Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

ખાદ્યતેલોના ભાવ સળગે જ છે! સિંગતેલમાં વધુ ૧૦ અને કપાસીયા તેલમાં પ રૂ.નો ઉછાળો

તહેવારો પૂર્વેજ કાચા માલની અછતના બહાને ફરી 'સટ્ટાખોરી' બેકાબુ : ત્રણ દિ'માં સિંગતેલ ડબ્બે ૩૦ રૂ. અને કપાસીયા તેલમાં ર૦ રૂ. વધી ગયાઃ મોંઘવારીમાં પીસાતી પ્રજા

રાજકોટ તા. ૧રઃ સાતમ-આઠમના તહેવારો પૂર્વેજ ખાદ્યતેલોમાં ફરી 'સટ્ટાખોરી' બેકાબુ બની હોય તેમ ખાદ્યતેલોના ભાવો સતત સળગી રહ્યા છે. સિંગતેલમાં આજે વધુ ૧૦ અને કપાસીયા તેલમાં પ રૂ.નો ઉછાળો થયો છે.

સ્થાનીક બજારમાં કાચા માલની અછતના બહાને આજે પણ સિંગતેલમાં તેજી જોવા મળી હતી અને વધુ ૧૦ રૂ.નો ભાવ વધારો થયો છે. સિંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા)ના ભાવ ૧૪૬પ રૂ. હતા તે વધીને આજે બપોરે ૧૪૭પ રૂ. બોલાયા હતા. સિંગતેલ નવા ટીનના ભાવ ર૪૪૦ ની ર૪૭૦ રૂ. હતા તે વધીને આજે બપોરે ર૪પ૦ થી ર૪૮૦ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા.

સિંગતેલની સાથે કપાસીયા તેલમાં પણ પ રૂ.નો ભાવ વધારો થયો હતો. કપાસીયા ટીનના ભાવ ર૪૩૦ થી ર૪૬૦ રૂ. હતા તે વધીને ર૪૩પની ર૪૬પ રૂ. થયા હતા. ચાલુ વર્ષે કાચા માલની અછતના બહાને સિંગતેલ અને કપાસીયા તેલના ભાવો ટોચની સપાટીએ છે. સાતમ-આઠમના તહેવારો પૂર્વે ફરી સટોડીયાએ સક્રિય થયા હોય તેમ સિંગતેલ અને કપાસીયા તેલના ભાવમાં સતત ઉછાળો થઇ રહ્યો છે. છેલ્લા ત્રણ દિ'માં સિંગતેલમાં ડબ્બે ૩૦ રૂ. અને કપાસીયા તેલમાં ર૦ રૂ.નો ભાવ વધારો થયો છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ સાથે ખાદ્યતેલોના ભાવો પણ સળગતા લોકો મોંઘવારીમાં પિસાઇ રહ્યા છે. 

(3:49 pm IST)