Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

વરસાદી પાણીના નિકાલ માટેના 'એકશન પ્લાન'નો તાત્કાલીક અમલ

સી.સી.ટી.વી. સર્વેલન્સ બાદ ગઇ સાંજે યલ્લો અને રેડ ઝોનમાં ભરાયેલા પાણી નિકાલની ત્વરીત વ્યવસ્થા કરાઇ અને કામગીરીનાં ફોટા સહિતનો રિપોર્ટ મ્યુ. કમિશનર અમિત આરોરાને સુપ્રત કરી દેવાયો

ગઇ સાંજે ધોધમાર વરસાદથી મહીલા કોલેજ અંડરબ્રીજ, ૧પ૦ રીંગ રોડ, મવડી ચોકડી, એસ્ટ્રોન નાલુ વગેરે સ્થળોએ વરસાદી પાણી ભરાયા હતાં. જેનાં તાત્કાલીક નિકાલની વ્યવસ્થા ઇજનેરો દ્વારા કરવામાં આવી તે વખતની તસ્વીરોમાં વરસાદી પાણીનાં નિકાલની કાર્યવાહી ત્થા ત્યારબાદ પાણી ઓસરી ગયાનું દર્શાય છે. 

રાજકોટ, તા.૧૨: ચોમાસાની ઋતુને લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારાપ્રિ-મોન્સુનની કામગીરીની સમીક્ષા દરમ્યાન મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ  ત્રણેય ઝોનના નાયબ મ્યુનિ. કમિશનરશ્રી અને તમામ સિટી સહિતના અધિકારી સાથે શહેરમાં વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરવાના પ્રશ્નો, તેના કારણો અને ઉકેલો સહિતના મુદ્દાઓ પર અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. કમિશનરશ્રીએ ચોમાસામાં શહેરમાં પાણી ભરાવાના પ્રશ્નને અત્યંત ગંભીરતાથી હાથ પર લીધો છે અને તંત્રની કામગીરીમાં કચાશ ના રહે તે પ્રકારની સ્ટ્રેટેજી અમલમાં મુકવા પર ખાસ ભાર મુકયો હતો. દરમ્યાન ગઈકાલે રવિવારે સાંજે ભારે વરસાદ વરસ્યો હતો અને તેના પગલે કમિશનરશ્રીની સૂચના અનુસાર નક્કી કરેલી સ્ટ્રેટેજી અનુસાર રેડ ઝોનમાં આવતા રસ્તા કે ચોક કે અન્ય વિસ્તારો પર યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી વધુ ઝડપથી અને ચોકસાઈપૂર્વક થઇ શકે તે માટે આઈ-વે પ્રોજેકટનાં સીસીટીવી સર્વેલન્સ નેટવર્કનો તંત્રનો બખૂબી ઉપયોગ કરી પાણી નિકાલ માટેની કામગીરી ઝડપી બનાવી હતી. રિસ્પોન્સ ટાઈમ સાલ નજીવો રહે તે રીતે ઈજનેરો અને તેમની ટીમોએ કામ હાથ ધર્યું હતું.

મ્યુનિ. કમિશનરશ્રીએ આ વિશે વાત કરતા એમ કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા પાસે સીસીટીવી સર્વેલન્સ માટેનું જબરદસ્ત નેટવર્ક ઉપલબ્ધ છે ત્યારે શહેરમાં જે વિસ્તારોમાં વધુ સમય માટે વરસાદી પાણી એકત્ર થતું હોય એ વિસ્તારોને રેડ ઝોન તરીકે આઇડેન્ટિફાય કરી ત્યાં લોકોની ફરિયાદની રાહ જોયા વગર સત્વરે મહાનગરપાલિકાની ટીમ પહોંચે અને વિનાવિલંબે પાણી નિકાલની કામગીરી થાય તેવી વ્યવસ્થા અગાઉથી જ કરવામાં આવી હતી અને ટીમોએ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી.  માત્ર એટલું જ નહીં ગઈકાલની કામગીરીમાં જો કોઈ અડચણ આવી હોય કે કોઈ ખામી રહી ગઈ હોય તો તે અંગે ચર્ચાવિચારણા કરવા માટે આજે ડેપ્યુટી કમિશનરશ્રીઓ અને ઈજનેરશ્રીઓ સાથે એક ખાસ બેઠક પણ યોજી છે.

કમિશનરશ્રીએ વિશેષમાં એમ પણ ઉમેર્યું હતું કે, ગઈકાલે સમગ્ર શહેરની તુલના કરીએ તો સેન્ટ્રલ ઝોનમાં ઓછા સમયમાં વધુ વરસાદ વરસી ગયો હતો જેના કારણે રાજકોટ મહાનગરપાલિકાએ સેન્ટ્રલ ઝોનના વિસ્તારો પર વધુ ગંભીરતાથી ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. 

રાજકોટ જે જે વિસ્તારોમાંથી પાણી ભરાવાની ફરિયાદો આવતી રહે છે ત્યાં સ્થળ મુલાકાત કરી સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ પાસેથી ફીડબેક મેળવવા અને તેમાં એન્જિનિયરિંગ દ્રષ્ટિકોણ સાથે કેવાકેવા પ્રકારના શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ઉકેલ લાવી શકાય તે સુનિશ્યિત કરવા સૂચના આપી હતી. સાથોસાથ જે વિસ્તારોમાં વધુ સમય માટે વરસાદી પાણી એકત્ર થતું હોય એ વિસ્તારોને રેડ ઝોન તરીકે આઇડેન્ટિફાય કરી ત્યાં લોકોની ફરિયાદની રાહ જોયા વગર સત્વરે મહાનગરપાલિકાની ટીમ પહોંચે અને વિનાવિલંબે પાણી નિકાલની કામગીરી થાય તેવી વ્યવસ્થા કરવા સૂચના આપી હતી. જે વિસ્તારોમાં પ્રમાણમાં ઓછું પાણી ભરાય છે અને થોડા સમય બાદ પાણી ઓસરી પણ જતા હોય છે, જોકે આવા  યેલ્લો ઝોનમાં આવશ્યકતા અનુસાર પાણી નિકાલની કામગીરી કરવા જણાવ્યું હતું.

મ્યુનિ, કમિશનરશ્રીએ અધિકારીશ્રીઓને એમ કહ્યું હતું કે, જયાં પાણી ભરાવાના પ્રશ્નો આવે છે તેવા સ્થળોએ કુદરતીરીતે પાણીનો કેટલા સમયમાં નિકાલ થઇ જાય છે એ મુદ્દાને ધ્યાનમાં રાખીને આયોજન કરવાનું રહે છે.  જે સ્થળોએ પાણી નિકાલ માટે વધુ સમય લાગતો હોય તેવા સ્થળોને વધુ ગંભીરતાથી ધ્યાન આપવું, પાણી નિકાલ કરવા માટે જે-તે સ્થળને બે ઝોનમાં વિભાજીત  કરવા જેમ કે, જયાં વધારે પાણી ભરાઈ છે અને પાણી નિકાલમાં કરવામાં પણ વધારે સમય લાગતો હોય તેવા વિસ્તારોને રેડ ઝોન તેમજ કુદરતીરીતે ઓછા સમયમાં પાણીનો નિકાલ થતો હોય તેવા સ્થળને યલો ઝોન ગણવો. અલબત્ત રેડ અને યલો ઝોનની વ્યાખ્યા એરિયાની ભૌતિક સ્થિતિ ઉપર પણ નિર્ભર રહે છે.

(4:23 pm IST)