Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

સિવિલ કોવિડના એડી. સુપ્રિ. ડો. કમલ ગોસ્વામીને કોરોનાઃ ઝડપથી સાજા થઇ ફરીથી સેવામાં જોડાઇ જવાની ખેવના

તમામ ડોકટર્સ અને સ્ટાફ નિયમોનું પાલન કરે અને સુરક્ષીત રહી ફરજ બજાવે તેવો અનુરોધઃ અગાઉ તેમની દિકરી પણ સંક્રમિત થઇ હતી

રાજકોટ તા.૧૨: સિવિલ હોસ્પિટલમાં  શરૂ થયેલી કોવિડ-૧૯ હોસ્પિટલમાં પ્રારંભથી જ સતત દર્દીઓની સેવામાં જોડાયેલા અને કોવિડના એડીશનલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કામ કરતાં ડો. કમલ ગોસ્વામી કોરોનાથી સંક્રમિત થતાં તબિબો અને સાથેના બીજા સ્ટાફમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. જો કે પહેલેથી જ કોવિડમાં સતત ફરજ બજાવતાં ડો. કમલ ગોસ્વામીએ એવી ખેવના દર્શાવી  છે કે ઝડપથી હું સાજો થઇને ફરીવાર દર્દીઓની સેવામાં જોડાઇ જઇશ.

ડો. કમલ ગોસ્વામી અને તેમના ધર્મપત્નિ બંને સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે. કોરોનાને કારણે કોવિડ સેન્ટર શરૂ થયો ત્યારથી ડો. ગોસ્વામી પોતાના જ્ઞાન અને અનુભવનો દર્દીનારાયણને સાજા કરવામાં ઉપયોગ કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા તેમની સુપુત્રી પણ કોરોનાથી સંક્રમિત થઇ હતી. હાલ તે સંપુર્ણ સ્વસ્થ છે. ડો. કમલ ગોસ્વામીને છેલ્લા ચારેક દિવસથી તાવ હતો અને થોડો કફ પણ થઇ ગયો હતો. શંકા ઉપજતાં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેનો સાંજે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ડો. કમલ ગોસ્વામી હોમ આઇસોલેટ થઇ સારવાર લઇ રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે કોવિડમાં સતત દર્દીઓની વચ્ચે રહી ફરજ બજાવી છે એટલે ઘરમાં પુરાઇ ગયા હોઇએ એવું લાગે છે. ઝડપથી સાજા થઇ ફરીથી કોવિડમાં ફરજમાં જોડાઇ જવાની તેમણે ઇચ્છા દર્શાવી હતી. તેમજ કોવિડમાં ફરજ બજાવતાં તમામ તબિબો તથા બીજા સ્ટાફને નિયમોનું પાલન કરી સચેત અને સુરક્ષિત રહેવા તેમણે અનુરોધ કર્યો હતો.

(3:25 pm IST)