Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

લગ્ન ન કરે તો પ્રેમિકાને બદનામ કરી આખા પરીવારને જાનથી મારી નાંખવાની ધમકી આપવાના ગુન્‍હામાં આરોપીનો નિર્દોષ છુટકારો

‘મારી નહિં થાય તો કોઈની નહિં થવા દવ' તેમ કહી પૂર્વ પ્રેમિકાના પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા ભકિતનગર પોલીસ સ્‍ટેશનમાં ગુન્‍હો નોંધાયેલ હતો

રાજકોટઃ પૂર્વ પ્રેમિકાને લગ્ન કરવા માટે દબાણ કરી જો લગ્ન નહિં કરે તો પ્રેમિકા તથા તેના પરીવારના સભ્‍યોને જાનથી મારી નાંખવાની ધમકી આપવાના ગુન્‍હામાં પકડાયેલ આરોપી કિશન ધનસુખ માખેચા સામેનો કેસ ચાલી જતા અદાલતે નિર્દોષ ઠરાવી છોડી મુકેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, રાજકોટ ખાતે રહેતી અને ટાટા કંપનીમાં નોકરી કરતી ફરીયાદણે રાજકોટ ભકિતનગર પોલીસ સ્‍ટેશનમાં પોતાની ફરીયાદ આપતા જણાવેલ હતુ કે, ફરીયાદી તથા આરોપી સાથે મોબાઈલને લગતુ કામકાજ કરતા હોય તેથી પરીચયમાં આવેલ અને અવનાર નવાર મળવાનું થતા આરોપી સાથે નિકટતા વધેલ. સમય જતા આરોપી ફરીયાદીને એક તરફી પ્રેમ કરવા લાગેલા અને તેની સાથે લગ્ન કરવા માંગતા હોય તેવી વાત કરતા ફરીયાદીને તેની માતાને વાત કરેલી, ફરીયાદીના માતાએ વાંધો લઈ લગ્નની ના પાડેલ જેથી આરોપી અવાર- નવાર અલગ- અલગ નંબરો પરથી ફરીયાદીને ફોન ઉપર પજવણી કરી ધમકીઓ આપવા લાગેલ અને ફરીયાદી ફોન ન ઉપાડે તો બધાની જીંદગી સ્‍વીચ ઓફ કરી નાખીશ તેવી ધમકીઓ આપવા લાગેલા. છેલ્લે આરોપી ફરીયાદીને તેના ઘર પાસે જઈ ફરીયાદીની બેનના લગ્ન બાદ જો પોતાના લગ્ન ફરીયાદી સાથે ન કરાવ્‍યા તો આખા કુટુંબને જાનથી મારી નાંખવાની ધમકી આપતા ભકિતનગર પોલીસ સ્‍ટેશનમાં ગુન્‍હો દાખલ કરવામાં આવેલ હતો.

આરોપી વિરૂધ્‍ધ ગુન્‍હો દાખલ થયા બાદ ભકિતનગર પોલીસ દ્વારા તપાસ આગળ વધારવામાં આવેલ અને તપાસના અંતે આરોપી વિરૂધ્‍ધ પુરાવો મળતા ચાર્જશીટ દાખલ કરવામાં આવતા આરોપીએ પોતાના બચાવ માટે એડવોકેટ તુષાર ગોકાણી મારફત અદાલતમાં હાજર થઈ ફરીયાદ પક્ષે તપાસવામાં આવેલ ફરીયાદી, માતા, પિતા, બહેન સહિતના પોલીસ અધિકારીઓની વિસ્‍તૃત ઉલટ તપાસ કરી એવો બચાવવ લેવામાં આવેલ કે ખરી હકીકતે આરોપી ફરીયાદી સાથે લગ્ન કરવા દબાણ કરતા હોય તેવુ નથી પરંતુ ફરીયાદીના પિતા જુગાર રમવાની ટેવવાળા હોય આરોપીના પરીવારજનોને આવા જુગારી પરીવાર સાથે સંબંધ બાંધવો ન હોય આરોપીના પરીવાર દ્વારા ફરીયાદીના માંગાનો ઈન્‍કાર કરવામાં આવેલ હોવા છતાં ફરીયાદણ આરોપીને અવાર નવાર એસ.એમ.એસ. કરી વાતચીત કરવા પ્રેરતા હતા. પરંતુ આરોપી ટસ ના મસ ન થતા ભકિતનગર પોલીસ સ્‍ટેશન કે જયાં ફરીયાદણના પિતા વિરૂધ્‍ધ અસંખ્‍ય ગુના નોંધાયેલ હતા અને તેના પિતા પોલીસ તથા પોલીસ સ્‍ટેશનની કાર્યવાહીથી વાકેફ હોય તે પોલીસ સ્‍ટેશનનો ખોટો વિસ્‍તાર બતાવી આરોપી વિરૂધ્‍ધ ફરીયાદ દાખલ કરેલ છે. તેમજ ફરીયાદીના આક્ષેપ મુજબ બનાવ જાહેરમાં બનેલ હોવા છતા પોલીસ દ્વારાકોઈપણ તટસ્‍થ સાહેદનું નિવેદન લેવામાં આવેલ નથી જે પોલીસની તપાસ માત્ર ફરીયાદી તથા તેના પરીવારની દોરવણીથી થયેલ હોવાનું બચાવ પક્ષ સાક્ષીઓની વિસ્‍તૃત ઉલટ તપાસમાં રેકર્ડ ઉપર લાવવા સફળ થયેલ હતા.

 સમગ્ર કેસ ચાલી જતા અનેક કાયદાકિય ઉતાર ચડાવના અંતે અદાલતે પોતાના વિસ્‍તૃત ચુકાદામાં ઠરાવેલ હતુ કે, ફરીયાદી પોતાની જુબાનીમાં એવી કોઈ હકીકત લાવેલ નથી જેનાથી સાબીત થાય કે આરોપીએ ધમકી આપેલી અને તે ધમકીના ભયમાં ફરીયાદી રહેતા હતા તેમજ ફરીયાદીના પિતાને ઉલટ તપાસમાં પોતાની જુગારની ટેવ બાબતે પુછતા તેઓએ અદાલત સમક્ષ જણાવેલ છે કે, જુગાર રમવો ગુન્‍હો નથી જુગાર તો બધા રમે છે, જે અંગે બચાવપક્ષ દ્વારા લેવામાં આવેલ બચાવને બળ પુરૂ પાડે છે, જેથી ફરીયાદ પક્ષ પોતાનો કેસ ભારતીય પુરાવા અધિનિયમ તથા ક્રિમીનલ જયુરીસ્‍પીન્‍ડસના પ્રસ્‍થાપિત સિધ્‍ધાંતો અનુસાર સાબીત કરવામાં સંપૂર્ણ નિષ્‍ફળ નિવડેલ હોય આરોપી કિશન ધનસુખભાઈ માખેચાને નિર્દોષ છોડી મુકવાનો આદેશ આપેલ હતો.

આ કામમાં આરોપી કિશન માખેચા તરફે જાણીતા એડવોકેટ તુષાર ગોકાણી, રીપન ગોકાણી, સ્‍તવન મહેતા, કેવલ  પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્‍ણવ, બ્રિજેશ ચૌહાણ, ઈશાન ભટ્ટ, વિરમ ધ્રાંગીયા, નદીમ ધંધુકીયા રોકાયેલ હતા.

(3:45 pm IST)