Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

રાજકોટમાં છેલ્લા એક મહિનામાં કોરોનાના ૧ હજાર કેસ

ગઇકાલે ૨૬ દર્દી કોરોનાની ઝપટે ચડયા : ૩૦૭ દર્દીઓ સારવારમાં : કુલ કેસનો આંક ૬૪,૯૫૦એ પહોંચ્‍યો

રાજકોટ તા.૧૧: સમગ્ર દેશમાં અઢી વર્ષથી હાહાકાર મચાવનાર કોરોનાએ ફરી માથુ ઉચકયુ છે ત્‍યારે ગઇકાલે શહેરમાં ૨૬ કેસ નોંધાયા અને ૮૪ દર્દીઓ સાજા થયા છે. જયારે છેલ્‍લા એક મહિનામાં ૧૦૦૭ દર્દીઓ કોરોનાની ઝપટે ચડાયા હતા. હાલ ૩૦૭ દર્દીઓ સારવારમાં છે.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ ગઇકાલ તા.૧૦ને બુધવારના સાંજનાં ૬ વાગ્‍યા સુધીમાં ૨૬ કેસ નોંધાયા છે. જેમાં વોર્ડ નં.૧નાં  ગીતગુંજન સોસાયટી, વોર્ડ નં.૨નાં એસ.આર.પી કેમ્‍પ, વોર્ડ નં.૩નાં પ્રયાગ સોસાયટી, રેલનગર, શ્રોફ રોડ, પોલીસ કવાર્ટર, વોર્ડ નં.૫નાં રણછોડ નગર, પેડક રોડ, વોર્ડ નં.૮નાં આર.આર.કોલોની, મુરલીધર, વસંતકુંજ, જીવરાજ પાર્ક, વોર્ડ નં.૧૦નાં ક્રિસ્‍ટલ મોલ, આકાશવાણી કવાર્ટર, સવંત સંગીત, વોર્ડ નં.૧૧નાં જેકે પાર્ક, માધવવાટીકા, વૈકુંઠધામ, આસ્‍થા રેસી., સુંદરમ ફલેટ, વોર્ડ નં.૧૭નાં બાબરીયા કોલોની, લાલબહાદુર સોસાયટી સહિતનાં વિસ્‍તારમાં ૧૭ પુરૂષ, ૯ મહિલા સંક્રમિત થયા છે. તમામ દર્દીઓએ કોરોના વેકસીનનાં બન્ને ડોઝ લીધા છે.

આજે બપોરે ૧૨ વાગ્‍યા સુધીમાં એકપણ કેસ નોંધાયો નથી. શહેરમાં અત્‍યાર સુધીમાં કુલ ૬૪,૯૫૪ પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્‍યા છે. જ્‍યારે આજ દિન સુધીમાં કુલ ૬૪,૧૪૬ દર્દીઓએ કોરોનાને હરાવ્‍યો છે. ગઇકાલે કુલ ૮૫૫ સેમ્‍પલ લેવાયા હતા. જેમાં ૨૬ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨.૭૦ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૯,૦૮,૧૪૫ લોકોના ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. જેમાંથી ૬૪,૯૫૪ સંક્રમિત થતા પોઝિટિવ રેટ ૩.૪૦ ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૬૬ ટકાએ પહોંચ્‍યો છે.

છેલ્લા એક મહિનામાં

૧૦૦૭ કેસ

શહેરીજનોએ કોરોનાથી  થોડો સમય   રાહતનો શ્વાસ લીધા બાદ તહેવાર ટાણે ફરી કેસમાં ઉછાળો જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. મનપાનાં આરોગ્‍ય વિભાગમાં કોરોનાના તા.૮ જુલાઇથી તા.૯ ઓગસ્‍ટ સુધીમાં કુલ ૧૦૦૭ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ તા.૩ ઓગસ્‍ટનાં ૮૪ દર્દીઓનાં રિપોર્ટ પોઝિટિવ આવ્‍યા હતા. જયારે ચાર દિવસ એક આંકમાં કેસ નોંધાયા છે.

(4:28 pm IST)