Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

ફી પ્રશ્ને વાલી મંડળના બંધનો ફીયાસ્કોઃ શિક્ષણકાર્ય યથાવત

બરોડા, અમદાવાદમાં કેટલીક સ્કૂલોમાં શિક્ષણ બંધ રહ્યું: સૌરાષ્ટ્રમાં મહદઅંશે શાળાઓ ચાલુ રહીઃ પોલીસનું પેટ્રોલીંગ

રાજકોટઃ. ફી નિયમનના કડક અમલની માંગ સાથે આજે ગુજરાત વાલી મંડળ દ્વારા શાળા બંધનું એલાન આપવામાં આવ્યુ હતું. જેનો ફીયાસ્કો થયો છે. પ્રસ્તુત તસ્વીરમાં રાજકોટની શાળાઓમાં રાબેતા મુજબનું શિક્ષણ કાર્ય ચાલુ હતુ (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા. ૧૨ :. ગુજરાત સરકારે બનાવેલા ફી અધિનિયમ કાયદાનો કડક અમલ કરાવવાની માંગ સાથે ગુજરાત વાલી મંડળ દ્વારા રાજ્યવ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યુ હતું. જેનો રાજકોટ અને સૌરાષ્ટ્રમાં સજ્જડ ફિયાસ્કો થયો છે.

વાલી મંડળ દ્વારા ખાનગી શાળાઓ દ્વારા લેવામાં આવતી તોતીંગ ફી પ્રશ્ને તબક્કાવાર આંદોલન ચલાવવામાં આવી રહ્યુ છે. રાજ્ય સરકાર દ્વારા ફી નિયમનની અમલવારી કરવામાં દંભી નીતિ અપનાવવાનો વાલી મંડળ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ફી વિધેયકને ગુજરાત હાઈકોર્ટે પણ માન્ય ગણ્યો છે ત્યારે રાજ્ય સરકારની નીતિ સામે વાલીઓ રોષે ભરાયા છે. શાળા બંધનું એલાન આપી વિરોધ દર્શાવવા તમામ વાલીઓના સંગઠનોએ બંધનું એલાન આપ્યુ હતું.

આજે શાળા બંધના એલાનમાં સવારથી વિદ્યાર્થીઓની ચહલપહલ રાજમાર્ગો ઉપર તેમજ શાળાઓમાં જોવા મળી હતી. સૌરાષ્ટ્રભરમાં શાળા બંધના એલાનનો ફીયાસ્કો થયો હોય તેમ રાબેતા મુજબનું શિક્ષણકાર્ય ચાલુ જ રહ્યુ હતું. મોટા ભાગની શાળાઓમાં ૮૦ થી ૯૮ ટકા હાજરી નોંધાઈ હતી.

રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, પોરબંદર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, ભાવનગર સહિતના જિલ્લાઓમાં શિક્ષણકાર્ય નિત્યક્રમે રાબેતા મુજબ ચાલુ રહ્યુ હતું.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વાલી મંડળના આગેવાનો સંકલનના અભાવે અને સંખ્યા બળને કારણે બંધ કરાવવામાં નિષ્ફળ રહ્યાનું ચિત્ર ઉપસ્યુ છે. વડોદરા અને અમદાવાદમાં કેટલીક સ્કૂલોએ સજ્જડ બંધ પાળ્યો હતો.

રાજકોટની મોદી સ્કૂલ, ધોળકીયા સ્કૂલ, પાઠક સ્કૂલ, ક્રિષ્ના સ્કૂલ, એસઓએસ સ્કૂલ, આત્મીય સ્કૂલ, તપોવન સ્કૂલ, ભરાડ સ્કૂલ, ઉત્કૃષ્ટ સ્કૂલ, મહાત્મા ગાંધી સ્કૂલ, સર્વોદય સ્કૂલ, પંચશીલ સ્કૂલ, ક્રિએટીવ સ્કૂલ, ઉદગમ સ્કૂલ, પીએનડી સ્કૂલ, ક્રિસ્ટલ સ્કૂલ, ન્યુ એરા સ્કૂલ, મધુવન સ્કૂલ, નેટસ સ્કૂલ, શુભમ સ્કૂલ, પાલવ સ્કૂલ, પતંજલિ સ્કૂલ, ભૂષણ સ્કૂલ, મધરલેન્ડ સ્કૂલ, મંગલમૂર્તિ સ્કૂલ, નક્ષત્ર સ્કૂલ, વિશ્વેશ્વર સ્કૂલ, વિઝન સ્કૂલ, શકિત સ્કૂલ, જય ઈન્ટરનેશનલ સ્કૂલ, જીનીયસ સ્કૂલ, રાજકોટ ઈન્ટરનેશનલ સ્કૂલ, આર.કે.સી., એસએનકે સહિતની સ્કૂલમાં રાબેતા મુજબનું શિક્ષણ કાર્ય ચાલુ છે.

ભાવનગર

 ભાવનગર : આજે શુક્રવારે ખાનગી શાળા બંધના રાજ્યવ્યાપી બંધના એલાનની ભાવનગરમાં કોઈ અસર થઈ નથી અને રાબેતા મુજબ જ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ રહ્યુ હતું.

રાજ્ય સરકારે તમામ શાળાઓમાં ફીનુ માળખુ એક સમાન રાખવા આદેશો કર્યા હતા. જે નિર્ણયને સ્કૂલ સંચાલક મંડળો દ્વારા હાઈકોર્ટમાં પડકારતા કોર્ટે પણ સરકાર તરફે ચુકાદો આપ્યો હોવા છતા શાળા સંચાલકો આ મામલે મચક આપવા તૈયાર ન હોય જેને લઈ સૌરાષ્ટ્ર વાલી મંડળ દ્વારા આજે શાળા બંધનું એલાન આપવામાં આવ્યુ છે.

પરંતુ ભાવનગરમાં બંધની કોઈ અસર નથી. ભાવનગરમાં શહેરભરની ખાનગી સ્કૂલો દ્વારા એક યુનિટી બનાવવામાં આવી છે. આ યુનિટી સૌરાષ્ટ્રની તમામ ખાનગી શાળાના સંચાલકો સાથે જોડાયેલ છે છતા આજે બંધની કોઈ અસર થઈ નથી અને તમામ ખાનગી સ્કૂલોમાં રાબેતા મુજબ જ શૈક્ષણિક કાર્ય શરૂ રહ્યુ હતું.

જામનગર

જામનગરઃ શહેરની શાળાઓમાં રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય ચાલુ છે અને બંધની કોઈ અસર રહી નથી.

(11:52 am IST)