Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

ન્યારી ડેમ પાસે 'હિટ એન્ડ રન': પગપાળા જઇ રહેલા ત્રણ યુવાનને ટ્રકે ઉલાળ્યાઃ એમ.પી.ના બ્રીજમોહનનું મોત

રફીકશા અને સુનીલ બૈગા સારવારમાં : ત્રણેય વીરડા વાજડી પાસે જમવા માટે જતા હતાઃ ચાલક કન્ટેનર લઇ ભાગી ગયો

રાજકોટ તા.૧ર : કાલાવડ રોડ પર વીરડા વાજડી નજીક ન્યારી ડેમના પુલ પાસે 'હિટ એન્ડ રન'ની ઘટનામાં જમવા માટે પગપાળા જઇ રહેલા ત્રણ મિત્રોને કન્ટેનર ચાલકે હડફેટે લેતા એમ.પી.ના યુવાનનું મોત નિપજયું હતું. જયારે બે મિત્રોને સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. મળતી વિગત મુજબ વીરડા વાજડી ગામમાં ભાડે રહેતા ત્રણ પરપ્રાંતીય યુવાન બ્રીજમોહન ભોદુભાઇ બૈગા (ઉ.૩પ), રફીક મહંમદ શૌતનશા શા (ઉ.૧૮) અને સુનીલ રામપાલભાઇ બૈગા ત્રણેય બાવાજી વેફર્સ કારખાનામાં હેલ્પર તરીકે કામ કરતા હોઇ, રાત્રે ત્રણેયને નોકરીએ જવાનું હોઇ તેથી ત્રણેય યુવાન ગામ પાસે ચાલીનેજમવા માટે જતા હતા. ત્યારે ત્રણેય ન્યારી ડેમ નજીક પુલ પાસે પહોંચતા સામેથી અજાણ્યા કન્ટેનર ટ્રકના ચાલકે હડફેટે લેતા ત્રણેય યુવાન ફંગોળાઇ ગયા હતા. અકસ્માત સર્જી ચાલક કન્ટેનર ટ્રક સાથે ભાગી ગયો હતો. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા બાદ કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા એમ.પી.ના બ્રીજમોહન ભોદુભાઇ બૈગા (ઉ.૩પ) નું મૃત્યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. અને રફીક શા અને સુનીલ બૈાને ઇજાગ્રસ્ત હાલતમાં ૧૦૮ મારફતે સારવાર માટે ગીરીરાજ હોસ્પિટલમાં ખસેડાયા હતા બનાવની જાણ તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. વી.પી.આહીર સહિતે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક બ્રીજમોહન બૈગાને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે.

(12:59 pm IST)