Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

સોૈરાષ્ટ્ર કલા કેન્દ્રમાં નિવૃત પ્રોફેસરના બંધ મકાનમાંથી ૨૧ હજારની ચોરી

રસિકભાઇ માંડવીયા મુંબઇ હોઇ રેઢા મકાનમાં તસ્કરો ત્રાટકયા

રાજકોટ તા. ૧૨: સોૈરાષ્ટ્ર કલા કેન્દ્ર શેરી નં. ૨માં આવેલા નિવૃત પ્રોફેસરના બંધ મકાનના તાળા તોડી તસ્કરો રૂ. ૨૧ હજારની માલમત્તા ચોરી ગયા છે.

જાણવા મળ્યા મુજબ પોલિટેકનીક કોલેજના નિવૃત પ્રોફેસર રસિકભાઇ માંડવીયા મુંબઇ પુત્ર હેમંતભાઇ સાથે રહે છે. તેમનું સોરાષ્ટ્ર કલા કેન્દ્રનું મકાન મોટે ભાગે બંધ જ રહે છે. તેઓ બે-ત્રણ મહિને એકાદ વખત રાજકોટ આવે છે. આ મકાન બંધ હોઇ ત્યારે પણ એક સફાઇ કામદાર બહેન ફળીયુ વાળવા આવે છે. તેમણે ઘરની બારી ખુલ્લી જોતાં રસિકભાઇને જાણ કરી હતી. રસિકભાઇએ રાજકોટ વિમલનગર-૨માં રહેતાં વેવાઇ વિજયભાઇ શાંતિલાલ ધોળકીયા (ઉ.૫૪)ને જાણ કરતાં તેમણે તપાસ કરતાં ઘરમાંથી કબાટમાં રાખેલો સોની કંપનીનો કેમેરો રૂ. ૫ હજારનો, ૧૦ હજારની બે ઘડીયાળો, બીજી એક ૩ હજારની ઘડીયાળ તથા નીકોન કંપનીનો કેમેરો રૂ. ૩૦૦૦નો મળી કુલ ૨૧ હજારની ચોરી થયાનું જણાતાં     ગાંધીગ્રામમાં જાણ કરતાં પી.એસ.આઇ. એન. એમ. સોલંકીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(12:44 pm IST)