Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

સુરેશભાઇએ ઉછીના ૧ હજાર ન દેતાં ધર્મેશે ચાનો ડોયો ફટકારી હાથનું કાંડુ ભાંગી નાંખ્યુ

રૈયા રોડ પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ સામે બનાવિ ગાંધીગ્રામના રિક્ષાચાલકે અગાઉ સો રૃપિયા લઇ આપ્યા હોઇ તે પણ ધર્મેશે પાછા દીધા નહોતાં અને બીજી રકમ માંગતા ના પાડતાં હુમલો

રાજકોટ તા. ૧૨: રૈયા રોડ પ્રમુખ સ્વામિ ઓડિટોરીયમ સામે ગાંધીગ્રામના રિક્ષા ચાલક પ્રોૈઢે પરિચીત શખ્સને ઉછીના એક હજાર ન આપતાં તેને ગાળો દઇ ચાવાળાના ડોયાથી હુમલો કરી હાથનું કાંડુ ભાંગી નાંખતા સારવાર માટે દાખલ થવું પડ્યું હતું. આ બનાવમાં ગાંધીગ્રામ ભારતીનગર-૩માં નીધી સ્કૂલ સામે ભાડેથી રહેતાં મુળ બોટાદના સુરેશભાઇ બીજલભાઇ વાળા (ઉ.વ.૫૦) નામના રિક્ષાચાલકની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ધર્મેશ નામના શખ્સ વિરૃધ્ધ ગુનો નોંધ્યો છે.

સુરેશભાઇએ જણાવ્યું હતું કે ચારેક વર્ષથી રાજકોટ રહુ છું અને પંકજભાઇના મકાનમાં ભાડેથી રહી રિક્ષા હંકારી ગુજરાન ચલાવુ છું. હું આલાપ ગ્રીનસીટી પ્રમુખ સ્વામિ ઓડિટોરીયમ સામે રિક્ષા સ્ટેન્ડ પર રિક્ષા રાખી નજીકમાં ચા પીવા ગયો હતો. એ વખતે ત્યાં ધર્મેશ આવ્યો હતો જેને હું ત્રણેક મહિનાથી ઓળખુ છું. તેણે થોડા દિવસ પહેલા ભેગો થયો ત્યારે પોતાના પિતા બિમાર હોઇ તેની દવા માટે પૈસાની જરૃર છે તેમ કહેતા મેં તેને રૃા. ૧૦૦ ઉછીના આપ્યા હતાં.

એ પછી ગઇકાલે ગુરૃવારે તે ફરીથી ભેગો થયો ત્યારે એક હજાર રૃપિયા ઉછીના માંગતા મેં તેને અગાઉના સો લઇ ગયો એ પણ પાછા આપ્યા નથી એટલે હવે તને ઉછીના નથી આપવા તેમ કહેતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને ગાાળો દઇ ચાવાળની ખુરશી લઇ મને મારવા જતાં મેં ખુરશી  તેના હાથમાંથી ખેંચી લેતાં ચા વાળાનો ડોયો ઉપાડીને મને માર્યો હતો. મેં મારથી બચવા હાથ આડા રાખતાં જમણા હાથના કાંડામાં ડોયો મારી દેતાં ફ્રેકચર થઇ ગયું હતું.

દેકારો થતાં ચાવાળા અને બીજા લોકોએ ભેગા થઇ મને છોડાવ્યો હતો. ત્યાં મારો દિકરો પણ આવી ગયો હતો અને મને દવાખાને લઇ ગયો હતો. પીએસઆઇ ડી. વી. બાલાસરાએ સુરેશભાઇના આ કથન મુજબ ફરિયાદ નોંધી આરોપીની ધરપકડની તજવીજ કરી હતી.

(3:40 pm IST)