કર્યો છે.

સીસીટીવી ફૂટેજની મદદથી અને બાતમીને આધારે આ ભેદ ઉકેલાયો હતો. ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ. આર. ટંડેલની સુચના અને પીઆઇ એમ. બી. ઓૈસુરાની રાહબરીમાં પીએસઆઇ એચ. એમ. જાડેજા, એએસઆઇ એસ. એમ. માડમ, હેડકોન્સ. કે. કે. નિકોલા, પી. ડી. ખાંભરા, કોન્સ. હેમેન્દ્રભાઇ વાધીયા, દિલીપભાઇ ખાંભરા, મિતેષભાઇ આડેસરા, ચાંપરાજભાઇ ખવડ, મહેશભાઇ ખાંભલીયા, દિવ્યરાજસિંહ જાડેજા તથા કિશન સબાડે આ કામગીરી કરી છે.

પકડાયેલા બંને આર્થિક ભીંસમાં હોઇ જેથી આ ચોરી કર્યાનું રટણ કર્યુ હતું. હાલમાં બંનેએ જ્યાં ચોરી કરી ત્યાં અગાઉ લાદીનું ગોડાઉન હતું. એ ગોડાઉનમાં પણ જે તે વખતે ચોરીનો પ્રયાસ થયો હતો. હાલ  અહિ પાન બીડી પાન મસાલાનું ગોડાઉન ચાલુ થયાની વાતથી વિશાલ વાકેફ હોઇ અને પૈસાની જરૂર હોઇ ૮મીએ રાતે બંને પતરા ઉંચકી અંદર ઘુસ્યા હતાં અને ચોરી કરી હતી.

(3:28 pm IST)