Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

વીરપુરની શેરીથી રાજકોટની ડેરી સુધી ગોરધનભાઇ ધામેલિયાની પ્રગતિયાત્રા

રાજકોટ ડેરીના નવા ચેરમેન વીરપુર નિવાસી ગોરધનભાઇ ધામેલિયાને આજે ધર્મપત્ની શ્રીમતિ નિશાબેન તથા પરિવારના સભ્યો રોહનભાઇ, રેનીબેન, ચિંતનભાઇ વગેરેએ કુમકુમ તિલક અને મીઠું મોં કરાવી શુભેચ્છા પાઠવેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ તા. ૧૨ : જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ (ડેરી)ના નવા સુકાની તરીકે પસંદ થયેલા વીરપુર નિવાસી શ્રી ગોરધનભાઇ ધામેલિયા વર્ષોથી જાહેર જીવનમાં સક્રિય છે.

તા. ૨૮ ઓગસ્ટ ૧૯૫૮ના રોજ જન્મેલા શ્રી ગોરધનભાઇ ધામેલિયા વિઠ્ઠલભાઇ રાદડિયા જુથના વિશ્વાસુ સાથી છે. તેઓએ બી.એ. સુધી ભણેલા છે. જેતપુરની કમરીબાઇ હાઇસ્કુલ અને બોસમિયા કોલેજમાં શિક્ષણ મેળવ્યું છે. કોલેજ કાળમાં સતત ૩ વર્ષ જી.એસ. તરીકે ચૂંટાયા હતા. ૧૯૮૫માં વીરપુર ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા. ૧૯૮૭થી ૧૯૯૩ સુધી જેતપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે રહ્યા હતા. ૧૯૯૦ના પ્રારંભે ૩ વર્ષ માટે પાણી પુરવઠા બોર્ડમાં ડીરેકટર પદે સેવા આપી હતી. જેતપુર માર્કેટયાર્ડમાં ૩ ટર્મ ડીરેકટર પદે રહેલ. એક ટર્મ વાઇસ ચેરમેન હતા. ૨૦૦૦થી ૨૦૧૦ સુધી રાજકોટ જિલ્લા પંચાયતમાં સભ્ય અને વિવિધ સમિતિઓના અધ્યક્ષ રહ્યા હતા. ધારાસભ્યની ચૂંટણી પણ લડેલા છે. હાલ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ છે. છેલ્લા ૧૮ વર્ષથી જિલ્લા બેંકમાં ડીરેકટર છે. ઘરઆંગણે વીરપુર સહકારી મંડળીમાં ૨૮ વર્ષથી પ્રમુખ છે. આજે સહકારી ક્ષેત્રે મોટી જવાબદારી મળતા તેમના પર અભિનંદન વર્ષા (મો. ૯૮૨૫૨ ૧૬૮૮૦) થઇ રહી છે

(11:38 am IST)