Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

સંગીત તજજ્ઞો-તાલીમાર્થીઓના પાવન પગલાથી ધમધમતુ રાષ્ટ્રીયશાળાનું સંગીત વિદ્યાલય

૧૯૩૮માં સંગીત મહાવિદ્યાલયની સ્થાપના થઇ હતી, સૌરાષ્ટ્રના શાસ્ત્રીય સંગીતની તાલીમ આપતુ પ્રથમ વિદ્યાલય હતું : રાષ્ટ્રીયશાળા સંગીત મહાવિદ્યાલયનો ૯૩માં વર્ષમાં પ્રવેશઃ શતાબ્દી તરફ પ્રયાણઃ આ સંગીત વિદ્યાલયનો પ્રારંભ ગાંધીજીના અનુયાયી કાકા સાહેબ કાલેલકરના હસ્તે થયેલોઃ સંગીત તજજ્ઞો પંડિત ઓમકારનાથ ઠાકુર, વિષ્ણુ દિગંબર પલુુસ્કર જેવા મહાન કલાકારો મુલાકાત લઇ ચુકયા છે

ડાબી બાજુ બાસુંરી વાદનનાં વિદ્યાર્થીઓ સમૂહમાં જણાય છે. વચ્ચેની ઇન્સેટ તસવીરમાં વાંસડી વાદનનાં શિક્ષક શ્રી જીગ્નેશ લાઠીગરા જણાય છે.  દાબી બાજુ છેલ્લી તસવીરમાં સીતાર વાદનનાં શિક્ષિકાશ્રી શ્રી નીમીશાબેન પારેખ તેમના વિદ્યાર્થીઓ સાથે જણાય છે.  વચ્ચેની તસવીરમાં ડાબી બાજુ કથ્થ્કનૃત્યનાં વર્ગો તેમજ વચ્ચે ભારનાટ્યમનાં વર્ગો જણાય છે. સાથે શ્રી ગોપીબેન ઠક્કર તથા યુકતા દવે બંને શિક્ષિકા જણાય છે. અંતિમ નીચેની તસવીરમાં ડાબેથી તબલા વાદનનાં વર્ગો ચલાવી રહેલ શિક્ષક શ્રી ભાર્ગવભાઈ જાની. વચ્ચેની તસવીરમાં ગીટાર તથા કી-બોર્ડની ટ્રેનિંગ લેતા વિદ્યાર્થીઓ સાથે શિક્ષકશ્રી મેહુલ વાઘેલા .અંતિમ નીચે હાર્મોનિયમ વાદનનાં વિદ્યાર્થીઓ શિક્ષક શ્રી સાજીદ મીર પાસે જણાય છે.

રાજકોટઃ રાષ્ટ્રીયશાળાની સ્થાપના સને-૧૯૨૧માં થઇ હતી. રાષ્ટ્રીયશાળા એક ઐતિહાસિક સંસ્થા છે અને રાષ્ટ્રીય હિરાસતમાં કેન્દ્ર સરકારે સ્થાન આપ્યું છે. એ આપણાં સૌ માટે ગૌરવની વાત છે. રાજકોટ સત્યાગ્રહની લડત વખતે પૂજ્ય બાપુએ ૧૯૩૯માં ઐતિહાસિક ઉપવાસ કરેલ જે સ્થળે રાષ્ટ્રીયશાળામાં ગાંધીજીએ રહીને ઉપવાસ કર્યા હતા. જેને કારણે દેશ-વિદેશમાં રાષ્ટ્રીયશાળાનું નામ ઉજાગર થયેલ છે.

આજે રાષ્ટ્રીયશાળા ટ્રસ્ટ સંગીત, -ાથમીક શિક્ષણ, ખાદી ગ્રામોઉદ્યોગ વગેરેની પ્રવૃતિઓ ચલાવી રહી છે. આ સમગ્ર પ્રવૃતિઓ સંસ્થા સ્વનિર્ભર પોતાની મિલકતમાંથી આર્થિક ઉપાર્જન કરી ચલાવે છે.

જેમાંથી કલાક્ષેત્રે ૧૯૩૮ના અરસામાં સંગીત મહાવિદ્યાલયની સ્થાપના  કરવામાં આવી. જે સૌરાષ્ટ્રની શાસ્ત્રીય સંગીતની તાલીમ આપતું પ્રથમ વિદ્યાલય હતું, સંગીતવિદ્યાલયનો પ્રારંભ પૂજય ગાંધીજીના અનુયાયી કાકાસાહેબ કાલેલકરના હાથે થયો હતો. ત્યાર પછી સંગીત તજજ્ઞૉ પંડિત ઓમકારનાથ ઠાકુર, વિષ્ણુ દિગંબર પલૂસ્કર જેવા મહાન કલાકારો પણ રાષ્ટ્રીયશાળા સંગીત વિદ્યાલયની મુલાકાતે આવેલ હતા.

 આજે પણ સંગીત તજજ્ઞોનાં પાવન પગલાથી સંગીત મહાવિદ્યાલય ધમધમી રહયું છે. કંઠય અને વાદ્યસંગીત તથા કથ્થક તેમજ ભરતનાટયમની પદવી પરીક્ષા સુધીના અભ્યાસક્રમો ચાલી રહયા છે. ૧૯૩૮માં નાના પાયા ઉપર શરૂ થયેલ સંગીત મહાવિદ્યાલયમાં અત્યારે ૪૫૦ જેટલા - ૫ વર્ષથી માંડીને ૬૫ વર્ષ સુધીના ભાઈઓ-બહેનો સંગીતની તાલીમ મેળવી રહ્યા છે. રાષ્ટ્રીયશાળા સ્થિત 'સંગીત મહાવિદ્યાલય અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય-મિરજ' (મહારાષ્ટ્ર) સાથે સંલગ્ન છે. સંગીત વિદ્યાલયમાં આવતા ભાઈ-બહેનોને સંસ્કાર પોષક વાંચન તરફ પણ અભીમુખ  કરવામાં આવે છે.

     સંગીત કલાક્ષેત્રે રાષ્ટ્રીયશાળા સંગીત મહાવિદ્યાલય ૯૨ વર્ષની મંગળ મંજિલ પૂરી કરીને શતાબ્દિ તરફ જઈ રહ્યું છે. સંગીતના શિક્ષણ અને પ્રચાર દ્યારા શાસ્ત્રીય સંગીત કલાની લોક હ્રદયમાં અભિરુચિ જાગે એ સંસ્થાની શુદ્ધ ભાવના છે. તેમજ ઊંડી છાપ પડે એ અમારો પ્રયાસ છે. નવોદિત સંગીત કલાકારો તેમજ આર્ટિસ્ટો તૈયાર થાય અને શાસ્ત્રીય સંગીતની પરંપરા જળવાય રહે. એ અમારી સંસ્થાની નેમ છે. આટલા વર્ષના ગાળામાં હજારો યુવક યુવતીઓએ તેમજ પ્રોઢ ભાઈ–બહેનોએ આ વિદ્યાલયમાં સંગીતની તાલીમ લીધી છે. બે વર્ષથી માંડીને સાત વર્ષની તાલીમ લઈ સંગીતની વિવિધ પદવી મેળવનારા ભાઈ–બહેનોએ તેમજ દેશનું ગૌરવ શાસ્ત્રીય સંગીતક્ષ્રેત્રે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તે લોકોએ સંગીત વિદ્યાલયમાં માત્ર સંગીત નથી મેળવ્યું, પરંતુ એ ઉપરાંત જીવનના ઘડતરમાં ગાંધી વિચાર ધારા પ્રાપ્ત કરી છે. જેનો અમોને પૂર્ણ સંતોષ અને ગૌરવ છે. જ્યારે સંગીત વિદ્યાલયની સ્થાપના થઈ ત્યારથી પુજય ગાંધીજીના પારીવારીક સદસ્ય શ્રી પુરુષોતમ ગાંધીના ધર્મપત્ની શ્રીમતી વિજયાબેન ગાંધી સંભાળતા આવ્યા. પછી તેમના શિષ્ય સ્વ.શ્રી નાનાલાલ કાનાબાર, શ્રીમતી કલ્પનાબેન નથવાણીએ પૂરેપૂરો સમય ફાળવીને સંગીત વિદ્યાલયની જવાબદારી ઉઠાવેલ ત્યારબાદ સમયની સાથે તાલ મિલાવીને નવા નવા વર્ગો ચાલુ કરેલ છે. જેમાં સિંથેસાઇઝર (કિબોર્ડ), ગિટાર, સિતાર, ગાયન, હાર્મોનિયમ, તબલા, કથથકનૃત્ય તેમજ ભરતનાટયમનાં વર્ગો કાર્યરત છે. જેમાં અખિલ ભારતીય ગાંર્ધવ મહાવિદ્યાલય માથી પ્રાપ્ત કરેલ ડિગ્રીવાળા શિક્ષકો તાલીમાર્થીઓને તાલીમ આપી રહ્યા છે. આમ કુલ સંગિતની સાત ફેકલ્ટી ચાલે છે.

     આપણે જાણીએ છીએ કે આદિકાળથી આત્મા અને સંગીત એક બીજાના પૂરક છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ જોતાં પણ પુરાણોમાં ઉલ્લેખ છે કે દેવો પણ સંગીત પ્રત્યે મોહ ધરાવતા હતા. આપણા પુરાણા ગ્રંથોએ સંગીતને જીવનનો એક હિસ્સો જ માન્યો છે. જે આજના મહાન વૈજ્ઞાનિકોએ પણ સાબિત કરી આપેલ છે. જેનું આપણે દ્રષ્ટાંત લઈએ તો છેલ્લા ૨ વર્ષથી પૂરું વિશ્વ કોરોના -૧૯ ની અસરથી પીડાઈ રહ્યું છે. ત્યારે ભારત દેશ સહિત યુરોપના દેશો તેમજ અમેરિકા પણ આ કાળ દરમ્યાન સંગીત થેરપી અપનાવી રહી છે. અને જેને બહોળો પ્રતિસાદ પણ મળેલ છે. સંગીતના જે અલગ અલગ રાગો વર્ણવામાં આવ્યા છે જેની સીધી અસર આપણા શરીર પર પણ પડે છે. દરેક રોગોના ઈલાજ માટે અલગ અલગ રાગો ગાવા – સાંભળવાથી તેમાં ધણી બધી રાહત મળે છે. જે પણ સિધ્ધ થઈ ચૂક્યું છે. જે હકીકત છે. પ્રાચીનકાળમાં રાજા - મહારાજાઓ પણ સંગીતમાં ઓતપ્રોત રહેતા.

     આજે પણ અધ્યતન બિલ્ડીંગમા આધુનિક વાદ્યો સાથે વર્ગો ચાલી રહ્યા છે. જેમાં ૬ વર્ષથી માંડીને ૬૫ કે તેથી વધારે ઉંમરના ભાઈઓ-બહેનો જોડાઈ શકે છે. જોડાયા બાદ તમોને અવશ્ય એટલો અહેસાસ તો થશે જ કે પૂજય ગાંધીબાપુએ પ્રસ્થાપિત કરેલ ભૂમિ પર સંગીતની તાલીમ લેવી તે સદભાગ્યને જ લહાવો મળે છે. સંગીત વિદ્યાલયનો સમય સોમવાર થી શનિવાર, સવારે - ૮ થી ૧૦ કલાક સુધી તેમજ સાંજના ૪ થી ૭  કલાક  દરમ્યાન કાર્યરત છે. જેમાં કોઈપણ ભેદભાવ વગર પ્રવેશ આપવામાં આવે છે. સંગીતની ફી પણ સાવ નોમિનલ રાખેલ છે. સંસ્થાની માંગ એક જ 'નેમ' છે કે જે તાલીમાર્થીમા કલા છુંપાયેલ છે તેને બહાર લાવવા માટે આ સંસ્થા કટિબધ્ધ છે.

'તાલીમ મેળવવા માટે જોડાવ તો અમને ખુબ જ ખુશી થશે અને તેવી પ્રતીતિ થશે કે અમો કાઇક આપવા બેઠા છીએ'  અને જોડાવા ન ઇચ્છતા હોય  તો એકવાર ઉપરોકત દર્શાવેલ સમય દરમ્યાન આવીને લાઇવ નિહાળીને સૂચનો આવકાર્ય રહેશે. આ અંગે વધુ માહિતી માટે મો.૯૬૩૮૫ ૧૯૩૦૪, ૯૦૧૬૬ ૩૧૫૫૧, ફોન નં. ૦૨૮૧-૨૪૬૬૦૭૬ ઉપર સંપર્ક કરી શકાય છે.  

(2:59 pm IST)