Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

મહેનત-સંઘર્ષ-પ્રમાણિકતા અને ધગશ હોય તો સફળતા તમારા ચરણોમાં

પ્રમા હિકવિઝન ઈન્ડીયા પ્રા.લી.ના એમડી અને સીઈઓ આશિષ પી. ધકાણ અકિલા કાર્યાલયની મુલાકાતેઃ વિશ્વની સૌથી મોટી સીસીટીવી અને સર્વિલન્સ મેન્યુ. કંપનીનું નેતૃત્વ કરી રહ્યા છે : અનેક પ્રકારના આધુનિક સીસીટીવી કેમેરાનું નિર્માણ કરે છેઃ દેશની મોટી મોટી હોસ્પીટલો, બેન્કો, કંપનીઓ, શૈક્ષણિક સંસ્થાઓ વગેરે તેમના ગ્રાહકો છે

પ્રમા બ્રાન્ડ સાથે હીકવિઝન ઈન્ડીયા પ્રા.લી.ના એમડી અને સીઈઓ આશિષ પી. ધકાણ એક સફળ ઉદ્યોગપતિ છે. મૂળ મહુવાના એવા આશિષ પી. ધકાણ આજે અકિલા કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા તે સમયની તસ્વીરો. વિઝનરી એવા આશિષ પી. ધકાણ દેશની નંબર વન કંપનીનુ સુકાન સંભાળી રહ્યા છે. ૨૮૦૦ જેટલા કર્મચારીઓ જ્યાં કામ કરે છે તે કંપનીમાં તેઓ સતત પ્રવૃત રહે છે એટલુ જ નહિ કર્મચારીઓના સીધા સંપર્કમાં પણ રહે છે. પિતા પ્રવીણભાઈ અને રમાબેનના નામથી પ્રમા બ્રાન્ડ નેમ તેમણે બહાર પાડયુ છે અને તેઓ દેશના ખૂણે ખૂણે પોતાની ઉપસ્થિતિ ધરાવી રહ્યા છે. ૨૦૦૦ કરોડથી વધુનુ ટર્નઓવર ધરાવતી કંપની આજે સફળતાની દોટ ભરી રહી છે. અનેક પ્રકારની પ્રોડકટનુ નિર્માણ કરી રહ્યા છે અને તેઓ રોબોટસ પણ બનાવી રહ્યા છે. ફલીપ્સકાર્ટને તેમની કંપનીએ ૧૪૦૦ જેટલા રોબોટ આપ્યાનું તેમણે જણાવ્યુ હતુ. તસ્વીરમાં તેમની સાથે આઈટી નિષ્ણાંત મિલન ખીરા અને તેમની કંપનીના કર્મચારીઓ પણ નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૨ :. આજે કોઈપણ શહેર હોય કે કોઈપણ સંસ્થા હોય ત્યાં 'ત્રીજી આંખ' એટલે કે સીસીટીવી કેમેરાની આવશ્યકતા અનિવાર્ય બની છે. સીસીટીવી કેમેરાની મદદથી આજે પોલીસનું કામ સરળ બન્યુ છે તો લોકોની સુરક્ષા પણ વધી છે. દેશમાં બહુ જૂજ કંપનીઓ સીસીટીવી કેમેરાનું નિર્માણ કરે છે અને એમાં પણ વર્લ્ડ કલાસ કેમેરાનુ નિર્માણ મુંબઈ નજીક વસઈ ખાતે હીકવિઝન ઈન્ડીયા પ્રા.લી. દ્વારા કરવામાં આવે છે. મૂળ ભાવનગરના મહુવાના રહીશ એવા આશિષ પી. ધકાણ એક સફળ ઉદ્યોગપતિ છે અને તેઓ ખૂબ સંઘર્ષ ખેડી આજે દેશના ટોચના ઉદ્યોગપતિઓમાં સ્થાન પામ્યા છે. વર્ષો બાદ રાજકોટ પધારેલા હીકવિઝનના સીઈઓ અને એમડી આશિષ પી. ધકાણ આજે બપોરે અકિલા કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા અને આ દરમિયાન તેમણે પોતાની સંઘર્ષ ગાથા જ નહિ પરંતુ લોકોની સુરક્ષા અને લોકોની જરૂરીયાત બનેલા સીસીટીવી કેમેરા વિશે અવનવી વાતો પણ કરી હતી.

મુંબઈના વસઈ ખાતે ૧૨ લાખ ચો.મી.માં પથરાયેલા પ્રમા બ્રાન્ડ હીકવિઝન પ્રા.લી.ના એમડી અને સીઈઓ આશિષ પી. ધકાણે અકિલા કાર્યાલયની મુલાકાત દરમિયાન જણાવ્યુ હતુ કે કોઈપણ વ્યકિતએ સફળ થવુ હોય તો સતત મહેનત કરવી પડે, સતત સંઘર્ષ કરવો પડે, વ્યવહારમાં પ્રમાણિકતા દાખવવી પડે અને કંઈક કરી છૂટવાની ધગશ પણ રાખવી પડે. આ બધા ગુણો હોય તો સફળતા તમારા ચરણોમાં આળોટે છે. સામાન્ય ઘરમાં જન્મેલા આશિષભાઈ આજે ૨૦૦૦ કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીનું સફળતાપૂર્વક સંચાલન કરી રહ્યા છે. તેઓ એમડીએ થયેલા છે અને ૧૯૯૮માં મુંબઈમાં પગ મુકયો અને ૨૦૦૦ની સાલમાં એમબીએ કર્યુ. માત્ર ૧૧૦૦૦ની મૂડીથી ધંધો શરૂ કર્યો અને આજે તેમની કંપનીએ ગયા વર્ષે ૨૦૦૦ કરોડનુ ટર્નઓવર કર્યુ હતું. તેઓ પોતાની સફળતા માટે માતા-પિતાના આશિર્વાદ અને પ્રભુની કૃપા ગણી રહ્યા છે.

તેઓએ જણાવ્યુ હતુ કે આજે અમારી કંપની દર મહિને ૨૫ લાખ સીસીટીવી કેમેરા બનાવે છે અને તેમાથી ૧૭થી ૧૮ લાખ કેમેરાનું અમે વેચાણ કરીએ છીએ. અમારી કંપનીમાં ૨૮૦૦ કર્મચારીઓ કામ કરી રહ્યા છે અને અમે આત્મનિર્ભર ભારતને અપનાવી સીધી કે આડકતરી રીતે ૧૦,૦૦૦થી વધુ લોકોને રોજગારી પણ આપી રહ્યા છીએ.

સ્માર્ટ સીટી હોય, રિલાયન્સ કંપની હોય વોકહાર્ટ કંપની હોય, મેકડોનાલ્ડસ હોય, શૈક્ષણિક સંસ્થા હોય, ફયુચર ગ્રુપ હોય કે કોઈ મોટી હોસ્પીટલ હોય કે પછી દેશનુ પાટનગર દિલ્હી હોય તે બધે સ્થળે અમારા હાઈટેક કેમેરા લાગેલા છે. માત્ર દિલ્હીમાં જ અમારા દોઢ લાખ કેમેરા સફળતાપૂર્વક કામ કરી રહ્યા છે. એટલુ જ નહિ દેશની ૭૦ થી ૮૦ ટકા જેટલી બેન્કોમાં પણ અમારા કેમેરા હાલ કાર્યરત છે. ભારતમા બનેલા અને ભારત માટે ઉપયોગી સીસીટીવી કેમેરા ઉત્કૃષ્ટ કવોલીટી અને વ્યાજબી કિંમત તથા આફટર સેલ્સ સર્વિસ પણ આપે છે.

તેમણે જણાવ્યુ હતુ કે અમે અનેક પ્રકારના સીસીટીવી કેમેરા બનાવીએ છીએ જેમા આર્મી માટે ઉપયોગી હોય તેવા કેમેરાનું પણ નિર્માણ કરી રહ્યા છીએ. આ કેમેરાઓ એવા અદ્યતન છે કે જે ફેસની ઓળખ કરે, લોકોની પ્રોફાઈલ ચેક કરે, વય પણ દર્શાવે અને જેન્ડર પણ દર્શાવે, એટલુ જ નહિ કારની નંબર પ્લેટ ઉપરથી તેના માલિકનું નામ જ નહી પરંતુ ગાડી કઈ કંપનીની અને કયો કલર છે તે પણ દર્શાવે છે. તેઓએ વધુમાં જણાવ્યુ હતુ કે અમારી કંપની સતત ઈનોવેશન કરતી રહે છે અને તેના ભાગરૂપે જ અમે આજે નંબર વન કંપનીમા અમારૂ નામ નોંધાવી શકયા છીએ. તેઓએ ઉમેર્યુ હતુ કે કોવિડ પછી વિવિધ હોસ્પીટલો માટે અમારા સીસીટીવી કેમેરા ઘણા ઉપયોગી બન્યા છે. અમારી કંપની વિશ્વના સૌથી મોટી વિડીયો સર્વિલન્સ કંપનીમાં નામ ધરાવે છે એટલુ જ નહિ અમે હાર્ડવેર અને સોફટવેર ટુલ્સ પણ બનાવીએ છીએ. હવે અમે પ્રમાના નામનુ બ્રાન્ડ નેમ લીધુ છે. અમે કોઈપણ ક્ષેત્રની કોઈપણ જરૂરીયાત માટે અમારી સેવા આપવા માટે સજ્જ છીએ.

આ મુલાકાત વેળાએ આઈટી નિષ્ણાંત મિલન ખીરા પણ ઉપસ્થિત રહ્યા હતા.

  • હીકવિઝન કંપનીના વસઈ સ્થિત પ્લાન્ટ વિશે ટૂંકમાં માહિતી

- મહિને ૨૫ લાખ સીસીટીવી કેમેરા બનાવવાની ક્ષમતા

- ૨૦૦૦ કરોડનું વર્ષે ટર્નઓવરઃ મહિને ૧૭ થી ૧૮ લાખ સીસીટીવી કેમેરાનું વેચાણ

- વર્લ્ડ કલાસ સીસીટીવી કેમેરા બનાવવામાં આવે છે

- દેશભરમાં ૩૫૦ જેટલા ડીસ્ટ્રીબ્યુટરો

- પ્લાન્ટમાં ૨૮૦૦ કર્મચારીઓ કામ કરે છેઃ ૧૦૫૦૦ લોકોને સીધી કે આડકતરી રોજગારી

- રીસર્ચ વિભાગમાં જ ૬૫ જેટલા વૈજ્ઞાનિકો કામ કરે છેઃ ૨૭ ટ્રેનીંગ સેન્ટરો

- મેઈક ઈન ઈન્ડીયા સાથે જોડાણ

- ૧૨ લાખ ચો.મી.માં પ્લાન્ટ પથરાયેલો છેઃ કંપનીના એમડી અને સીઈઓ મૂળ ભાવનગરના મહુવાના

  • મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરમાં મુકાયેલા સીસીટીવી કેમેરા જેવા કેમેરા સૌરાષ્ટ્રના મંદિરોએ અપનાવવા જોઈએ

રાજકોટઃ પ્રમા હીકવિઝન ઈન્ડીયા પ્રા.લી.ના એમડી અને સીઈઓ આશિષ પી. ધકાણે જણાવ્યુ હતુ કે અમારી કંપનીએ મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરમાં જે સીસીટીવી કેમેરા મુકયા છે તેવા કેમેરા સૌરાષ્ટ્રના વિવિધ સુપ્રસિદ્ધ ધાર્મિક મંંદિરોએ લઈ મુકવા જોઈએ કે જેથી ભકતોની સુરક્ષા અને સલામતી વધુ રાખી શકાય. તેમણે કહ્યુ હતુ કે અમે મુંબઈમાં મુકેલા સીસીટીવી કેમેરા બોડી ટેમ્પરેચર પણ કેદ કરે છે એટલુ જ નહિ કોઈ ભકતએ માસ્ક પહેર્યો છે કે નહિ, તેણે સોશ્યલ ડીસ્ટન્સ રાખ્યુ છે કે નહિ, કઈ કઈ જગ્યાને સેનેટાઈઝ કરવાની છે તે બધી બાબતો કેમેરો જ આપી દયે છે જેના કારણે મંદિરમાં નથી ભીડ થતી કે નથી કોરોનાનો પ્રસાર થતો. કોઈ જગ્યાએ ભકતોની ભીડ જોવા મળે તો કેમેરો જ એલર્ટ કરી દયે છે.

(3:06 pm IST)