Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

કાલે શિવ શોભાયાત્રાઃ શિવતાંડવઃ તોપથી ફુલોનો વરસાદ થશે

રાજકોટ દશનામ ગૌસ્વામી સમાજ દ્વારા આયોજનઃ વિવિધ સંસ્થાઓ દ્વારા થશે સ્વાગત : બરફના શિવલીંગ દર્શનઃ ૧૧ દિકરીઓના હસ્તે શોભાયાત્રાનો પ્રારંભઃ મહાઆરતી- મહાપ્રસાદનું પણ આયોજન

રાજકોટ, તા. ૧૨ : આવતીકાલે મહાપર્વ શિવરાત્રી છે. આ અંતર્ગત દશનામ ગોસ્વામી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ શિવ શોભાયાત્રામાં શિવતાંડવ નૃત્ય સાથે શિવજી ઉપર તોપથી ફુલોનો વરસાદ આકર્ષણ જમાવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સેંકડોની સંખ્યામાં શિવભકતો ઉમટી પડશે. કાલે બપોરે ૨ કલાકે ગોંડલ રોડ ઉપર આવેલ શ્રી નાગેશ્વર મહાદેવના મંદિરેથી શોભાયાત્રાનો પ્રારંભ થશે. જે મવડી ખાતે સમાપન થશે. શોભાયાત્રા બાદ મહાઆરતી સાથે મહાપ્રસાદ (ફરાળ)નું પણ આયોજન કરવામાં આવેલ છે.

આવતીકાલે તા.૧૩ના મંગળવારે દશનામ ગોસ્વામી સમાજ - રાજકોટ દ્વારા આયોજીત શિવ શોભાયાત્રામાં શહેરના મુખ્ય માર્ગો ઉપર બમ... બમ... ભોલેના નાદ સાથે ફરી વળશે. શિવ શોભાયાત્રા સમાજની ૧૧ દિકરીઓના હસ્તે પ્રસ્થાન કરવવામાં આવશે.

રૂટ દરમિયાન શિવ તાંડવ રજૂ થશે. તોપ દ્વારા ફૂલોનો વરસાદ કરવામાં આવશે. આ શિવરાત્રીના દિવસે સમગ્ર રાજકોટ શિવમય બની જશે. દશનામ ગોસ્વામી સમાજના ગુજરાતી ફિલ્મ સુપરસ્ટાર દેવપુરી (દેવપગલી) ગોસ્વામી આવી રહ્યા છે. આ શિવ શોભાયાત્રામાં જુદી - જુદી સંસ્થાઓ જુદા - જુદા સામાજીક આગેવાનો જુદી - જુદી જગ્યાએથી શોભાયાત્રાનું સ્વાગત કરશે. આ શોભાયાત્રાનો મુખ્ય રથ બરફની શિવલીંગનો હશે. શિવ શોભાયાત્રાનો નાગેશ્વર મહાદેવ મંદિરથી શરૂ થઈ ચારભુજા મારબલની બાજુમાં ગોંડલ રોડથી પ્રસ્થાન થઈને પી. ડી. એમ. કોલેજ થઈને સ્વામીનારાયણ ચોક થઈને આનંદ બંગલા ચોક થઈને મવડી મેઈન રોડ, મવડી ચોક, બાપાસીતારામ ચોક, બી. ડી. કામદાર કવાર્ટરમાં સમાપન કરવામાં આવશે. સમાપન બાદ મહાઆરતી કરવામાં આવશે. ત્યારબાદ મહાપ્રસાદ મહા ફરાળનું આયોજન કરવામાં આવ્યુ છે.

આયોજનમાં જયેન્દ્રગીરી બાપુ (જંગલેશ્વર મહાદેવ), રાધેશ્યામ બાપુ (રતનપરા પંચદેવી મંદિર), દરેશગીરી બાપુ (માનેશ્વર મહાદેવ), વનરાજગીરી બાપુ (રામેશ્વર મહાદેવ), પ્રભાતગીરી બાપુ (ખોડીયાર નગર), પ્રકાશપરી બાપુ (નાગેશ્વર મહાદેવ - ગોંડલ રોડ), મુકેશગીરી બાપુ (રામેશ્વર મહાદેવ - પુનિતનગર), ગીરીબાપુ શિવમ મોટર્સ), ભાવેશપરી (સિદ્ધેશ્વર મહાદેવ), મયુરગીરી (લાખેશ્વર કાલભૈરવ મંદિર), દોલતપુરી અર્જુનપુરી ગોસ્વામી, હિરેનપરી ગોસ્વામી (નંદેશ્વર મહાદેવ), રાજેશગીરી ઈશ્વરગીરી ગોસ્વામી, વિજયપરી ગોસ્વામી, હિરેનગીરી ગોસ્વામી, વિશાલગીરી ગોસ્વામી, સંજયગીરી જયરામગીરી ગોસ્વામી, ચંદ્રેશપરી અશ્વિનપરી ગોસ્વામી, રાજેશપરી મુળગીરી ગોસ્વામી, હસમુખગીરી ગોપાલગીરી ગોસ્વામી, વિશાલગીરી નવીનગીરી ગોસ્વામી, વિજયપરી ભરતપરી ગોસ્વામી, હસમુખગીરી નટવરગીરી ગોસ્વામી જોડાયા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(2:33 pm IST)