Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

કોઠારીયા ગુલાબનગરમાં રાતે કચરો ફેંકવા ગયેલા યુપીના ચાર યુવાનો પર હુમલોઃ મોબાઇલ ફોન લૂંટી એકની હત્યાનો પ્રયાસ

વિસ્તારમાં માથાભારેની છાપ ધરાવતાં રાહુલ કોળી, તેના બે ભાઇઓ અને બે અજાણ્યાએ પ્રદિપ યાદવ, સુનિલ ચોૈહાણ, યશવંત ચોૈહાણ અને પ્રદ્યુમન ચોૈહાણને ઘુસ્તાવ્યાઃ પ્રદિપના પેટમાં છરી ભોંકી દીધીઃ હાલત ગંભીરઃ આજીડેમ પોલીસે હત્યાની કોશિષ, ધાડ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો : ચાર જેટલા શકમંદો સકંજામાં

જેની હત્યાનો પ્રયાસ થયો તે પ્રદિપ યાદવ ગંભીર હાલતમાં તથા વિગતો જણાવતાં સુનિલ ચોૈહાણ અને યશવંત ચોૈહાણ નજરે પડે છે.

રાજકોટ તા. ૧૨: કોઠારીયા સાઇબાબા સર્કલ પાસે ગુલાબનગરમાં રહેતાં મુળ યુપીના ચાર યુવાનો રાતે ઓરડી નજીક અંકિત ઇન્ડસ્ટ્રીયલ એરિયાના ખુણે આવેલા પટમાં કુદરતી હાજતે અને કચરો ફેંકવા માટે જતાં ગુલાબનગરમાં માથાભારેની છાપ ધરાવતાં કોળી શખ્સ, તેના બે ભાઇઓ તથા અન્ય બે અજાણ્યાએ મળી યુપીના ચારેય યુવાનોને માર મારી મોબાઇલ ફોન લૂંટવા માટે ગાળો દઇ એક યુવાનને પેટના ભાગે છરી ભોંકી હત્યાનો પ્રયાસ કરતાં ચકચાર જાગી છે.  હુમલાખોરોએ એક યુવાન પાસેથી મોબાઇલ લૂંટી પણ લીધો હતો. બીજાના ફોન લૂંટવા પ્રયાસ કરતાં બધા ભાગી ગયા હતાં. પેટમાં છરી ભોંકાઇ હોઇ ગંભીર ઇજા થતાં યુવાનને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં આજીડેમ પોલીસે હત્યાની કોશિષ, ધાડ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ત્રણેક શકમંદોને સકંજામાં લેવા તજવીજ આદરી છે.

બનાવની પ્રાપ્ત માહિતી મુજબ હાલ કોઠારીયા ગુલાબનગર-૬માં ગીતાબેનના મકાનમાં ભાડેથી રહેતાં અને કારખાનામાં કામ કરતાં મુળ યુપીના ગાજીપુર જીલ્લાના મરદહ થાના હેઠળના ગજપતપુર ગામના પ્રદિપ અંતુભાઇ યાદવ (ઉ.વ.૧૭)ને રાત્રીના સાડા દસેક વાગ્યે ઘર નજીક અંકિત ઇન્ડસ્ટ્રીયલ એરિયા શેરી નં. ૧ના ખુણે આવેલા પટમાં રાહુલ કોળી સહિતના પાંચ જણે માર મારી એક જણાએ પેટમાં છરી ભોંકી દેતાં ગંભીર ઇજા થતાં સિવિલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ આજીડેમ પોલીસને જાણ કરી હતી.

પીઆઇ વી. જે. ચાવડા, જાવેદભાઇ રિઝવી, સ્મિતભાઇ વૈશ્નાણી સહિતના સ્ટાફે હોસ્પિટલે પહોંચી ગંભીર રીતે ઘવાયેલા પ્રદિપ યાદવની સાથે જ રહેતાં તેના વતનના પ્રદ્યુમન લાલબીહારીભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૩)ની ફરિયાદ પરથી ગુલાબનગરના રાહુલ કોળી, તેના બે ભાઇઓ તથા બે અજાણ્યા સામે આઇપીસી ૩૦૭, ૩૯૫, ૩૯૭, ૩૯૮, ૩૨૬, ૩૨૩, ૫૦૪, ૩૪, ૧૩૫ (૧) મુજબ હત્યાનો કોશિષ-ધાડની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.

પ્રદ્યુમન ચોેહાણે પોલીસને ઘટનાની વિગતો વર્ણવતા કહ્યું હતું કે હું છેલ્લા એકાદ મહિનાથી ગુલાબનગરમાં રહુ છું. મારી સાથે મારા વતનના પ્રદિપ અંતુભાઇ યાદવ (ઉ.૧૭), સુનિલ સિતારામ ચોૈહાણ (ઉ.૧૯), યશવંત રાજેશભાઇ ચોૈહાણ (ઉ.૧૬) પણ રહે છે. મારા મોટા ભાઇ રવિભાઇ ચોૈહાણ પણ આઠેક વર્ષથી રાજકોટ રહી ધંધો કરે છે. રવિભાઇએ અમને અમારા ગામથી અહિ બોલાવી ગુલાબનગરમાં ઓરડી ભાડેથી અપાવી હોઇ અમે અહિ રહી કારખાનાઓમાં મજૂરી કરીએ છીએ.

બુધવારે સાંજે અમે મજૂરીએથી રૂમે આવ્યા હતાં અને રસોઇ બનાવી જમ્યા હતાં. રાત્રીના સાડા નવ પછી રૂમમાંથી કચરો કાઢી એઠવાડ ભેગો કર્યો હતો અને અમે આ કચરો અમારા રૂમની શેરીમાંથી સામેની સાઇડમાં અંકિત ઇન્ડસ્ટ્રીઝ એરિયા શેરી નં. ૧ના ખુણે પટમાં ફેંકતાં હોઇ ત્યાં ફેંકવા માટે અમે ચારેય ગયા હતાં. અમારામાંથી બે જણા પટમાં હાજતે પણ બેઠા હતાં.

એ વખતે પાંચ જણા આવ્યા હતાં અને અમારા નામ પુછવા માંડ્યા હતાં. આ બધા ગુજરાતી બોલતાં હતાં. જેમાં એક ગુલાબનગરમાં માથાભારેની છાપ ધરાવતો રાહુલ કોળી હતો અને બે તેના ભાઇઓ તથા બે અજાણ્યા હતાં. આ બધાને અમે જોયે ઓળખીએ છીએ. આ પાંચેય જણાએ અમારા ચારેય પાસે મોબાઇલ ફોન હોઇ તે આંચકી લેવા પ્રયાસ કરી અમને ગાળો દઇ ઢીકાપાટુનો માર મારવાનું શરૂ કર્યુ હતું. અમે મોબાઇલ ફોન ન આપતાં રાહુલના ભાઇએ તેના નેફામાંથી છરી કાઢી હતી અને અમારી સાથેના પ્રદિપ યાદવને પેટમાં એક ઘા ભોંકી દીધો હતો. બીજો ઘા મારવા જતાં પ્રદિપે છરી પકડી લેતાં હાથના કાંડામાં ઇજા થઇ હતી. તે લોહીલુહાણ થઇ ગયો હતો. અમે છોડાવવા વચ્ચે પડતાં અમારી પાછળ પણ તે છરી લઇને દોડ્યો હતો.

એ દરમિયાન સુનિલ ચોૈહાણનો વીવો કંપનીનો મોબાઇલ ફોન તેણે લૂંટી લીધો હતો. સુનિલને હોઠ પર ઘુસ્તો મારતાં તેનો હોઠ સોજી ગયો હતો. યશવંતને પણ આ પાંચેયએ મુંઢ માર માર્યો હતો. આ પાંચેય અમારી પાસેથી બીજા મોબાઇલ લૂંટવા આવતાં અમે દોટ મુકી બૂમાબૂમ કરી અલગ અલગ ભાગી ગયા હતાં. પ્રદિપને પેટમાંથી વધુ લોહી નીકળતું હોઇ માણસો ભેગા થઇ જતાં કોઇએ ૧૦૮ બોલાવતાં ૧૦૮ મોડી આવશે તેમ ફોન કરનારે વાત કરતાં અમે નજીકમાં રહેતાં વિરેન્દ્રભાઇના છોટા હાથી મારફત પ્રદિપને હોસ્પિટલે ખસેડ્યો હતો.

પાંચેય જણા અમારા પર હુમલો કરી એક મોબાઇલ ફોન રૂ. ૩ હજારનો લૂંટી ગયા હતાં. અમારા ચારેયના ફોન લૂંટવાના ઇરાદે આ હુમલો થયો હતો. જેમાં પ્રદિપને પેટમાં છરી ભોંકી દેવાઇ હતી. હુમલાખોરોમાં એક રાહુલ, તેના બે ભાઇઓ અને બીજા બે દાઢીવાળા શખ્સો હતાં.

પોલીસે હુમલાખોરો પૈકી બે ત્રણ શકમંદોને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે. જેને છરી ઝીંકાઇ છે તે પ્રદિપ ત્રણ ભાઇ અને એક બહેનમાં બીજા નંબરનો છે. તેની હાલત ગંભીર હોઇ રાતે જ ઓપરેશનમાં લઇ જવાયો હતો.

(1:01 pm IST)