Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

રતનપરમાં સાડી પ્રિન્ટીંગની ફેકટરીમાં ભીષણ આગ ભભૂકીઃ કરોડોનું નુકસાન

રજનીકાંતભાઇ પરમારની માલિકીઃ વહેલી સવારે શોર્ટ સરકિટથી આગ ભભૂકયાનું તારણઃ દોઢેક કલાક પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવાઇ

રાજકોટ તા. ૧૨: મોરબી રોડ પર આવેલા રતનપરમાં સાડી પ્રિન્ટીંગની ફેકટરીમાં વહેલી સવારે ભિષણ આગ ભભૂકતાં કરોડોનું નુકસાન થયાનું માલિક જણાવે છે. રાજકોટ ફાયર બ્રિગેડના સ્ટાફે દોઢેક કલાક પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી.

જાણવા મળ્યા મુજબ સવારે ચારેક વાગ્યે રતનપરમાં આવેલી મુરલીધર પ્રિન્ટર્સ પ્રા. લિ. નામની સાડીની ફેકટરીમાં આગ લાગ્યાની જાણ સિકયુરીટીમેન રાજકુમારભાઇએ કરતાં માલિક રજનીકાંત પરમાર સહિતના દોડી ગયા હતાં. રાજકોટથી ફાયર બ્રિગેડની બે ગાડીઓ દોડી હતી. જવાનોએ દોઢથી બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઇ લીધી હતી.

આગથી તૈયાર તેમજ કાચા માલનો મોટો જથ્થો, સમગ્ર પ્રિન્ટીંગ વિભાગ, સ્ટોરમાં રાખેલો તૈયાર-કાચો માલ, સાડીઓના કાપડના મોટા તાંકાનો જથ્થો સહિત ખાક થઇ ગયાનું અને આ કારણે ચારેક કરોડનું નુકસાન થયાનું રજનીકાંતભાઇ પરમારે ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું છે.

(12:39 pm IST)