Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

ગોવિંદા આલા રે આલા....જન્‍માષ્‍ટમીના કાર્યક્રમોમાં જોડાવા નરેન્‍દ્રબાપુની અપીલ

મેરા આપકી કૃપા સે સબ કામ હો રહા કૈ, કરતે હો તુમ કનૈયા, મેરા નામ હો રહા હૈ...

રાજકોટ તા.૧ર : વિ.હિ.પ.દ્વારા જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિના નેજા હેઠળ ભવ્‍ય ઉજવણીની તૈયારીઓ તેના આખરી ઓપ ઉપર છે. તે અંતર્ગત આખા રાજકોટમાં અનેકવિધિ કાર્યક્રમોની હારમાળ શરૂ થઇ ચુકી છે. આ તકે જન્‍માષ્‍ટમી-ર૦રર થી રથયાત્રામાં ધર્માધ્‍યક્ષ તરીકે વરણી થતા આપા ગીગા ઓટલાના મહંતશ્રી નરેન્‍દ્રબાપુ, ગુરૂશ્રી જીવરાજબાપુએ સમગ્ર રાજકોટ તથા આસપાસના વિસ્‍તારના દરેક કૃષ્‍ણ પ્રેમી તથા જાહેર જનતાને સમિતિ દ્વારા આયોજીત અનેકવિધ કાર્યક્રમોમાં ઉમટી પડવા હાકલ કરી છે.

શ્રી નરેન્‍દ્રબાપુએ જણાવ્‍યું છે કે, જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિ દ્વારા આગામી તા.૧૩ ના રોજ સાંજે ૭-૩૦ કલાકે બીએપીએસ સ્‍વામીનારાયણ મંદિર, કાલાવડ રોડ ખાતે કૃષ્‍ણ ભકતો માટે મહાતાવા પ્રસાદ યોજાશે. તા૧પ ના રોજ હેમુગઢવી હોલ ખાતે, રાત્રે ૯ કલાકે ૩૬ જેટલા કલાકારોના સમુહ દ્વારા ભજવાતો એક અદ્દભૂત કાર્યક્રમ શ્રીકૃષ્‍ણ ભકિત અને રાષ્‍ટ્રભકિત જેમાં રાષ્‍ટ્ર ભાવનાને પ્રબળ બનાવતો આ સાંસ્‍કૃતિક કાર્યક્રમ યોજાશે. તા.૧૬ના રોજ સાંજ પ કલાકે મવડી ચોકડીથી શરૂ કરીને રથયાત્રા જેરૂટ ઉપર ફરે છે તે સમગ્ર રૂટ ઉપર જાહેર જનતાને જન્‍માષ્‍ટમીની રથયાત્રામાં જોડાવા માટેનું આમંત્રણ સહ અપીલ માટે એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવશે. જન્‍માષ્‍ટમીના દિવસે તા.૧૯ ના રોજ ૮ કલાકે મવડી ચોકડી ખાતે અને સંતો-મહંતો, દરેક સમાજના આગેવાનોની હાજરીમાં એક ધર્મસભાનું આયોજન થશે. ધર્મસભા બાદ હિન્‍દુત્‍વના પ્રચંડ શંખનાદ સાથે ભગવાન શ્રીકૃષ્‍ણ જય જયકારથી ધર્મયાત્રાનો પ્રારંભ થશે. ઉપરોકત તમામ કાર્યક્રમોમાં તમામ યુવાનો, માતાઓ, બહેનો, બાળકો, વડીલો, સંસ્‍થા, ગ્રુપ, મંડળ, સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ સમાજ, જ્ઞાતિ વિગેરેના અગ્રણીઓ, કાર્યકરોને ઉમટી પડવા નરેન્‍દ્રબાપુએ અપીલ કરી છે.

(3:48 pm IST)