Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

સવર્ણો-દલિતો વચ્ચેના લગ્નોને સમાજિક સ્વીકૃતિ

રાજકોટ જિલ્લામાં પ વર્ષમાં ૧પ૪ આંતરજ્ઞાતીય લગ્નઃ સરકારનું પ્રોત્સાહન

જયાં પ્રેમ હોય ત્યાં લેશમાત્ર ભેદ હોતો નથી. પરસ્પર અનર્ગળ પ્રેમ કરનારા યુગ્મો ભેદ ભૂલી. સુખમય જીવન માટે પોતાની કેડી કંડારતા હોય છે. એમને મન નથી કોઇ ઊંચ કે નીચ, નથી કોઇ શ્રીમંત કે ગરીબ નથી કોઇ શ્વેત કે શ્યામ, આવા લગ્ન કરનારા યુગલો સામાજિક સમરસતાના અનોખા ઉદાહરણ પાડે છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં ૧પ૪ યુગલો એવા નોંધાયા છે. જેમણે ઊંચનીચી જ્ઞાતિનો ભેદ ભૂલી લગ્ન કર્યા છે.

અસ્પૃશ્યતાને નાબૂદ કરવા તથા સામાજિક એકતાના સંવર્ધન માટે રાજય સરકાર દ્વારા ચલાવવામાં આવતી ડો. સવિતાબાઇ આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન પ્રોત્સાહક યોજનાનું સામાજિક અન્વેષણ કરવું યોગ્ય ગણાશે. જેમાં સવર્ણ સમાજના યુવક-યુવતી અનુસુચિત જાતિના યુવક-યુવતી સાથે લગ્ન કરે તો તેમને રૂ. પ૦ હજારની આર્થિક સહાય પ્રોત્સાહનરૂપે પૂરી પાડવામાં આવે છે.

રાજકોટ જિલ્લાની વાત કરીએ તો ઉકત યોજના હેઠળ વર્ષ ર૦૧૩-૧૪માં ૩ર, ર૦૧૪-૧પમાં ૩૭, ર૦૧પ-૧૬માં ૩૧, ર૦૧૬-૧૭માં રપ અને ર૦૧૭-૧૮માં ર૯ મળી કુલ ૧પ૪ યુગલોને રૂ. પ૦ હજારની સહાય જિલ્લા પછાત વર્ગ કલ્યાણ અધિકારીની કચેરી મારફત પૂરી પાડવામાં આવી છે.

પોતાના સહકર્મી સાથે પ્રેમલગ્ન કરનાર એક યુવતી કહે છે કે જયારે તમે સભ્ય સમાજમાં રહેતા હો ત્યારે તમામ લોકો સમાન છે. હવેનો યુગ એવો છે કે ઉંચ-નીચ જાતિની યુગો જુની માન્યતાને તિલાંજલી આપવી પડશે. તો જ સામાજિક વિષમતાની બદીઓ દૂર થશે. આ કામ યુવાનો સારી રીતે કરી રહ્યા છે. અમારા જેવા યુગલો માટે વેલેન્ટાઇન ડે ૩૬પ દિવસ હોય છે.

આવા જ લગ્ન કરનાર એક યુવક કહે છે. હવે નવી સામાજિક વ્યવસ્થા અમલમાં આવી રહી છે. કેટલાક વર્ષો પૂર્વે આંતરજ્ઞાતીય લગ્ન થતાં તો સમાજમાં હોબાળો મચી જતો હતો. સમાજિક બહિષ્કાર પણ થતો, પરંતુ ધીમે ધીમે લોકોની વિચારસરણી અને દ્રષ્ટિકોણ બદલાવા લાગ્યો છે. આંતરજ્ઞાતિય લન કરનારા યુગલોને સમાજ સ્વીકારવા લાગ્યો છે. જે નવા ભારતના નિર્માણના આરંભ સમાન છે.

નૂતન સામાજિક ચીલો ચાતરનારા આવા યુગલોને રૂ. પ૦ હજારની સહાય એમના માટે નવું ઘર શરૂ કરવામાં ઘણી મદદરૂપ થાય છે. રાજય સરકારની આવી પ્રોત્સાહક સહાયના કારણે આજે અનેક યુગલોના ઘર સારી રીતે વસી ગયા છે.

-દર્શન ત્રિવેદી

મો. ૯૯રપ૪ ૯૩૮૯૪,

માહિતી બ્યુરો, રાજકોટ.

(3:46 pm IST)