Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

વૈશાલીનગરમાં એન્જિનીયરીંગના છાત્ર પાર્થને અજાણ્યા શખ્સે છરી ઝીંકી દીધી

નામચીનની છાપ ધરાવતો શખ્સ બીજા એક છોકરાને પાર્થના ઘરની વંડી ઠેંકાડી અંદર ધકેલતો હોઇ તેને ના પાડતાં હુમલો

રાજકોટ તા. ૧૨: રૈયા રોડ પર વૈશાલીનગરમાં શ્રીજી દર્શન એપાર્ટમેન્ટમાં રહેતાં અને એન્જિનીયરીંગનો અભ્યાસ કરતાં છાત્રને અજાણ્યા શખ્સે હાથમાં છરીનો ઘા ઝીંકી દેતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી.

પાર્થ નિલેષભાઇ સંચાણીયા (પ્રજાપતિ) (ઉ.વ.૧૬) સાંજે ઘરના પાર્કિંગ એરિયામાં હતો ત્યારે અજાણ્યા શખ્સે વંડી ઠેંકી આવી છરીનો ઘા મારી દેતાં હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. પાર્થ દર્શન કોલેજમાં સિવિલ એન્જિનીયરીંગનો અભ્યાસ કરે છે.

તેના સગાના કહેવા મુજબ પાર્થ ઘરના પાર્કિંગમાં હતો ત્યારે એક છોકરાને આ વિસ્તારમાં માથાભારેની છાપ ધરાવતો કાળીયા નામનો શખ્સ વંડી ઠેંકાડી અંદર ધકેલતો હોઇ પાર્થએ તેને આવું કરવાની ના પાડતાં એ શખ્સ ઉશ્કેરાઇ ગયો હતો અને પોતે વંડી ઠેંકી અંદર આવી ગયો હતો અને છરીથી હુમલો કરી ભાગી ગયો હતો. ગાંધીગ્રામ પોલીસે અરજી નોંધી જયરાજ ઉર્ફ કાળુ વિરૂધ્ધ તપાસ હાથ ધરી છે.

(1:14 pm IST)