Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ચકચારી માટી કૌભાંડમાં કડક પગલાની માંગ સાથે NSUIનું કુલપતિને આવેદન

તપાસ ઝડપથી પૂર્ણ કરી ફોજદારી કાર્યવાહી કરવા NSUIની માંગણી : આઠ કાર્યકર્તાઓની અટકાયત

યુનિવર્સિટીના ભ્રષ્ટાચાર સામે NSUIની રજૂઆત : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કથિત માટી કૌભાંડમાં આજે જવાબદારો સામે પગલા ભરવા NSUIએ આવેદન પાઠવ્યું તે સમયની તસ્વીર. અન્ય તસ્વીરમાં પોલીસે આઠ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. (તસ્વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૨ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટું કૌભાંડ બહાર આવ્યા બાદ આજે એનએસયુઆઇએ કુલપતિને આવેદન પાઠવી કડક પગલાની માંગણી કરી છે.

એનએસયુઆઇએ આવેદનમાં જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વારંવાર અનેક પ્રકારના ભ્રષ્ટાચારો સામે આવી રહ્યા છે અને હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લાખોના ખર્ચે અને કરોડો ખર્ચે કોર્ટ કોમ્પ્લેક્ષ અલગ અલગ ગ્રાઉન્ડો અધતન બનાવેલા છે. જેનો ઉદ્દેશ્ય સૌરાષ્ટ યૂનિવર્સિટીના વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષણક્ષેત્રે સમગ્ર રાજયને ભારતમાં નામ રોશન કરે તે માટે તૈયાર કર્યા છે, પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે આ બધા ગ્રાઉન્ડો તૈયાર થયા છે તેમાંથી એકપણ ગ્રાઉન્ડનો સદઉપયોગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના લાભાર્થે થયો નથી. માત્ર ને માત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોર્ટ કોમ્પ્લેક્ષમાં માટી નાખવાના ૪.૫ લાખના ખોટા બીલો રજૂ કરી ભ્રષ્ટાચાર આચરવાનો પ્રયત્ન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોન્ટ્રાકટર અને ઉચ્ચ અધિકારી દ્વારા આચરવામાં આવેલ છે. જેમ કે જે માટી ટ્રેકટર દ્વારા નાખેલ તે માટી ટ્રક દ્વારા નખાવવી જોઈએ. પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઓડીટ વિભાગે તપાસ કરતાં જે બીલો રજૂ થયેલા હતા તેનો નંબર ચેક કરતાં તે નંબર એક કારનો નંબર નીકળે છે, આવા અનેક પ્રકારના ભ્રષ્ટાચાર કાર્યરત છે. જેમ કે, સ્પોટર્સ કોમ્પ્લેક્ષ તેમજ સ્વીમીંગ પુલનો મોટો ભ્રષ્ટાચાર પણ સામે આવેલ હતો.

એનએસયુઆઇએ આવેદનમાં જણાવ્યું છે કે, અમારી માંગ એવી છે કે માત્ર કાગળ ઉપર બનેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કમિટીના અહેવાલ માત્ર કાગળ પણ ન આવે એટલા માટે કે ભુતકાળમાં આવા અનેક ભ્રષ્ટાચાર બહાર આવેલા છે. પરંતુ યુનિવર્સિટી દ્વારા કોઈ નકકર પગલાઓ લેવામાં આવેલ નથી. જેથી કડક ફોજદારી પગલા લઈ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તરીકેનો એક દાખલો બેસાડો જેથી ભ્રષ્ટાચારી લોકો ડરે. માંગણી છે કે રજીસ્ટ્રાર તરીકે તેમની જવાબદારી થતી હોય કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણના નિયામક તરીકે ખુદ પોતે છે. વધારાના ચાર્જમાં રજીસ્ટ્રારની જવાબદારી પણ નિભાવે છે. ત્યારે આ ભ્રષ્ટાચારના સિધા જવાબદાર ડો. જતીન સોની હોય તેવું લાગી રહ્યું છે અને નૈતિકના ધોરણે તેણે બન્ને હોદા પરથી રાજીનામું આપી દેવું જોઈએ. અને તાત્કાલીક ધોરણે પોલીસ ફોજદારી કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગણી છે.

આવેદનના કાર્યક્રમને સફળ બનાવવા માટે શહેર પ્રમુખ નરેન્દ્ર સોલંકી, ઉપપ્રમુખ દર્શન શિયાળ, દિગપાલસિંહ જાડેજા, હર્ષ બગડા, દેવેન્દ્રસિંહ જાડેજા, માધવ આહીર, મંથન પટેલ, કર્મદિપસિંહ જાડેજા, રોહિત રાઠોડ, ભવિષ્ય પટેલ, રાજ વરણ, અમન ગોહિલ, મિલન વિસપરા, બ્રિજરાજસિંહ જાડેજા, આર્યન કનેરીયા, રવિરાજસિંહ જાડેજા, કેવલ પાંભર, કવિશ રૂપારેલીયા, વત્સલ રાજગોર, રવિરાજસિંહ ઝાલા, જયરાજસિંહ રાણા, આર્યનસિંહ જાડેજા, પિયુષ પટેલ, મીત માંડવીયા, ઓમ કકકડ, ભગીરથસિંહ જાડેજા જોડાયેલ.

(3:27 pm IST)