Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

હાશ... રાજકોટ ખાડામુકત બનશે

ત્રણેય ઝોનમાં તબક્કાવાર રસ્તાના ડામર પેચવર્ક શરૂ કરાયા : ૪ થી ૫ દિ'માં કામ પૂર્ણ થશે : અરોરાની ખાત્રી

રાજકોટ તા. ૧૨ : ભારે વરસાદને પગલે રસ્તાઓને નુકસાન થયું હતું. તાજેતરનાં દિવસોમાં સતત વરસાદ ચાલુ રહયો હતો જેના કારણે ડામર પેચ વર્ક શકયું બન્યું હતું. અલબત વરસાદ દરમ્યાન મેટલથી રસ્તા પરના ખાડા બુરવામાં આવતા હતાં. જોકે હવે વરસાદ રહી ગયો હોઈ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્રણેય ઝોનમાં તબક્કાવાર દરેક વોર્ડમાં ડામર પેચ વર્ક શરૂ કરી દેવામાં આવેલ છે. જેમાં મુખ્ય રસ્તાઓને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.

તાજેતરમાં જ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ ખીરસરા ખાતે આવેલ, પેવર કામમાં વાપરતા મટિરિયલ બનાવવા માટેના પવન કન્સ્ટ્રકશન કંપનીના પ્લાન્ટની મુલાકાત લીધી હતી. આ સાઈટ વિઝિટ દરમ્યાન કમિશનરશ્રીએ પેવર પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવતા મટિરિયલ વિશે ઊંડાણપૂર્વક માહિતી પ્રાપ્ત કરી હતી. સાથોસાથ આસ્ફાલ્ટ પેચ (ડામર પેચ) વર્ક માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલી તૈયારીની સમીક્ષા પણ કરી હતી.

દરમિયાન આજે સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નંબર ૭ અને ૧૪, તથા વેસ્ટ ઝોનમાં વોર્ડ નંબર ૧૧ અને ઇસ્ટ ઝોનમાં ૪ માં કામગીરી કરવામાં આવી હતી તેમજ આવતીકાલે સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં. ૨, ૭, ૧૩ અને ૧૪ તેમજ વેસ્ટ ઝોનમાં વોર્ડ નં. ૯, ૧૦, ૧૧ અને ૧૨ અને ઇસ્ટ ઝોનમાં વોર્ડ નં.૪ માં રસ્તામાં ડામર પેચ વર્કની કામગીરી કરવામાં આવશે.

(3:27 pm IST)