Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

વિવાદી બાંધકામના ચૂકવણા માટેના ઠરાવને રોકતી સરકાર, ડી.ડી.ઓ.-પંચાયત પ્રમુખને નોટીસઃ 'સુપરસીડ'નો મુદ્દો બનશે ?

સામાન્ય સભામાં પ્રમુખ સ્થાનેથી કરાયેલ ઠરાવથી નવો વિવાદઃ મંગળવારે વિકાસ કમિશનરનું તેડુઃ જિલ્લા પંચાયતમાં ખળભળાટ

રાજકોટ, તા. ૧૨ :. જિલ્લા પંચાયત કચેરીના નવીનીકરણ વખતે પુરતી વહીવટી પ્રક્રિયા વગર વધારાનું બાંધકામ કરી વધારાની સુવિધા ઉમેરી રૂ. ૯૦,૯૭,૩૭૩ ચૂકવવાની તજવીજના વિવાદમાં નવો વળાંક આવ્યો છે. સામાન્ય સભામાં પ્રમુખ સ્થાનેથી પ્રમુખ નિલેષ વિરાણીએ કોન્ટ્રાકટરને ચૂકવણુ કરી દેવા કરેલ ઠરાવને અસહમતી સાથે જિલ્લા વિકાસ અધિકારી જી.ટી. પંડયાને સરકારને મોકલતા વિકાસ કમિશનર મનોજ અગ્રવાલે પ્રકરણની ગંભીરતા સમજી ઠરાવના અમલીકરણ (ચૂકવણા) પર બ્રેક લગાવી છે. વિવાદી એકસ્ટ્રા અને એકસેસ આઈટમનું ચુકવણુ હજુ થયુ નથી, ત્યાં ઠરાવ બાબતે નવો વિવાદ શરૂ થયો છે. વિકાસ કમિશનરે ડી.ડી.ઓ. અને પંચાયત પ્રમુખને તા. ૧૬મીએ ગાંધીનગર બોલાવી નોટીસનો જવાબ રજુ કરવા આદેશ આપતા પંચાયતમાં ખળભળાટ મચી ગયો છે. વિકાસ કમિશનરે ફટકારેલી નોટીસના કેટલાક શબ્દો સૂચક માનવામાં આવે છે. ભવિષ્યમાં સરકાર 'રાજકીય' મોકો જોઈ સામાન્ય સભાના આ ઠરાવને પંચાયત સુપરસીડ અથવા જવાબદાર પદાધિકારી સામે આકરા પગલાનો મુદ્દો બનાવે તો નવાઈ નહિ તેમ પંચાયતના વર્તુળોનું માનવુ છે.

વિકાસ કમિશનરે નોટીસમાં એવું નોંધ્યુ છે કે તા. ૧૨ ઓકટોબર ૨૦૧૭ના સામાન્ય સભાના ઠરાવ નં. ૬૫માં રીનોવેશન વખતના કામમાં એકસ્ટ્રા-એકસેસ આઈટમનો ટેન્ડરમાં સમાવેશ ન હોવા છતા તેનો ખર્ચ અંદાજે રૂ. ૯૦,૯૭,૩૭૩ સ્વભંડોળમાંથી કોન્ટ્રાકટરને ૭ દિવસમાં ચૂકવવા આગ્રહ રાખી તે અંગે સભામાં પ્રમુખ સ્થાનેથી મુકેલ ઠરાવ સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ. ડી.ડી.ઓ.એ આ પ્રકરણમાં નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરાશે તેમ જણાવી ૭ દિવસમાં ચુકવણુ કરવા અંગેના ઠરાવ સાથે પોતે સહમત નથી તેવા મતલબની નોંધ સાથે ઠરાવને પ્રતિષેધ (નામંજુર) કરવા દરખાસ્ત કરેલ તેના આધારે સદરહુ ઠરાવની અમલવારી મોકુફ રાખવા આદેશ આપવામાં આવેલ છે. આ અંગેની વધુ સુનાવણી તા. ૧૬ જાન્યુઆરીએ વિકાસ કમિશનર સમક્ષ રાખવામાં આવી છે.

(4:18 pm IST)