Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

બીજા ડોઝ માટે ખાસ નવા ત્રણ રસીકરણ કેન્દ્રો : પુષ્કર પટેલ

ભૂતખાના ચોક મેસોનિક હોલ, ઇસ્ટ ઝોન કચેરી અને વેસ્ટ ઝોન કચેરીમાં કાલથી ફકત બીજા ડોઝના રસીકેન્દ્રનો પ્રારંભ : ૧ કેન્દ્ર દિઠ ૨૦૦ ડોઝ અપાશે પછી જરૂર મુજબ ૫૦૦ ડોઝ સુધી રસી અપાશે : સાંજે ૬ સુધી કામગીરી : લોકોને બીજો ડોઝ લેવા સ્ટેન્ડીંગ ચેરમેનની અપીલ

રાજકોટ તા. ૧૦ : કોરોના સામે રક્ષણ આપતી કોવિશીલ્ડ રસીના રસીકરણ માટે મ.ન.પા.નું તંત્ર પુરી વ્યવસ્થા કરી રહ્યું છે છતાં હજુ પણ ૬૪ હજાર લોકોને બીજા ડોઝનો સમય થઇ જવા છતાં તેઓ બીજો ડોઝ લેવામાં નિરસ છે ત્યારે સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલે લોકોને બીજા ડોઝ લેવા અપીલ કરી છે. સાથોસાથ કોવિશીલ્ડ રસી માટે વધુ ત્રણ નવા કેન્દ્રો આવતીકાલથી ખોલવાની જાહેરાત પણ કરી છે.

આ અંગે વિસ્તૃત માહિતી આપતાં પુષ્કરભાઇએ જણાવ્યું હતુ કે ફકત બીજા ડોઝ લેવાનો હોય તેવા નાગરિકો માટે કાલથી સેન્ટ્રલ ઝોનમાં ભૂતખાના ચોક મેસોનિક હોલ (ભૂતખાના) ખાતે અને સામાકાંઠે ઇસ્ટ ઝોન કચેરીમાં તેમજ નવા રાજકોટમાં વેસ્ટ ઝોન કચેરીમાં એમ ત્રણ ખાસ રસીકરણ કેન્દ્રો શરૂ થશે. જેમાં પ્રત્યેકમાં ૨૦૦ ડોઝ અપાશે. અને પછી જરૂર મુજબ ૫૦૦ ડોઝ સુધી રસીકરણ થશે. સાંજે ૬ વાગ્યા સુધી કામગીરી ચાલુ થશે. સાંજે ૬ વાગ્યા સુધી કામગીરી ચાલુ રહેશે. (ડોઝ હશે તો) માટે આ વ્યવસ્થાનો આ નાગરિકોને લાભ લેવા અનુરોધ છે.

સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે,  કોરોનાથી રક્ષણ માટે સરકાર દ્વારા ૧૫ જાન્યુઆરીથી તબક્કા વાઇઝ વેકસીનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.જે અન્વેય રાજકોટ શહેરમાં આજ દિન સુધીમાં ૧૮ વર્ષથી ઉપરનાં ૯,૦૭,૫૭૭ લાખ નાગરીકોએ રસીનો પ્રથમ ડોઝ લઇ લેતા ૮૦ ટકા નાગરીકોએ પ્રથમ ડોઝ લઇ લીધો છે. જ્યારે ૩,૧૫,૧૭૦ નાગરિકોએ બીજો ડોઝ લીધો છે.

શહેરમાં રસીકરણનો કુલ લક્ષ્યાંકના ૧૦.૫૩ લાખ પૈકી ૯.૦૭ લાખ લોકોએ પ્રથમ ડોઝ લેતા ૮૦ ટકા રસીકરણ થતા સમગ્ર ગુજરાતમાં રાજકોટ ત્રીજા ક્રમે છે.  (૨૨.૨૫)

મોબાઇલમાં વોટ્સએપ દ્વારા કોરોના વેકસીન સર્ટીફીકેટ આપવાની સુવિધા : કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાને અભિનંદન પાઠવતા પદાધિકારીઓ

રાજકોટ :  મહાનગરપાલિકાના મેયર ડો.પ્રદિપ ડવ, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસકપક્ષ નેતા વિનુભાઈ દ્યવા, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા એક સંયુકત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા દરેક આરોગ્ય કેન્દ્રો ઉપર કોરોના વેકસીન આપવામાં આવે છે. વેકિસનના બંને ડોઝ લીધા પછી સરકારશ્રી તરફથી એક વધુસુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેમાં વેકસીન લીધાનું સર્ટિફિકેટ હવેતમારા વોટ્સએપ ઉપર આવી જશે.

આ સર્ટી મેળવવા માટે સૌપ્રથમ તમારા કોન્ટેકટમાં ૯૦૧૩૧૫૧૫૧૫ નંબર ઉમેરો. તમને યોગ્ય લાગે તે નામ આપો. વોટ્સએપ ચાલુ કરીને આ કોન્ટેકટ શોધો. Download Certificate લખીને મોકલો. તરત જ તમારા રજીસ્ટર્ડ મોબાઇલમા OTP આવશે. વોટ્સએપ માં આ OTP આપો. તમારા મોબાઇલ ઉપર જેટલા મેમ્બર રજીસ્ટર થયા હોય તેનુ લિસ્ટ આવશે. જે સર્ટિફિકેટ જોઈતું  હોય તે મેમ્બરનો નંબર મોકલો. સર્ટિફિકેટ આવી જશે. કોરોના સર્ટીફિકેટ મેળવવા અંગેની સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ નવતર સુવિધાને લીધે કોરોના વેકસીન મેળવવા માગતા દેશના કરોડો લોકોનો સમય વેડફાતો અટકશે.

આ સુવિધાને ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાને રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો.પ્રદિપ ડવ, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળાએ અભિનંદન પાઠવેલ છે. 

(3:01 pm IST)