Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

અમદાવાદની ભાગીદારી પેઢીના ભાગીદારો સામે પ૦ લાખનો ચેક રિટર્ન થતા ફરીયાદ

રાજકોટ તા. ૧ર : રાજકોટમાં સહારા કન્સ્ટ્રકશન કંપનીના ભાગીદાર ઘનશ્યામભાઇ પોપટભાઇ પાંભર રહે. ''પરમ'' બ્લોક નં.૪૯/એ ઓમનગર, ૧પ૦ ફુટ રીંગ રોડ, મવડી રોડ નજીક, રાજકોટનાઓએ અમદાવાદની કેનાઇન્ફ્રાકોન ભાગીદારી પેઢીના ભાગીદારો અંકુરભાઇ સતાસીયા તથા ભરતભાઇ શીરોયા સામે જામનગરના ખાવડી ખાતે કન્સ્ટ્રકશન સાઇટનું કામ કરેલ તે સબંધે અમદાવાદની પેઢી દ્વારા આપવામાં આવેલ રૂ.પ૦ લાખથી વધુના ચેક રીટર્ન થતા રાજકોટ કોર્ટમાં ચેક ડિસઓનર સબબ ફરીયાદ દાખલ કરેલ છે.

રાજકોટની સહારા કન્સ્ટ્રકશન કંપનીએ વર્ષ-ર૦૧પ થી ર૦૧૯ સુધી જામનગરના મોટી ખાવડી ખાતે કન્સ્ટ્રકશન સાઇટનું કામ શરૂ કરેલ હતું. શરૂઆતમાં અમદાવાદની પેઢી દ્વારા સાઇટ પર કરવામાં આવેલ કામનું વળતર અપાયેલ પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી અમદાવાદની પેઢી દ્વારા ફરીયાદી પેઢીને સાઇટ પર કરેલ કામનો કોઇપણ વળતર ચુકવાયેલ ન હતું. જે અંગે ફરીયાદી પેઢીના હિસાબો તથા અમદાવાદની પેઢીનું સ્ટેટમેન્ટ ઓફ એકાઉન્ટ જોઇ તપાસતા આરોપી પેઢી પાસેથી કુલ રૂ.૬ર,૮૩,૯૭૦/ જેટલી રકમ ફરીયાદીના ચોપડે બાકી નીકળતી હતી. ફરીયાદી પેઢીએ આ અંગે અમદાવાદની પેઢીના ભાગીદારોને વાત કરી સુચના આપતા તથા સાઇટ પર કરેલ કામનો વળતરનો હિસાબ માંગતા પ્રથમ અમદાવાદની પેઢી દ્વારા તેઓને ખોટા વાયદાઓ આપવામાં આવેલ.

છેલ્લે રાજકોટની પેઢીના ભાગીદારોએ કાયદાકીય પ્રક્રિયા આગળ ધપાવી અમદાવાદના ભાગીદારો પાસેથી હિસાબો મુજબનું કાયદેસરનું લેણુ માંગતા અમદાવાદની પેઢીના ભાગીદારોએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા, નિકોલ રોડ, અમદાવાદ શાખાના ચેક ફરીયાદીની તરફેણમાં ઇસ્યુ કરેલ હતો. અમદાવાદની પેઢીએ ઇસ્યુ કરી આપેલ ચેકની વસુલાત મેળવવા બેંકમાં રજુ રાખતા, સદરહું ચેક આરોપી પેઢીના ખાતાના રકમના અભાવે ડિસઓનર થયેલ. જેથી આરોપીઓને નોટીસ પાઠવી, ચેક ડિસઓનરની જાણ કરવામાં આવેલ તથા ડિસઓનર થયેલ ચેકની રકમ ડિમાન્ડ કરવામાં આવેલ પરંતુ તેઓએ નોટીસ પીરીયડમાં કોઇ પ્રત્યુતર પાઠવેલ નહી કે ડિસઓનર થયેલ ચેકની રકમ ચુકવેલ નહી, જેથી રાજકોટ કોર્ટમાં આરોપીઓ સામે નેગો.ઇસ્ન્ટ્રુ્રુ. એકટના પ્રબંધો મુજબ ફોજદારી ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે.

કોર્ટએ ફરીયાદની વિગતો અને રેકર્ડ ઉપરના દસ્તાવેજો ધ્યાને લઇ, આરોપીઓ ઉપર સમન્સ ઇસ્યુ કરી, આગામી મુદતે હાજર થવા વિકલ્પે ફરીયાદીના બેંક એકાઉન્ટમાં ચેકની રકમ જમા કરાવવાનો આદેશ આપતો સમન્સ ઇસ્યુ કરેલ છે.

(2:43 pm IST)