Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

અમરેલીના ગુજસીટોકના આરોપી શૈલેષને કારણે રાજકોટના પીએઅસાઇ અને બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ

રાજકોટ જેલમાંથી આરોપીને રાજુલા કોર્ટમાં રજૂ કરી ત્યાંથી પરત લાવતી વખતે તેના ઘરે લઇ ગયાનો આરોપઃ કોઇએ અમરેલી એસપી નિર્લિપ્ત રાયને ફોટા મોકલતાં કાર્યવાહી

રાજકોટ તા. ૫ઃ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની બજરંગવાડી પોલીસ ચોકીના પીએસઆઇ અને પોલીસ હેડકવાર્ટરના બે કોન્સ્ટેબલ રાજકોટ સેન્ટ્રલ જેલમાં બંધ અમરેલીના ગુજસીટોકના આરોપી શૈલેષ નાથાભાઇ ચાંદુ (રહે. દોલતી તા. સાવરકુંડલા)ને રાજુલાની કોર્ટ ખાતે મુદ્દતમાં લઇ ગયા બાદ તેના ઘરે દોલતી ગામે લઇ ગયાના ફોટા ત્યાંના કોઇ નાગરિકે મોબાઇલથી પાડી લઇ અમરેલી એસપી નિર્લિપ્ત રાયને મોકલી દેતાં તેમણે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને જાણ કરતાં તુરત જ શ્રી અગ્રવાલે પીએસઆઇ અને કેદી પાર્ટીના બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાનો હુકમ કરતાં પોલીસબેડામાં ચકચાર મચી ગઇ છે.

અમરેલીના ગુજસીટોકના ગુનામાં પકડાયેલા આરોપી શૈલેષ ચાંદુને રાજકોટની જેલમાં રખાયો છે. અહિથી તેની રાજુલા કોર્ટ ખાતે મુદ્દત હોઇ કેદી પાર્ટીમાં પીએસઆઇ એમ. બી. ગઢવી તથા હેડકવાર્ટરના બે કોન્સ. પૂર્વદિપસિંહ ગીરવાનસિંહ અને વિરેન્દ્રસિંહ બળદેવસિંહ જાડેજા સરકારી ગાડીમાં આરોપી શૈલેષને રાજૂલા કોર્ટમાં હાજર રાખવા લઇ ગયા હતાં. ત્યાં મુદ્દત પુરી થયા બાદ વળતાં આરોપીને તેના દોલતી ગામના ઘરે લઇ જવાયો હતો. અહિ કોઇ જાગૃત નાગરિકે ફોટા પાડી લઇ અમરેલી એસપીને મોકલી દીધા હતાં. તેમણે તપાસ કરાવી સીસીટીવી ફૂટેજ ચેક કરાવતાં કેદી પાર્ટીના માણસો શૈલેષને તેના ઘરે પરિવારજનોને મળવા લઇ ગયાનું જણાતાં રાજકોટ પોલીસ કમિશનરને રિપોર્ટ કરવામાં આવ્યો હતો. એ સાથે જ પીએસઆઇ અને બંને કોન્સ્ટેબલને હાલ તુર્ત સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. (૧૪.૫)

હું આરોપીને તેના ઘરે નથી જ લઇ ગયો, એના ગામમાં માત્ર પાણી પીવા ઉભા'તાઃ પીએસઆઇ ગઢવી

આરોપીને ગાડીમાંથી નીચે પગ પણ મુકવા દીધો નથીઃ ડ્રાઇવરે રૂટ ટૂંકો છે એમ કહી એ રસ્તેથી ગાડી હંકારી'તીઃ આરોપીનું ગામ છે એવી ખબર પણ નહોતી

. દરમિયાન પીએસઆઇ એમ. બી. ગઢવીએ જણાવ્યું હતું કે કોર્ટની મુદ્દત પુરી થયા પછી ગાડીના ડ્રાઇવરે ટૂંકા રૂટ પરથી જઇ શકાય છે, સમય બચશે તેમ કહ્યું હતું અને આરોપીએ પણ તેની વાતમાં હામી પુરાવી હતી. હું આ રૂટ પર પહેલી જ વખત ગયો હોઉ અજાણ હતો. એ દરમિયાન રસ્તામાં આરોપીનું ગામ આવ્યું હતું. અહિ અમે ગાડી ઉભી રખાવી માત્ર પાણીની ચાર બોટલો લીધી હતી. એ બોટલો પણ પૈસાથી લીધી હતી. આરોપીને તેના ઘરે લઇ જવાની વાત તો દૂર એને ગાડીમાંથી પગ પણ નીચે મુકવા દીધો નથી. જે કોઇએ ફોટા પાડ્યા હશે એ માત્ર ગાડી ઉભી રાખી અને પાણીની બોટલો લીધી એના હોઇ શકે. મેં જવાબદાર અધિકારી તરીકે આરોપી ભાગી ન જાય તેની પુરી તકેદારી રાખી હતી. તેના ઘરે લઇ જઇ સવલત પુરી પાડ્યાનો આરોપ તદ્દન પાયાવિહોણો છે.

(12:06 pm IST)