Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

પેટા ચૂંટણી દેખાણી

''અમે કર્યુ'' ''અમે કર્યુ'' : અર્જૂન પાર્કમાં ડામર રોડનો જશ ખાટવા ભાજપ-કોંગ્રેસ બંનેનો દાવો

રાજકોટ : મ્યુ. કોર્પોરેશન તંત્રથી નૈતિક ફરજમાં આવતાં રોડ-રસ્તાથી સુવિધા પ્રજાનાં પૈસામાંથી આપવામાં આવે છે. છતાં પ્રસિદ્ધિનો જશ ખાટવા શાસક અને વિપક્ષ બન્નેમાં હોડ લાગી હોય તેમ વોર્ડ નં. ૪નાં શિવમ્ પાર્કમાં ડામર-રોડનાં ખાતમુહૂર્ત કરવાનો દાવો ભાજપ અને કોંગ્રેસનાં પદાધિકારીઓએ કરતાં વિવાદનાં વમળો સર્જાયા છે.

શહેર કોંગ્રેસનાં પ્રમુખ મહેશ રાજપૂતે દાવો કર્યો છે કે શહેરના મોરબી રોડ ઉપર વોર્ડ નં. ૪માં શિવમ અર્જુનપાર્કમાં કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂતના હસ્તે ડામર રસ્તાનું ખાતમુર્હૂત કરાયું હતું. લોકોની વર્ષે જુની માંગણીને સ્વીકારી કોંગ્રેસના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી ડામર રસ્તો મંજુર થયો હતો અને ટુંકાગાળામાં ડામર રસ્તાનું ખાતમુર્હૂત થયું છે.

શિવમ અર્જુન પાર્કમાં વર્ષોથી કાચા રસ્તાને કારણે લોકો હેરાન પરેશાન ત્રાહીમામ પોકારી ઉઠયા હતા. સ્થાનિક લોકોએ કોંગ્રેસના નગર સેવકોની ડામર રસ્તાની માંગણી રજૂ કરી હતી. સ્વ. કોંગ્રેસના કોર્પોરેટર પ્રભારત ડાંગરે પણ આ ડામર રસ્તા અંગે ભારે જહેમત ઉઠાવી હતી. સાથોસાથ કોંગ્રેસના નગરસેવકો સીમીબેન જાદવ, રેખાબેન ગજેરા તેમજ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂતની કોર્પોરેશનમાં ધારદાર રજુઆત અને માંગણી અધિકારીઓ સમક્ષ મુકી હતી. પરિણામે ડામર રસ્તાનું કામ મંજુર થયું હતું.

દરમિયાન કોર્પોરેશનમાં ઉચ્ચ અધિકારીઓએ કોંગ્રેસની માંગણી વ્યાજબી હોવાનું સ્વીકારી ૮૦/ર૦ન ધોરણે સ્કીમની અમલવારી કરી લોકભાગીદારી હેઠળ ડામર રસ્તાનું કમ મંજુર કરાયું હતું. ડામર રસ્તાનું ખાતમુર્હૂત કોંગ્રેસ પ્રમુખ હસ્તે કરયું હતું. ડામર રસ્તાનું કામ શરૂ થતા લોકોમાં હર્ષની લાગણી ફરી વળી છે અને કોંગ્રેસની કામગીરી પર અભિનંદનની વર્ષા થઇ રહી છે. ડામર રસ્તામાં ખાતમુર્હૂતમાં ઠાકરશીભાઇ ગજેરા, દિલીપભાઇ મુંગરા, રાજુભાઇ ચાવડા, અનીલ જાદવ, ધીરૂભાઇ વેકરીયા, કમલેશભાઇ, અલ્પેશભાઇ ટોપીયા, કાનજીભાઇ ઠુંમર, મૌલીક પરસાણા સહિતના આગેવાનો-કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં. જે તસ્વીરમાં દર્શાય છે.

જયારે મેયર ડો. જૈમન ઉપાધ્યાયે એવો દાવો કર્યો છે કે વોર્ડ નં. ૪ માં આવેલ શિવમ-અર્જુન પાર્કમાં પેવરકામ કરવા વિસ્તારના રહેવાસીઓએ માંગણી કરેલ. આ સોસાયટીના રસ્તાઓ પર થાય તે માટે વોર્ડના કોર્પોરેટરશ્રી અશ્વિનભાઇ મોલીયાએ ખુબ જ પ્રયત્ન કરેલ હતો. જેના અનુસંધાને શિવમ-અર્જુન પાર્કમાં પેવરકામ મેયર ડો. જૈમન ઉપાધ્યાય, કોર્પોરેટર અશ્વિનભાઇ મોલીયા અને મુકેશભાઇ રાદડિયા હસ્તે શુભારભ કરવામાં આવેલ.

આ અવસરે વોર્ડ પ્રમુખ સંજયભાઇ ગોસ્વામી, મહામંત્રી કાનાભાઇ ડંડૈયા, સી.ટી. પટેલ, ભાજપ અગ્રણી દેવદાનભાઇ કુગશીયા, પરેશભાઇ પીપળીયા, ચંદુભાઇ ભંડેરી, મહેશભાઇ મિયાત્રા, જેન્તીભાઇ ધાધલ, વિજયભાઇ વોરીયા, વિપુલભાઇ બોરીચા, રમેશભાઇ રાદડિયા, રજનીભાઇ પટોડીયા, અતુલભાઇ વરસાણી, પ્રવીણભાઇ વસાણી, અરવિંદભાઇ ડાંગર, લલીતભાઇ ડોડીયા તથા વિસ્તારના ભાઇઓ તથા બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા. જે તસ્વીરમાં દર્શાય છે.

(4:08 pm IST)