Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

વ્યાજખોરોથી ત્રાસી દલિત યુવાને હોસ્પિટલ ચોકમાં ડો. બાબાસાહેબની પ્રતિમા પાસે ફિનાઇલ ગટગટાવ્યું

૧૦ ટકે લીધેલા ૫ હજારના ૬ હજાર ચુકવ્યા છતાં પેનલ્ટીના ૨ હજાર માંગી ધમકી આપી મારકુટ થતી'તીઃ એ-ડિવીઝન પોલીસે એસ.ટી. વર્કશોપ પાસેના આંબેડકરનગરમાં રહેતાં બાબુ ભરવાડ અને ગોવિંદ ભરવાડ સામે ધમકી-મનીલેન્ડ અને એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૨: વ્યાજખોરો ફાટીને ધૂમાડે ગયા છે. પરમ દિવસે જ સિંધી યુવાને પોલીસ કમિશ્નર કચેરીમાં ઝેર પી લેતાં મોત નિપજ્યું હતું. પોલીસ કમિશ્નરે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવવા પણ અપિલ કરી હતી. ત્યાં વધુ એક વ્યાજખોરીનો કિસ્સો સામે આવ્યો છે. ગોંડલ રોડ એસ.ટી. વર્કશોપ પાછળ આંબેડકરનગર-૮માં રહેતાં અને કારખાનામાં મજૂરી કરતાં ચિરાગ પ્રવિણભાઇ સોલંકી (ઉ.૨૦) નામના દલિત યુવાને બે ભરવાડ શખ્સો વ્યાજ માટે ધમકાવતાં હોઇ અને મારકુટ કરતાં હોઇ કંટાળી જઇ સિવિલ હોસ્પિટલ ચોકમાં ડો. બાબાસાહેબની પ્રતિમા પાસે ફિનાઇલ પી લેતાં હોસ્પિટલમાં દાખલ થયો છે. પોલીસે ધમકી, મનીલેન્ડ એકટ, એટ્રોસીટીની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

ચિરાગ સોલંકીએ સાંજે સાડા આઠેક વાગ્યે ફિનાઇલ પી લેતાં લોકો ભેગા થઇ ગયા હતાં અને તેને હોસ્પિટલે ખસેડ્યો હતો. એ-ડિવીઝન પોલીસે એસીપી બી.બી. રાઠોડની રાહબરી હેઠળ ચિરાગનું નિવેદન નોંધી તેની ફરિયાદ પરથી ચિરાગના પડોશમાં જ મેલડી માતાજીના મંદિર પાસે રહેતાં બાબુ ભરવાડ અને તેના ભાઇ ગોવિંદ ભરવાડ સામે આઇપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, મનીલેન્ડ એકટ ૪૨-બી, ૪૦ તથા એટ્રોસીટી એકટની કલમ  ૩ (૧) આર, એસ ૩ (૨) (પ એ) મુજબ ગુનો નોંધ્યો છે.

ચિરાગના કહેવા મુજબ હું ટ્રેકટરના હાઇડ્રોલીક જેક બનાવવાના કારખાનામાં કામ કરુ છું. ચારેક મહિના પહેલા હું  મિત્રનું વાહન લઇને જતો હોઇ અકસ્માતમાં વાહનમાં નુકસાન થતાં તેના રિપેરીંગના ખર્ચ માટે બાબુ ભરવાડ (ટોયટા) પાસેથી રૂ. ૫ હજાર ૧૦ ટકાના દરે વ્યાજે લીધા હતાં. જેનું દર મહિને રૂ. ૫૦૦ વ્યાજ ચુકવવાનું હતું. મેં પહેલા મહિને રૂ. ૫૦૦ અને ત્યારબાદ ૩૦૦૦ તથા બીજી વખત ૨૦૦૦ આપ્યા હતાં. આમ તેની બધી રકમ ચુકવાઇ ગઇ હતી. આમ છતાં બાબુભાઇ અને ગોવિંદભાઇ હજુ ૧૦ ટકા લેખે ૨૦૦૦ અને પેનલ્ટીના ૬૦૦ આપવા પડશે તેમ કહી વારંવાર ઉઘરાણી કરી બળજબરીથી પૈસા કઢાવવા ધમકી આપતાં હતાં. ૧૦મીએ રાત્રે નવેક વાગ્યે હું આંબેડકરનગર રાવણ ચોકમાં નીકળ્યો ત્યારે પણ બાબુએ અટકાવી પૈસા વ્યાજની માંગણી કરી હતી. જેથી મેં કહેલ કે વ્યાજ સહિત ચુકવી તો દીધા છે...આ  સાંભળી બાબુના ભાઇ ગોવિંદ પણ આવી ગયો હતો અને બંનેએ મળી મારકુટ કરી હતી.  તેમજ જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી ધમકી આપી હતી. મારની સારવાર સિવિલ હોસ્પિટલમાં લીધી હતી. બાદમાં હું હોસ્પિટલ ચોક ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે જ રોકાઇ ગયો હતો. ઘરે પણ માથાકુટને કારણે જઇ શકતો ન હોઇ ગુરૂવારે રાત્રે ફિનાઇલ પી લીધી હતી.

પોલીસે ઉપરોકત ગુનામાં સામેલ બંને ભરવાડ ભાઇઓની શોધખોળ આદરી છે.

(11:56 am IST)