Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

ચુનારાવાડના મનોજની ઘર નજીક રિક્ષામાંથી ગળાફાંસાના નિશાન સાથે લાશ મળીઃ મોતનું રહસ્ય ઉકેલવા મથામણ

સવારે ચાર વાગ્યે કામે જવા નીકળ્યો પછી સવારે સાતે છકડોમાંથી લાશ મળી

રાજકોટ તા. ૧૨: ચુનારાવાડમાં રહેતાં કોળી યુવાનની તેના ઘર નજીક છકડો રિક્ષામાંથી લાશ મળી આવતાં અને ગળા પર ફાંસાના નિશાન જોવા મળતાં પોલીસે પોસ્ટ મોર્ટમ કરાવતાં તેમાં પણ મોત ફાંસાથી થયાનું જાહેર થયું હતું. જો કે ગળાફાંસો તેણે રિક્ષામાં ખાધો કે પછી ઘરમાં? લાશ છકડામાં કયાંથી આવી? છકડામાં ફાંસો ખાધો તો લાશ ઉતારી કોણે? તે સહિતના મુદ્દે તપાસ થઇ રહી છે.

જાણવા મળ્યા મુજબ ચુનારાવાડ શેરી નં. ૩માં રહેતાં મનોજ જીકાભાઇ સરવૈયા (ઉ.વ.૨૫) નામના કોળી યુવાનની તેના ઘર નજીક સવારે સાતેક વાગ્યે છકડો રિક્ષામાં લાશ પડી હોવાની જાણ ૧૦૮ મારફત પોલીસને થતાં થોરાળાના પીએસઆઇ ગોહિલ અને રાઇટર ભરતભાઇએ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી અને મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

પોલીસે લાશનું પંચનામુ કરતાં મૃતક મનોજના ગળા પર ફાંસાના નિશાન જોવા મળ્યા હતાં. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં પણ મોત ફાંસાથી થયાનું જણાવાયું હતું. સવારે ચાર વાગ્યે તે કામે જવાનું કહીને નીકળ્યો હતો. તે ભાડાની છકડો રિક્ષા હંકારતો હતો. એ પછી સવારે સાતેક વાગ્યે મજૂરો આવતાં તેણે છકડામાં સુતેલા મનોજને જગાડતાં નહિ જાગતાં તેના પરિવારજનોને જાણ કરાઇ હતી અને ૧૦૮ બોલાવાઇ હતી.

એએસઆઇ જે. જે. માઢક અને દર્શનભાઇએ પ્રાથમિક કાર્યવાહી કરી હતી. વધુ તપાસ પીએસઆઇ ગોહિલ અને ભરતભાઇએ હાથ ધરી છે. મૃતક યુવાન બે ભાઇ અને બે બહેનમા ત્રીજો હતો અને છુટક મજૂરી કરતો હતો. સંતાનમાં એક પુત્ર અને એક પુત્ર છે. મૃતકને નશો કરવાની પણ આદત હતી. તેમજ અગાઉ પણ પોતાના માથામાં કાચ ફોડ્યા હતાં.

બનાવ કઇ રીતે બન્યો? તેની તપાસ યથાવત રાખવામાં આવી છે.  પોલીસે છકડા રિક્ષામાં રાખવામાં આવતું દોરડુ કબ્જે કર્યુ છે.

(3:36 pm IST)