Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

ગોકુલધામ સોસાયટીમાં લમ્‍પીનો હાહાકારઃ ગાયનું મોત, હજી પણ બે લમ્‍પીગ્રસ્‍ત

મ.ન.પા.નું તંત્ર લબાડઃ અનેક ફરિયાદો છતાં કોઇ પગલા નહી

રાજકોટ તા. ૧ર :.. શહેરમાં પશુઓનાં રોગ લમ્‍પી વાયરસે હવે જાહેરમાં રખડતા ઢોરને શીકાર બનાવવાનું શરૂ કરી દેતા નગરજનોમાં ચિંતા પ્રસરી છે. શહેરની ગોકુલધામ સોસાયટીમાં આજે લમ્‍પી વાયરસથી એક ગાયનું મૃત્‍યુ થયુ છે. જયારે બીજી બે ગાય લમ્‍પીનાં રોગથી પીડાઇ રહી છે. લતાવાસી દ્વારા મ.ન.પા.માં ફરીયાદ કરી છે. છતાં કોઇ પગલા નહી લેવાતાં રોષ ફેલાયો છે.

ગોકુળધામ સોસાયટી ખાતે કુલ ૩ ગાયોને લમ્‍પી વળગ્‍યો હતો, જેમાંથી શ્રાવણ માસ ચાલુ હોય અને એક ગાયનું મોત થતા ભારે અરેરાટી ફેલાઇ ગઇ હતી. મનપા દ્વારા રખડતા ઢોર પકડવાની ઝૂંબેશ શહેરમાં ચાલે છે, પણ આવા પશુઓની લમ્‍પી વાયરસની ચકાસણી ન કરાતી હોવાનો લતાવાસીઓમાં ખૂબ જ ગણગણાટ છે. ઉપરાંત અનેક ફરીયાદો છતા મૃત ગાયને પણ કલાકો સુધી તંત્રમાંથી કોઇ લેવા આવ્‍યું ન હતું.

લતાવાસીનઓએ તંત્રમાં ફરીયાદો કરી હોવા છતાં કોઇ ન અધિકારી કે પદાધિકારીઓ ન ડોકાતા ખુબ જ રોષ ફેલાયો છે. રહેવાસીઓએ બાકીની બે લમ્‍પીગ્રસ્‍ત ગાયોને તુરંત વિસ્‍તારમાંથી ખસેડવા અને યોગ્‍ય સારવાર દ્વારા જીવ બચાવવા માંગ કરી છે.

(4:03 pm IST)