Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

હર હર મહાદેવ.. કાલે શિવજીની આરાધનામાં ભકતો લીન બનશે

શિવાલયોમાં હરહર મહાદેવના નારાઓ ગુંજી ઉઠશે : શિવજીના મંદિરોને ફૂલો-રોશનીનો શણગાર : કાલે મહાશિવરાત્રી : શહેરમાં શિવજીને રીઝવવા જલાભિષેક, રૂદ્રાભિષેક, ધ્વજારોહણ, મહાઆરતી, યજ્ઞ, મહાપ્રસાદ દ્વારા પૂજા-અર્ચના

રાજકોટ, તા.૧૨ : આવતીકાલે મહાશિવરાત્રી ભોળાનાથને રીઝવવાનો અવસર. મહાશિવરાત્રી પર્વ નિમીત્તે શહેરભરમાં આવેલા શિવજીના મંદિરોને ફૂલો અને રોશનીઓનો શણગાર કરવામાં આવ્યો છે. આવતી કાલે દિવસ દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો થયા છે. જેની સંકલીત વિગતો અહિં પ્રસ્તુત છે.

ચિત્રકુટધામ રામજી મંદિર

રાજકોટ : શ્રી ચિત્રકુટધામ રામજી મંદિર, ૪-ધર્મજીવન સોસાયટી, ભકિતનગર સર્કલ પાસે આવેલ નિજ મંદિરમાં કાલે તા.૧૩ને મંગળવારે શ્રી મહાશિવરાત્રી મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે. નિજ મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રી નર્મદેશ્વરનું સવારથી બપોર સુધી ષોડષોપચારથી પૂજન-અર્ચન, રૂદ્રાભિષેક કરવામાં આવશે. બપોરે ૧૨ વાગ્યે ભગવાન નર્મદેશ્વર મહાદેવજીના શણગાર-સુશોભન, ૧૦૮ દિપવન સાથે મહાઆરતી, તેમજ સાંજે ૪:૩૦ વાગ્યે સંગીતમય શ્રી રૂદ્રપટક પાઠનું દિવ્ય રસપાન મહારાજ પોતાની આગવી શૈલીમાં કરાવશે. સાંજે ૭:૩૦ વાગ્યે શ્રી નર્મદેશ્વર મહાદેવજીની ભવ્ય સંધ્યા-શૃંગાર મહાઆરતી, તેમજ રાત્રે ૮:૩૦ વાગ્યે શ્રી નર્મદેશ્વર મહાદેવજીનો રૂદ્રાભિષેક કરવામાં આવશે. રૂદ્રાભિષેક-પૂજનમાં બેસવા માટે નિજ મંદિરમાં અગાઉથી સંપર્ક કરવો. સૌ ભાવિકોને શિવરાત્રી મહોત્સવનો લાભ લેવા નિમંત્રણ અપાયુ છે તેમ એક યાદીમાં જણાવાયું છે.

સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા કાલે લઘુરૂદ્રી યજ્ઞ

રાજકોટ : સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા શહેરની નાગર બોર્ડીંગ ખાતે કાલે તા.૧૩ને મંગળવારે ધાર્મિક ઉત્સવનું આયોજન કરેલ છે. જેમાં આચાર્ય તરીકે સચિનભાઈ ઠાકર પૂજન-અર્ચન કરાવશે. જેમાં સવારે ૯ થી ૧૨ વાગ્યા દરમિયાન વેદિક મંત્રોચ્ચારથી ભકિતસભર વાતાવરણમાં સર્વ જ્ઞાતિ લઘુ રૂદ્રી હવન કરવામાં આવશે. કાર્યક્રમમાં પંચપાત્ર, તરભાણુ, આચમની, શિવનું બાણ, આસન ભાવિકોએ લઈ આવવાનું રહેશે. માત્ર પુજામાં બેસનાર શ્રધ્ધાળુઓ માટે ફરાળની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. કાર્યક્રમમાં સમસ્ત બ્રહ્મ સમાજના પૂર્વ પ્રમુખ કશ્યપભાઈ શુકલ તેમજ જર્નાદનભાઈ આચાર્યના માર્ગદર્શન હેઠળ મહામંત્રી દિપકભાઈ પંડ્યા, પૂર્વ પ્રમુખ અનંતભાઈ ભટ્ટ, મહેન્દ્રભાઈ ત્રિવેદી, પ્રવકતા જયંતભાઈ ઠાકર, મીડીયા ઇન્ચાર્વ હરેશભાઈ જોષી, પ્રભુદાસભાઈ, જીજ્ઞેશભાઈ ઉપાધ્યાય, જયેશભાઈ ભટ્ટ, યોગેન્દ્રભાઈ લહેરૂ, કનૈયાલાલ ભટ્ટ, રાજુભાઈ દવે, પરાગભાઈ ભટ્ટ, દર્શીતભાઈ જાની, કમલેશભાઈ ત્રિવેદી, પ્રશાંતભાઈ જોષી, નલીનભાઈ જોષી, પ્રદીપભાઈ રાજ્યગુરૂ સહીતના જહેમત ઉઠાવી રહ્યા છે. કાર્યક્રમની વધુ વિગત માટે દિપકભાઈ પંડ્યા (મો.૯૮૨૫૨ ૯૩૬૫૩) પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

કાલે પાટોત્સવ

રાજકોટ : આ શ્રી ખોડીયાર મંદિર (૧૦-કેદારનાથ સોસાયટી) દ્વારા આઈ શ્રી ખોડીયાર માતાજી તથા પાલખમાં બીરાજતા સમસ્ત દેવગણનલ પાટોત્સવ કાલે તા.૧૩ને મંગળવારે પાટોત્સવ નિમીત્તે યજ્ઞનું આયોજન કરેલ છે. બપોરે ૧:૩૦ વાગ્યે બીડુ હોમવામાં આવશે. તેમજ સાંજે બટુક ભોજન રાખેલ છે. ઉપરાંત મંદિરના સેવકગણ પરીવાર દ્વારા વીસમાં સર્વજ્ઞાતિ સમુહલગ્ન તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે. સમુહલગ્ન તા.૨૯ એપ્રિલને રવિવારે રાખેલ છે. જેમાં ભાગ લેવા ઇચ્છુકોએ ફોર્મ ભરવા માટે રાત્રે ૯ થી ૧૧ વાગ્યા દરમિયાન આઈશ્રી ખોડીયાર મંદિર, ૧૦-કેદારનાથ સોસાયટી, 'અનુગ્રહ' કોઠારીયા મેઇન રોડ ખાતે ભુવા પરશોતમભાઈ એન. દોંગા (મો.૯૮૨૪૨ ૮૩૧૮૪) અને મોહનભાઈ ગોહેલ (મો.૯૪૨૭૪ ૯૫૯૨૬) અને પ્રતિપાલસિંહજી ચુડાસમા (મો.૯૯૨૫૫ ૯૯૨૯૯)નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

ગુરૂવારે ત્ર્યંબકમ યજ્ઞ

રાજકોટ : યુવા સેના ટ્રસ્ટ દ્વારા તા.૧૫ને ગુરૂવારે સાંજે ૪:૩૦ વાગ્યે મીલપરા શેરી નં.૪, યુવા સેના ટ્રસ્ટ ભવન ખાતે 'ત્ર્યંબકમ યજ્ઞ'નું આયોજન કરેલ છે. શાસ્ત્રી હિમાંશુભાઈ જોષીના વ્યાશાસને આ યજ્ઞનું આયોજન કરેલ છે. યજ્ઞનો લાભ લેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રદ્યુમનસિંહ ઝાલાએ અનુરોધ કરેલ છે.

આજે સંતવાણી

રાજકોટ : મવડી ચોકડી, ક્રિષ્ના પાર્ક, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે શિવચરણ સંત અમૃતગીરી મોહનગીરીના મોક્ષાર્થે પ્રફુલગીરી અમૃતગીરીના નિવાસસ્થાને ભવ્ય સંતવાણી અલખની આરાધનાના ધર્મોત્સવનું આયોજન કરેલ છે. સંતવાણીમાં પ્રવકતા લોકમેળા ફેઇમ કલાકાર અને પત્રકાર રેડિયો ટીવી આર્ટીસ્ટ તુલસીદાસ ગોંડલીયા (મો.૯૯૭૯૪ ૬૯૫૯૯) તેમજ ભગવતીબેન ગોસ્વામી, બીપીનગીરી, વજુગીરીના સથવારે જમાવટ કરશે તેમ એક યાદીમાં જણાવાયું છે.

કોટેશ્વર મંદિર

રાજકોટ : કોઠારીયા કોલોનીમાં આવેલ કોટેશ્વર મહાદેવ મંદિરે કાલે તા.૧૩ને મંગળવારે મહાશિવરાત્ીર ધામધૂમથી ઉજવવામાં આવશે. જેમાં સવારે ૯ વાગ્યે ધ્વજારોહણ કરવામાં આવશે. સવારથી જ ભાવિકો દ્વારા જલાભિષેક, દુગ્ધાભિષેક, બીલીપત્ર ચડાવવામાં આવશે અને પૂજન-અર્ચન કરવામાં આવશે. તેમજ બપોરે ૧૨ વાગ્ય ભગવાન શિવજીની મહાઆરતી કરવામાં આવશે. સાથે પ્રસાદી ભાંગનું વિતરણ પણ કરવામાં આવશે. બપોરે ૩ વાગ્યે કોટેશ્વર ગ્રુપ દ્વારા શિવ રથયાત્રાનું સ્વાગત કરવામાં આવશે. તમજ સાંજે કોટેશ્વર મહિલા મંડળ દ્વારા ધૂન-ભજનની રમઝટ બોલાવવામાં આવશે. તેમજ સાંજે ૧૦૮ દીપદાન દીપમાળાની ઓમકાર મહાઆરતી કરવામાં આવશે. સાથે ભોળાનાથને શ્રૃંગાર-દર્શન રાખેલ છે. તેમજ રાત્રે ચાર પ્રહરની પુજા તથા મહાઆરતી કરવામાં આવશે. ધર્મપ્રેમી ભાવિકોને શિવરાત્રીના દર્શનનો અને મહાઆરતીનો લાભ લેવા કોટેશ્વર પરિવારના વિક્રમસિંહ જાડેજા (શિવ ઉપાસક) મહેન્દ્રસિંહ જાડેજા, બટુકસિંહ જાડેજા, પરેશભાઈ કારીયા, સંદીપભાઈ સોલંકી, ક્રિપાલસિંહ જાડેજા, શનિ જાદવ, રશ્વીન જાદવ, જયભાઈ આસોડીયા, સીધ્ધરાજસિંહ પી. જાડેજા, મીત ચાવડા, જયદીપભાઈ પરમાર, ધર્મદીપ પરમાર, મનોજભાઈ મકવાણા, અજય સોલંકી, વિશાલ ડાંગર, કુલદીપસિંહ ઝાલા, યશપાલસિંહ ઝાલા, ધર્મદીપસિંહ જાડેજા, હિતેષભાઈ સોલંકી, રૂષીરાજસિંહ જાડેજા અને છગન ભારથી બાપુ ગોસ્વામી (પુજારી)એ અનુરોધ કરેલ છે.

કાલે શિવ પુજા

રાજકોટ : ગાયત્રી શીકતપીઠ દ્વારા કાલે તા.૧૩ને મંગળવારે મહાશિવરાત્રી નિમીત્તે સવારે ૯ થી ૧૧ વાગ્યે શિવ પુજા અભિષેક તથા દીપ યજ્ઞનો કાર્યક્રમ ગાયત્રી શકિતપીઠ, ૭-વૈશાલીનગર, રેયા રોડ ખાતે રાખેલ છે. ભાવિકોને લાભ લેવા સંસ્થાએ અનુરોધ કરેલ છે તેમ એક યાદીમાં જણાવાયું છે.

કાલે પૂજા-અર્ચના-મહાપ્રસાદ

રાજકોટ : મોરબી રોડ પર આવેલ રતનપર પાસે આવેલ રામચરિત માનસ મંદિરે કાલે તા.૧૩ને મંગળવારે મહાશિવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. માનસ મંદિરના સત્સંગ સભાખંડમાં પુષ્પ રંગોળી, લાઈટ ડેકોરેશનથી શોભા વધારવામાં આવશે. ત્યારબાદ શિવજીના નામનો જયઘોષ થશે. માનસ મંદિરના અન્નપુર્ણા કક્ષમાં ઉદ્યોગપતિ રમેશભાઈ રાચ્છના સહયોગથી ઉપસ્થિત સર્વે ભાવિકો માટે ફરાળી મહાપ્રસાદનું આયોજન કરેલ છે. આ તકે સીયારામ મંડળીના કારોબારી સભ્યો સામાજીક અગ્રણીઓ, સ્વૈચ્છીક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થીત રહેશે. સર્વે ભાવિકોને મહાશિવરાત્રી મહોત્સવનો લાભ લેવા સીયારામ મંડળીએ અનુરોધ કરેલ છે.

કાલે મહાશિવારાત્રી મહોત્સવ

રાજકોટ : જંકશન પ્લોટ ખાતે શ્રી મનહરલાલજી મહારાજ સ્થાપિત સેવા સંસ્થા ગીતા વિદ્યાલય ટ્રસ્ટમાં મંદિર પરીષરમાં બિરાજતા શ્રી રામેશ્વર મહાદેવના સાનિધ્યમાં  મહાશિવરાત્રી મહોત્સવની ઉજવણીનું આયોજન કરેલ છે. જેમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા રૂદ્રાભિષેક, પૂજન અર્ચન અને શિવજીને ગંગાજળનો અભિષેક કરવામાં આવશે. તેમજ ભાંગની પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે. બપોરે ૧૨ વાગ્યે મહાઆરતી કરવામાં આવશે. શિવમંદિરમાં બિલીપત્ર, વિવિધ પુષ્પો અને ધાર્મિક ચિત્રોની દર્શનીય શોભા થશે. તેમજ સાંજે ૭:૩૦ વાગ્યે ઓમકાર આકારની ૧૦૮ દીપમાળા સાથે ભવ્ય આરતી કરવામાં આવશે. સવારે ૧૦:૩૦ થી ૧૨:૩૦ વાગ્યા સુધી અને સાંજે ૫ થી ૭ વાગ્યા સુધી મહિલા સત્સંગ મંડળના બહેનોના ભજન સત્સંગ કરવામાં આવશે. ગીતા વિદ્યાલયના બાળકો શિવ મહિમ્નનો પાઠ કરશે. તેમજ રાત્રીના ચાર પ્રહરની મહાઆરતી કરવામાં આવશે. સર્વે ભાવિકોને લાભ લેવા ગીતા વિદ્યાલય પરીવારે અનુરોધ કરેલ છે.

કાલે મહાપ્રસાદ

રાજકોટ : ભોળેશ્વર મહાદેવ મંદિર, ચુડાસમા પ્લોટ મેઈન રોડ, આમ્રપાલી ફાટક પાસે કાલે તા.૧૩ને મંગળવારે રાત્રે ૭:૩૦ થી ૯:૩૦ વાગ્યે ફરાળી મહાપ્રસાદનું આયોજન કરેલ છે. તેના દાત્તા મોહનભાઈ પીપળીયા પરીવાર, ભોળેશ્વર મહાદેવ મંદિર તથા યુવક મંડળ તરફથી નિમંત્રણ અપાયુ છે તેમ એક યાદીમાં જણાવાયું છે.

(3:58 pm IST)