Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

વિમા કંપની વ્યાજબી કારણ વગર કપાત કરી શકે નહી : ગ્રાહક ફોરમે આપેલ ચુકાદો

રાજકોટ,તા.૧૨ : વીમા કંપનીઓ રિઝનેબલ તથા કસ્ટમરી કારણસર કપાત કરી શકે નહીં તેવો ગ્રાહકની તરફેણમાં મહત્વપૂર્ણ ચૂકાદો ગ્રાહક તકરાર ફોરમે આપેલ હતો.

આ કેસની હકીકત જોતા વીમાધારક મનીષભાઈ પટેલ દ્વારા પોતાના પરિવારની સુરક્ષા માટે મેડીકલ પોલિસી લીધેલ હતી અને આ પોલિસી અંતર્ગત જુદી જુદી બીમારીઓ સામે રક્ષણ મળી રહે તે પ્રકારની શરતો હતી. મનીષભાઈના પત્નીને બીમારી સબબ હોસ્પિટલાઈઝેશનની જરૂરિયાત ઊભી થતા હોસ્પિટલાઈઝ થયેલ હતા અને સારવાર કરાવેલ હતી અને સારવારનો ખર્ચ રૂપિયા ૧,૯૧,૮૪૦/- ચૂકવી આપેલ. સદરહુ ખર્ચ મનીષભાઈએ લીધેલ વીમા પોલિસી અંતર્ગત મજરે મળી શકે તેમ હોવાથી હોવાથી વીમા કંપની સમક્ષ કલેઇમ દાખલ કરેલ, તમામ મેડીકલ પેપર્સ તથા ખર્ચ ના બીલ રજુ કરેલ.

વિમા કંપનીએ રિઝનેબલ તથા કસ્ટમરી કારણસર રૂપિયા ૧,૧૪,૦૦૪/- કપાત કરી ૭૭૮૩૬ ચૂકવી આપેલ. વિમા ધારકે વિમા કંપની સમક્ષ લેખિત મૌખિક રજૂઆતો કરી તેમ છતાં વિમા કંપની ટસ કે મસ ન થતાં વિમા કંપનીના આવા જડ વલણથી નારાજ થઈ ગ્રાહક મનીષભાઈ પટેલ દ્વારા ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (એડીશનલ) રાજકોટ ખાતે પોતાના વકીલ મારફત ફરિયાદ દાખલ કરેલ.

સદરહુ ફરિયાદના કામે કેસ ચાલી જતા ફરિયાદ પક્ષે રજુ કરવામાં આવેલ ફરિયાદ, દસ્તાવેજી પુરાવાઓ, લેખિત દલીલ તેમજ ફરિયાદીના વકીલની અસરદાર મૌખિક દલીલ ધ્યાને લેતાં પ્રમુખ   એમ. વી. ગોહેલ તથા સભ્ય એ. પી. જોષીની બેંચ દ્વારા ગ્રાહક તરફે ચૂકાદો આપતા ઠરાવ્યું કે વિમા કંપની દ્વારા કોઈ વ્યાજબી કારણ વિના મનસ્વી રીતે રિઝનેબલ તથા કસ્ટમરી કારણસર કપાત કરવામાં આવે તો તે ન્યાયની વિરુદ્ઘ છે. સબબ કમિશનના ચુકાદા મુજબ વિમા કંપનીએ રૂપિયા ૧,૧૪૦૦૪/- ફરિયાદ તારીખ થી ૭ ટકા વ્યાજ સહિત ચૂકવવા પડશે તેમજ શારીરિક માનસિક ત્રાસ બદલ વળતર તથા ફરિયાદ ખર્ચ પણ વિમા કંપનીએ આ કામના ફરિયાદીને ચૂકવવો પડશે. ફરિયાદ પક્ષે કન્ઝયુમર કાયદાના એડવોકેટ ગજેન્દ્ર જાની તથા પૃથ્વીસિંહ જાડેજા રોકાયેલ હતા.

(2:38 pm IST)