Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

રામવન ૧૭મીએ ખુલ્લુ મુકવા મનપાની તૈયારી

રાજકોટીયનોને સાતમ-આઠમના તહેવારોમાં મળશે નવી ભેટ : મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇના હસ્‍તે લોકાર્પણની શક્‍યતા : મુખ્‍ય પ્રવેશદ્વાર ધનુષ આકાર : ભગવાન રામની વિશાળ પ્રતિમા ઉપરાંત રામ વનવાસ પ્રસંગોના વિવિધ ૨૨ સ્‍કલ્‍પચરો બનાવાયા

રાજકોટ તા. ૧૨ : શહેરના આજી ડેમમાં નીચાણવાસમાં મ.ન.પા. દ્વારા કરોડોના ખર્ચે તૈયાર થયેલ ‘રામવન' તા. ૧૭ ઓગષ્‍ટના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના હસ્‍તે ખુલ્લુ મુકવા મહાનગરપાલિકા દ્વારા તૈયારીઓ ચાલી રહી છે. રામવનના લોકાર્પણથી શહેરીજનોને નવુ નજરાણુ મળશે.
આ વનમાં ખરેખર રામ ભગવાનના વનવાસના દિવસોની અનુભૂતિ થાય તે માટે રામવનવાસ દરમિયાનના પ્રસંગોને અનુરૂપ સ્‍કલ્‍પચર (મૂર્તિઓ) મુકવામાં આવ્‍યા છે.
હાલમા આ રામવનમાં હજારો વૃક્ષો કુદરતી રીતે ઉછરી રહ્યા છે અને ટૂંક સમયમાં જ આ જગ્‍યા એક વિશાળ વન (જંગલ)માં પરિવર્તીત થઈ જશે. આ સ્‍થળે ડેમના નિચાણવાસની નદી, ધોધ વગેરે કુદરતી રીતે જ આવેલા છે. જેથી આ સ્‍થળ વધુ રમણિય બનશે. હવે શ્નરામવન'માં રામવનવાસની ક્ષણોની અનુભૂતિ મુલાકાતીઓને થાય તે માટે તે માટે આ વનમાં વિવિધ આકર્ષક જગ્‍યાઓ પર રામવનવાસની ઝૂપડીઓ, શબરીનો પ્રસંગ, કેવટનો પ્રસંગ, જટાયુનો પ્રસંગ વગેરે પ્રસંગોને અનુરૂપ શ્રીરામ ભગવાનના વિવિધ જીવંત સ્‍કલ્‍પચર (મૂર્તિઓ) મુકવામાં આવ્‍યા છે.
મહાનગરમાં ફરવાના સૌપ્રથમ ગણાતા સ્‍થળ આજી ડેમ બાજુમાં જ વિશાળ ૪૭ એકર જગ્‍યામાં અર્બન ફોરેસ્‍ટના નિર્માણનો પ્રોજેકટ પૂર્ણ થઇ ગયો છે . આ યોજનામાં રામવનની થીમ જોડવામાં આવતા ૭.૬૮ કરોડના ખર્ચે અર્બન ફોરેસ્‍ટ અને ૧.૬૧ કરોડના ખર્ચે થીમ આધારીત સ્‍કલ્‍પચર બનાવવાનું કામ પૂર્ણ થતા મહાનગરના આ વિશાળ અને આકર્ષક પ્રોજેકટનું ઉદ્‌ઘાટન મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ રૂબરૂ ઉપસ્‍થિત રહે અને વડાપ્રધાન વર્ચ્‍યુઅલ કરે તે માટેના પ્રયાસો સાથે જન્‍માષ્‍ટમી પહેલા લોકોને આ ભેટ મળી જશે. શ્રીરામના વનવાસ સહિતના પૂરા જીવન ચરિત્ર પ્રસંગોને જીવંત કરતા સ્‍કલ્‍પચર લોકોને વન પ્રવાસ કરાવશે . ૩.૪ કિ.મી.ના રસ્‍તા, અઢી કિ.મી.ની કમ્‍પાઉન્‍ડ વોલ, બે તળાવ, પાથ - વે, કુદરતી પાણીના સ્ત્રોતોનું નવીનીકરણ, સોલાર લાઇટ, રામસેતુ, એક બ્રીજ, ૬ ગજેબો, પ્‍લે ગ્રાઉન્‍ડ, એમ્‍ફી થીયેટર, રાશીવન, આર્ટ બેંચીંઝ વગેરે આકર્ષણ ફોરેસ્‍ટમાં ઉભા કરવામાં આવ્‍યા છે.
જુદા જુદા ૨૩ સ્‍કલ્‍પચરનું કામ કરવામાં આવ્‍યું છે જેમાં ભવ્‍ય ગેટ, રામ, લક્ષ્મણ, સીતા, હનુમાનજીની પ્રતિમાઓ, જટાયુ દ્વાર, શબરી, જુદા જુદા મિલાપ પ્રસંગો, ચાખડી, રામરાજય અભિષેક, યોગ કરતા બાળકો વગેરે સ્‍કલ્‍પચર જીવંત કરાયા છે.

 

(3:57 pm IST)