Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

સાત હનુમાન પાસે ટ્રક પાછળ ઇકો અથડાતાં પાંચને ગંભીર ઇજાઃ બે યુવાનને પતરા ચીરી બહાર કઢાયા

મુળ રાજસ્થાનના રહેવાસીઓ જામનગર કડીયા કામની મજૂરીએ જતા હતાં: ફાયર બ્રિગેડની ટીમે રેસ્કયુ કરી તમામને રાજકોટ સિવિલમાં ખસેડ્યાઃ અહિથી વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાયા

તસ્વીરમાં બૂકડો બોલી ગયેલી ઇકો કાર અને ઘાયલ થયેલા રાજસ્થાની મજૂરો જોઇ શકાય છે, જેને સવારે અમદાવાદ હોસ્પિટલમાં રીફર કરાયા હતાં.

રાજકોટ તા. ૧૨: કુવાડવા રોડ પર સાત હનુમાન પાસે વહેલી સવારે ચારેક વાગ્યે રાજકોટ તરફ આવી રહેલી ઇકો કાર ટ્રક પાછળ ઘુસી જતાં બૂકડો થઇ ગઇ હતી. ઇકોમાં બેઠેલા રાજસ્થાનના પાંચ મજૂરોને ગંભીર ઇજાઓ થતાં રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. ઇકો ટ્રક પાછળ ફસાઇ ગઇ હોઇ ફાયર બ્રિગેડની ટીમે રેસ્કયુ કરી પતરા ચીરીને ફસાયેલાઓને બહાર કાઢ્યા હતાં.

જાણવા મળ્યા મુજબ વહેલી સવારે સાત હનુમાન પાસે ઇકો કાર જીજે૦૧આરએન-૨૮૯૬ નંબરની કાર આગળના ટ્રક નં. જીજે૩એલટી-૮૪૮૪ પાછળ ધડાકાભેર અથડાતાં ઇકોમાં બેઠેલા મુળ રાજસ્થાનના રૂપનારાયણ મુનિલાલ રાજપૂત (ઉ.વ.૪૦), વસંત રામેશ્વર (ઉ.વ.૩૦), પ્રદિપ લોહનસિંગ (ઉ.વ.૩૦), સિરજુ (ઉ.વ.૪૦) અને રિન્કુ રામનાથસિંગ (ઉ.વ.૨૫)ને ઇજાઓ થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના વાલજીભાઇ નિનામાએ કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.

અકસ્માતને કારણે ઇકો કાર ટ્રક પાછળ ફસાઇ ગઇ હોઇ તેમાંથી ત્રણ ઘાયલોને લોકોએ બહાર કાઢી લીધા હતાં. બીજા બે ફસાઇ ગયા હોઇ ફાયર બ્રિગેડને જાણ થતાં ટીમના હાર્દિકભાઇ ગઢવી, વિપુલભાઇ સોલંકી, રમીઝખાન પઠાણ, વિજયભાઇ, મહશેભાઇ ગોહેલ, રસિકભાઇ થોરીયા, રાજેશભાઇ વાગડીયા સહિતની ટીમે પહોંચી હાઇડ્રોલિક સોકર તથા કટરની મદદથી ઇકોના પતરા કાપી ફસાયેલાઓને રેસ્કયુ કરી બહાર કાઢી હોસ્પિટલે ખસેડ્યા હતાં.

આ તમામ મુળ રાજસ્થાનના વતની છે અને અમદાવાદથી રાતે ઇકોમાં બેસી જામનગર કડીયા કામની સાઇટ પર મજૂરીએ જવા નીકળ્યા હતાં ત્યારે સાત હનુમાન પાસે વહેલી સવારે અકસ્માત નડ્યો હતો. ૧૦૮ના ભાવેશભાઇ સહિતે ઘાયલોને હોસ્પિટલે પહોંચાડ્યા હતાં. અહિથી વધુ સારવાર માટે સવારે તમામને અમદાવાદ હોસ્પિટલમાં લઇ જવાયા હતાં. 

(12:59 pm IST)