Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

ચલ મન જીતવા જઈએ... માણવાલાયક ગુજરાતી ફિલ્મ

મુંબઈ, સુરતના સિનેમાઘરોમાં ફિલ્મ ધૂમ મચાવી રહી છે : મારધાડ કે લવસ્ટોરીવાળી ફિલ્મ નથી : ફિલ્મના દિગ્દર્શક - લેખક દિપેશ શાહ કહે છે કે ગુજરાતી ફિલ્મો એક જ પ્રકારની બનશે તો લોકો કંટાળશે, કથા વિષય ઉપર ધ્યાન આપવુ ખૂબ જરૂરી : ચલ મન...ની સિકવલ પણ બનાવીશું

રાજકોટ, તા. ૧૨ : દર્શકોને કંઈક નવું આપશો તો જ તેઓને ફિલ્મ ગમશે. એક જ પ્રકારની ફિલ્મો બનશે તો લોકો કંટાળી જશે. ગુજરાતના માનવીને સ્પર્શતી ફિલ્મો બનશે તો ફરી ગુજરાતી ફિલ્મોનો યુગ આવશે. તેમ મોટાગજાના ગુજરાતી ફિલ્મના દિગ્દર્શક કમ એકટર, કમ લેખક શ્રી દિપેશ શાહે જણાવ્યુ હતું.

ગુજરાતી ફિલ્મના ડિરેકટર - લેખક શ્રી દિપેશ શાહ આજે ''અકિલા'' કાર્યાલયની મુલાકાતે આવેલા. તેઓએ તેમના ફિલ્મ વિશે વાતો કહી હતી. તેમણે જણાવેલ કે મારી ગુજરાતી ફિલ્મ ''ચલ મન જીતવા જઈએ''એ ગુજરાત, મુંબઈ અને પુનામાં રિલીઝ થઈ ચૂકી છે. હૈદ્રાબાદમાં પણ ટુંક સમયમાં રિલીઝ થનાર છે. મુંબઈમાં પ્રથમ દિવસે ૧૪ સિનેમા ગૃહમાં ૨૨ શો હતા. જે આજે માત્ર ૧૫ દિવસના ગાળામાં ૫૮ થિયેટરોમાં ૯૪ શોની અદ્દભૂત સફર કરી રહી છે.

એવું શું છે આ પિકચરમાં? એવી કઈ અજબ ગજબની કથા છે? મારધાડ છે?... ના ! બિલકુલ નહિં, પ્રેમ કથા છે? ના ! ગીતો છે?... ના (એક ગીત ટાઈટલ વખતે વાગે છે, ફિલ્મમાં નહિં) તો એવું શું છે કે જેણે મુંબઈમાં લોકોને ગાંડા કરી દીધા છે કે થિયેટરમાં ટીકીટ પણ મળતી નથી?

આ ફિલ્મ તમારા મનના ઉંડાણ સુધી પહોંચે છે. માત્ર મનને રંજન કરનારૂ નહિં, પણ મનને શાંતિ આપી, મનને મજબૂત કરનારૂ મનના રોગોને દૂર કરનારૂ, જોતી વખતે તમને તમારા મન સાથે સંવાદ કરાવી આપનારી ફિલ્મ છે. એ પણ પાછુ તેમને આંખનું મટકુ મારવાનુ પણ મન ના થાય એ હદે જકડી રાખે છે. આ ફિલ્મ જોયા બાદ લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે મનોરંજન આ પ્રકારનું પણ હોઈ શકે? અને આ વાત અમે કહીએ છીએ એવું નથી ફિલ્મ જોનારા લોકોનું પણ આજ કહેવું છે.

શ્રી શાહે વધુમાં જણાવેલ કે  જમનાદાસ મજેઠિયા (ગુજરાતી સીરીયલના જાણીતા એકટર અને પોડયુસર) ગુજરાતી ભાષાનું નશીબ છે કે આ ફિલ્મ ગુજરાતીમાં બની છે. આ હિન્દુસ્તાનમાં જ નહિ દુનિયાની દરેક ભાષામાં બનવી જોઇએ એવી ફિલ્મ છે. કારણ કે આમા જે પોબ્લેમની વાત છે એ દુનિયાના દરેક દેશમાં થાય છે અને તેની સામે કેવી રીતે લડવુ, ઉભા થવુ અને કેવી રીતે જીતવુ એ આ ફિલ્મમાં શીખવા મળે છે. અદ્દભૂત પિકચર ! કોઈપણ દેશમાં જાય તો એવોર્ડ જીતીને આવશે.

સરીતા જોષી (ગુજરાતી નાટકના અને સિરીયલના જાણીતા અભિનેત્રી) આ ફિલ્મ સોસાયટીના દરેક વ્યકિતએ જોવાની ખૂબ જ જરૂર છે. વડીલોની આમાન્યા, પરિવાર પ્રત્યે લાગણીઓ, ફરજો ને અદા કરતા શીખવાડે છે ચલ મન જીતવા જઈએ.

આ ફિલ્મમાં હાલ સબ ટીવી પર ધૂમ મચાવી રહેલ સિરીયલ 'તેનાલી રામા'માં મુખ્ય પાત્ર ભજવી રહેલા ક્રિષ્ના ભારદ્વાજ લીડ રોલ કરી રહ્યા છે. આ સહિત કુલ ૧૧ કલાકારોનો લીડ રોલ છે. બે કલાક અને ત્રણ મિનિટની આ ફિલ્મનું શુટીંગ ૮૦ ટકા એક રૂમમાં જ થયુ છે. આગામી વર્ષના અંતમા આ ફિલ્મની સિકવલ બનાવવાની પણ યોજના હોવાનું શ્રી દિપેશએ જણાવ્યુ હતું.

તસ્વીરમાં 'ચલ મન જીતવા જઈએ'ના લેખક - દિગ્દર્શક દિપેશ શાહ સાથે પરેશ ખત્રી અને જીજ્ઞેશ કોઠારી નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૧૭)

(3:52 pm IST)