Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

મધ્યાહન ભોજન કેન્દ્રોમાં હવે બપોર બાદ બાળકોને ચણાચાટ-સુખડી-મુઠીયા-મીકસ કઠોળનો પણ નાસ્તો શરૂ

રાજકોટ જીલ્લાના ૯૦૦માંથી પ૦૦ કેન્દ્રો આવરી લેવાયાઃ અમુક સંચાલકો આડા ફાટયા...દેકારો...

રાજકોટ તા. ૧રઃ રાજય સરકારની લેખીત સૂચના બાદ રાજકોટ જીલ્લાના ૯૦૦ મધ્યાહન ભોજન કેન્દ્રોમાં બપોરે ૪ વાગ્યે બાળકોને નાસ્તો દેવાનું શરૂ કરાયું છે.

મધ્યાહન ભોજન કેન્દ્રોના ડે. કલેકટર શ્રી એમ. કે. પટેલે ર દિ' પહેલા તમામ સંચાલકોની મીટીંગ બોલાવી સરકારની લેખીત સુચનાની જાણ કરી દેવાઇ હતી, તેમના નિર્દેશ મુજબ રાજકોટ તાલુકાના તમામ સહિત જીલ્લાના પ૦૦ આસપાસ કેન્દ્રોમાં બાળકોને બપોરના ૪ વાગ્યાનો નાસ્તો દેવાનું શરૂ કરાયું છે. કુલ ૯૦૦ કેન્દ્ર છે, આ મહીનાના અંત સુધીમાં બધું આવરી લેવાશે.

તેમણે ઉમેરેલ કે પહેલા સ્ટોક નહોતો, હવે ભોજન-નાસ્તાનો પૂરતો સ્ટોક આવી ગયો છે, બાળકોને ર૦ ગ્રામ ચણાચાટ, પ૦ ગ્રામ સુખડી, ૭૦ ગ્રામ મુઠીયા અને પ૦ ગ્રામ મીકસ કઠોળ અપાશે.

દરમિયાન વધારાના નાસ્તાની સુચના આપતા જીલ્લાના અમુક સંચાલકો આડા ફાટયા છે, અને વધારે પૈસા માંી રહ્યા છે, કુલ ૯૦૦ કેન્દ્રોમાં ૧ લાખ વિદ્યાર્થીઓને ભોજન-નાસ્તો અપાઇ રહ્યો છે, તંત્ર આડા ફાટેલા સંચાલકો સામે કડક પગલા ભરવાના મૂડમાં હોવાનું જાણવા મળે છે.

(4:20 pm IST)