Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

લોઠડામાં પાણી ભરવા બાબતે બે મજૂરો વચ્ચે મારામારી : બેને ઇજા

બંને પક્ષની સામસામી ફરિયાદ : લોઠડાના સંજય, રાકેશ અને બે અજાણ્યા શખ્સો સામાપક્ષે સીરાજુદ્દીન શાહ તથા ઍક નેપાળી શખ્સ સામે ગુનો

રાજકોટ,તા. ૧૨ : લોઠડા ગામમાં પાણી ભરવા પ્રશ્ને ભાડે રહેતા મજૂરો વચ્ચે મારામારી થતા સામસામી ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ લોઠડાગામમાં વિશાલ ઇન્ડસ્ટ્રીઝની પાછળ ઓરડી નં. ૪માં રહેતા સલાઉદીન નિઝામુદ્દીનભાઇ શાહ (ઉવ.૨૧)એ આજીડેમ પોલીસ મથકમાં બાજુની ઓરડીમાં રહેતા સંજય, રાકેશ તથા બે અજાણ્યા શખ્સોના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ પોતે ઓરડી પાસે હતો. ત્યારે ચારેય શખ્સોએ તેની સાથે પાણી ભરવા બાબતે ઝઘડો કરી સંજયે તલવાર વડે અને રાકેશ તથા બે અજાણ્યા શખ્સોએ લાકડી વડે હુમલો કરતા પોતાના માથાના ભાગે તથા હાથ અને પગમાં ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

જ્યારે સામાપક્ષે લોઠડા ગામમાં વિશાલ ઇન્ડસ્ટ્રીઝ પાછળ મજુરોની ઓરડીમાં રહેતા બેચરસીંગ બેદીસીંગ કહાર (ઉવ.૨૯)એ સીરાજુદીન શા અને એક નેપાળી શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં બેચરસીંગ કહાર ગામમાં વિશાલ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાના પાછળ ઉભો હતો. ત્યારે સીરાજુદીન શા અને નેપાળી શખ્સે આવી બેચરસીંગને ગાળો આપી ઝઘડો કરી લાકડી વડે માર માર્યો હતો. આ બનાવ અંગે આજીડેમ પોલીસે બંને પક્ષની સામ સામી ફરિયાદ દાખલ કરી હેડ કોન્સ. મહેન્દ્રભાઇ પરમાર તથા ધર્મેન્દ્રસિંહએ તપાસ હાથ ધરી છે. 

(3:08 pm IST)