Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

ખૂન કા બદલા ખૂનઃ ભીસ્તીવાડના નામચીન રિયાઝ અને ટોળકીએ નિર્દોષ મોહસીન જૂણેજાને ક્રુરતાથી રહેંસી નાંખ્યો

રાજકોટમાં ગયા વર્ષે નામચીન નિઝામની હત્યામાં જેની ધરપકડ થઇ હતી તે દલ ભાઇઓના ભાણેજને નિઝામના પિત્રાઇ રિયાઝ સહિતનાએ પતાવી દેતાં અરેરાટી: મોહસીન ઉર્ફ અસગર હનીફભાઇ જૂણેજા (ઉ.૩૦)રાત્રે પોણા એકાદ વાગ્યે બે માસીયાઇ ભાઇઓ આબીદ અને રફિક સાથે ધર્મેન્દ્ર રોડ પર નાસ્તો કરવા ગયો ત્યારે સ્કોર્પિયોમાં ધસી આવેલા રિયાઝ દલ, તેનો ભાઇ રિઝવાન દલ, તેના પિતા ઇસ્માઇલ ઉર્ફ બટુક, શાહરૂખ જૂણેજા અને ત્રણ અજાણ્યા શખ્સો છરીના આડેધડ ઘા ઝીંકી પતાવી ભાગી ગયા

ક્રુર હત્યાઃ રાત્રે એકાદ વાગ્યે ધર્મેન્દ્ર રોડ કાપડ માર્કેટ પાસે ભીસ્તીવાડના મોહસીન જૂણેજાની તેના બે માસીયાઇ ભાઇની નજર સામે જ હત્યા થઇ હતી. ઘટના સ્થળે તેનો લોહીલુહાણ મૃતદેહ, પાસે બેઠેલો માસીયાઇ ભાઇ, પોલીસ કાફલો, મોહસીન ઉર્ફ અસગરનો નિષ્પ્રાણ દેહ, તેનું ઘર અને હોસ્પિટલે પહોંચેલા સગા-સંબંધીઓ જોઇ શકાય છે. ઇન્સેટમાં મોહસીનનો ફાઇલ ફોટો જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

 

રાજકોટ તા. ૧૨: શહેરમાં રાત્રે એકાદ વાગ્યે વધુ એક લોથ ઢળી છે. જામનગર રોડ પર ભીસ્તીવાડમાં રહેતાં બે બહેનના એકના એક ભાઇ અને વિધવા માતાના આધારસ્તંભ એવા ૩૦ વર્ષના સંધી યુવાન મોહસીન હનિફભાઇ જૂણેજાને તેના બે માસીયાઇ ભાઇની નજર સામે જ ધર્મેન્દ્ર રોડ પર ભીસ્તીવાડના નામીચા રિયાઝ દલ, તેના ભાઇ, પિતા સહિતની ટોળકીએ સ્કોર્પિયો કારમાં આવી છરીના આડેધડ ઘા ઝીંકી ક્રુરતાથી રહેંસી નાંખતા અરેરાટી વ્યાપી ગઇ છે. ગયા વર્ષે નામીચા રિયાઝના પિત્રાઇ નિઝામ દલની હત્યા થઇ હતી. એ ગુનામાં મોહસીનના પાંચ મામા અને એક કાકા સહિતના શખ્સોની ધરપકડ થઇ હતી. પિત્રાઇ નિઝામની હત્યાનો બદલો લેવા રિયાઝ અને ટોળકીએ નિર્દોષ એવા મોહસીનને મોતને ઘાટ ઉતારી દીધાનું બહાર આવ્યું છે. હત્યા કરી ભાગેલા નામીચા રિયાઝ સહિત સાત શખ્સોને ઝડપી લેવા દોડધામ શરૂ થઇ છે.

 

ખૂન કા બદલા ખૂનની આ ઘટનાની વિસ્તૃત વિગતો જોઇએ તો મોડી રાત્રે ભીસ્તીવાડના યુવાન મોહસીન જૂણેજાની ધર્મેન્દ્ર રોડ પર રમેશ બ્રધર્સવાળી શેરીમાં હત્યા થયાની જાણ થતાં એ-ડિવીઝનના ઇન્ચાર્જ જી.એમ. રાઠવા, એએસઆઇ શિવરાજસિંહ જાડેજા,  રામગર ગોસાઇ, સંજયસિંહ જાડેજા, રણજીતસિંહ ઝાલા, ઇન્દુભા, કરણભાઇ, નરેશભાઇ, પી.એસ.આઇ. સાખરા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. ક્રાઇમ બ્રાંચના એસીપી જે. એચ. સરવૈયા, પી.આઇ. એચ. એમ. ગઢવી સહિતનો કાફલો પણ દોડી ગયો હતો.

પોલીસને ઘટના સ્થળે ભીસ્તીવાડ મસ્જીદ સામે રહેતો અને લાતી પ્લોટ-૧૩માં હેતલ એન્ટરપ્રાઇઝ નામની કૂરકૂરેની એજન્સીમાં ડિલીવરીમેન તરીકે નોકરી કરતો આબીદ હુશેનભાઇ જુણાચ (સંધી) (ઉ.૨૫) મળ્યો હતો. તેણે સમગ્ર ઘટનાની વિગતો જણાવી હત્યાનો ભોગ બનનાર યુવાન મોહસીન ઉર્ફ અસગર હનીફભાઇ જૂણેજા (ઉ.૩૦) પોતાના માસીનો દિકરો હોવાનું અને ઘટના પોતાની હાજરીમાં જ બન્યાનું કહેતાં પોલીસે તેની ફરિયાદ પરથી જામનગર રોડ હુડકો કવાર્ટરમાં રહેતાં નામચીન રિયાઝ ઇસ્માઇલ દલ, તેના ભાઇ રિઝવાન ઇસ્માઇલ દલ, આ બંનેના પિતા ઇસ્માઇલ ઉર્ફ બટુક ઇશાભાઇ દલ (રહે. જંગલેશ્વર) તથા શાહરૂખ ઉર્ફ રાજા બાબુભાઇ જૂણેજા અને ત્રણ અજાણ્યા સામે આઇપીસી ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૦૨, ૪૦૩, ૫૦૬  (૨), જીપીએકટ ૩૭ (૧) ૧૩૫ મુજબ રાયોટીંગ-હત્યાનનો ગુનો નોંધ્યો હતો.

આબીદે ઘટનાની સિલસિલાબધ્ધ વિગતો જણાવતાં કહ્યું હતું કે મોહસીન ઉર્ફ અસગર જૂણેજા જે મારી બાજુમાં જ રહે છે અને એલ.જી. કંપનીના ફ્રિઝ-એસી રિપેરીંગ-સર્વિસનું કામ કરે છે તેણે હાલમાં સદર બજારમાં પતંગની દૂકાન શરૂ કરી હોઇ તેની પાસે હું ગુરૂવારે રાત્રે પોણા એકાદ વાગ્યે ગયો હતો. ત્યાંથી હું તથા મારા બીજા માસીનો દિકરો રફિક કાસમભાઇ હાલા અને મોહસીન ઉર્ફ અસગર ધર્મેન્દ્ર રોડ પર રમેશ બ્રધર્સ વાળી ગલીમાં જલારામ નાસ્તાની રેંકડીએ નાસ્તો કરવા ગયા હતાં. હું તથા મહોસીન, મોહસીનના એકટીવા જીજે૩એફએ-૨૮૫૪માં ગયા હતાં અને રફિક મારા એકટીવા જીજે૩એફએ-૨૮૫૪માં હતો.

અમે રાત્રે એકાદ વાગ્યે નાસ્તો કરતાં હતાં તે વખતે સફેદ રંગની સ્કોર્પિયો આવી હતી તેમાંથી બે માણસો રિયાઝ દલ અને તેનો ભાઇ રિઝવાન દલ ઉતર્યા હતાં. આ બંને મારા તથા મોહસીનની પાસેઅ ાવ્યા હતાં. પાછળથી તેના પિતા જંગલેશ્વરમાં રહેતાં ઇસ્માઇલ ઉર્ફ બટુક ઇશાભાઇ દલ, રિઝવાનનો ભાણેજ શાહરૂખ ઉર્ફ રાજા બાબુભાઇ જૂણેજા અને ત્રણ અજાણ્યા શખ્સો પણ નજીક આવ્યા હતાં. અમને ગાળો દઇ મોહસીનને હાથથી ધક્કો મારી આજે તો તને મારી નાંખવો છે, અમે નિઝામના મોતનો બદલો લેવા આવ્યા છીએ. તેમ કહી તમામે નેફામાંથી છરીઓ કાઢી હતી અને મારો...આને મારો...ની બૂમો પાડતાં બધા તૂટી પડ્યા હતાં.

ઇસ્માઇલ દલે રેંકડી પાસે લોખંડનું ટેબલ પડ્યું હતું તે ઉપાડીને મોહસીનને માથામાં મારતાં તે પડી ગયો હતો. બાદમાં રિયાઝ, શાહરૂખ અને રિઝવાને છરીથી મોહસીનને પેટમાં બે-ત્રણ ઘા ઝીંકી દીધા હતાં. તે જીવ બચાવવા ભાગ્યો હતો. પણ સાતેય તેની પાછળ દોડ્યા હતાં અને ધર્મેન્દ્ર રોડ કાપડ માર્કેટ સામે તેને પકડી લઇ ફરીથી આડેધડ છરીઓના ઘા ઝીંકી દીધા હતાં. આ વખતે હું અને રફિક બીકના માર્યા દૂર ઉભા હતાં. આ સાતેયે બાદમાં અમારી પાછળ દોડી બૂમો પાડી હતી કે તને પણ જીવતો નહિ છોડું...મારી નાંખવાની ધમકી આપીને પાછળ દોડતાં અમે જીવ બચાવી શેરીમાં ભાગી ગયેલ અને મેં મારા મોબાઇલમાંથી મોહસીનને તેના નંબર પર ફોન કર્યો હતો. પણ તેનો ફોન રિસીવ થયો નહોતો. થોડીવાર પછી અમે ત્યાં જઇ જોયું તો મોહસીન લોહીલુહાણ પડ્યો હતો. એ દરમિયાન મારો મોટોભાઇ મહેતાબ ઉર્ફ રાજ હુશેનભાઇ પણ અમારી સાથે પાછળથી નાસ્તો કરવા આવવાનો હઇ તે આવી ગયો હતો. તેણે કહેલ કે મેં બધાને સ્કોર્પિયો અને એકટીવામાં ભાગતા જોયા છે.

બાદમાં પોલીસને અને ૧૦૮ને જાણ કરાઇ હતી. ૧૦૮ના ડોકટરે મોહસીન મૃત્યુ પામ્યાનું જાહેર કરતાં મેં સગા-વ્હાલાઓને બોલાવ્યા હતાં. સ્થળ પર હનીફભાઇ બાબુભાઇ દલ, યુસુફભાઇ ઇસ્માઇલભાઇ દલ અને જાહીદભાઇ બાબુભાઇ દલ સહિતના આવી ગયા હતાં. હત્યા પાછળનું કારણ એવું છે કે અગિયારેક મહિના પહેલા ઇસ્માઇલ ઉર્ફ બટુક ઇશાભાઇ દલના ભાઇનો દિકરા નિઝામ સુલેમાનભાઇ દલનું ગાયકવાડી-૬માં ખૂન થયું હતું. જેમાં આજે હત્યાનો ભોગ બનેલા મોહસીનના સગા મામા હનીફભાઇ, યુસુફભાઇ, મહમદભાઇ, હુશેન અલીભાઇ, ઇકબાલભાઇ અને કાકા ફારૂક હસનભાઇ જૂણેજાના પણ આરોપી તરીકે નામ હતાં. જે તાજેતરમાં જામીન પર છુટ્યા છે. આથી રિયાઝ અને તેનો ભાઇ રિઝવાન અને પિતા રોષે ભરાયા હતાં. નિઝામની હત્યાનો બદલો લેવા નિર્દોષ એવા મોહસીન ઉર્ફ અસગરને આ બધાએ મારી નાંખ્યો છે. હુમલો થયો ત્યારે મોહસીને ગળામાં પહેરેલો ૨૫ હજારનો સોનાનો ચેઇન પણ કયાંક પડી ગયો હતો.

આબીદની ઉપરોકત કેફીયતને આધારે એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધી નાશી છૂટેલા હત્યારાઓને ઝડપી લેવા દોડધામ શરૂ કરી છે. જામનગર તરફ આ ટોળકી ભાગ્યાની માહિતી મળતાં રાત્રે જ પોલીસની ટૂકડીઓ રવાના થઇ હતી. પણ પત્તો મળ્યો નથી. આધારસ્તંભ એવા દિકરાની હત્યાથી વિધવા માતા તેમજ એકના એક ભાઇના ખૂનથી બે બહેનો, પત્નિ સહિતના સ્વજનોમાં માતમ છવાઇ ગયો છે.

બાબુ જાનમહમદનો દોહિત્ર એવો મોહસીન ઉર્ફ અસગર બે બહેનનો એક જ ભાઇ અને વિધવા માતાનો આધાર હતો

જેની હત્યા થઇ એ મોહસીન નામીચા નિઝામની હત્યામાં સામેલ પણ નહોતો

હત્યાનો ભોગ બનેલો મોહસીન ઉર્ફ અસગર હનીફભાઇ જૂણેજા બે બહેનનો એક જ ભાઇ હતો. બહેનોના નામ રૂકસાનાબેન અને રેહાનાબેન છે. મોહસીન વચેટ હતો. મોટા બહેન જામનગર સાસરે છે અને રેહાનાબેનની શાદી થઇ નથી.  મોહસીનના પિતા હનીફભાઇ ટેકસીચાલક હતાં. વર્ષો પહેલા તેમનું વાહન અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ત્યારથી મોહસીન માતા અને બહેનોનો આધારસ્તંભ હતો. તેમજ ગેબનશાહપીર દરગાહના ટ્રસ્ટી અને લઘુમતી આગેવાન બાબુ જાનમહમદ દલનો દોહિત્ર થતો હતો. નામીચા નિઝામની હત્યામાં બાબુ જાનમહમદના પુત્રો એટલે કે મોહસીન ઉર્ફ અસગરના મામા અને કાકા  સામેલ હતાં. મોહસીનની કોઇ ભૂમિકા નહોતી. આમ છતાં આ નિર્દોષનો રિયાઝ, તેના ભાઇ અને પિતાએ ખૂન કા બદલા ખૂન મુજબ ભોગ લઇ લેતાં સ્વજનોમાં માતમ છવાઇ ગયો છે.

આજે તો તને જીવતો નથી છોડવો, નિઝામના મોતનો બદલો લેવા આવ્યા છીએ...કહી

પડકારા કરી ઇસ્માઇલ ઉર્ફ બટુક દલે મોહસીનને માથામાં લોખંડનું ટેબલ ફટકારી પછાડી દીધો  ને  પુત્રો રિયાઝ તથા રિઝવાન છરીથી તૂટી પડ્યા

રાત્રે મોહસીન ઉર્ફ અસગર જૂણેજા બે માસીયાઇ ભાઇઓ સાથે નાસ્તો કરતો હતો ત્યારે ધસી આવેલા ઇસ્માઇલ ઉર્ફ બટુક દલ, તેના પુત્રો રિયાઝ, રિઝવાને હાકલા પડકારા કરી આજે તો તને મારી જ નાંખવો છે, અમે નિઝામના મોતનો બદલો લેવા આવ્યા છીએ તેમ કહી ગાળો ભાંડી હતી અને ઇસ્માઇલને હાથ પકડી મોહસીનને દૂર ખેંચ્યા બાદ ત્યાં રેંકડીનું લોખંડનું ટેબલ હતું તે ઉપાડીને મોહસીનને માથામાં ફટકારી દેતાં તે પડી ગયો હતો. બાદમાં રિયાઝ, રિઝવાન અને શાહરૂખે છરીથી પેટમાં બે-ત્રણ ઘા ઝીંકી દેતાં મોહસીન જીવ બચાવીને ભાગ્યો હતો. પણ તેનો પીછો કરી પતાવી દેવાયો હતો.

પેટમાં છરીના ત્રણ ઘા લાગ્યા છતાં મોહસીન જીવ બચાવી ભાગ્યોઃ પણ કાપડ માર્કેટ પાસે આંતરી સાતેય તૂટી પડ્યા

. અચાનક હુમલો થતાં અને પેટમાં છરીના ત્રણેક ઘા ઝીંકી દેવાતાં મોહસીન ઢળી પડ્યો હતો. છતાં ગમે તેમ કરી હિમ્મત એકઠી કરી ઉભો થઇ જીવ બચાવવા નાસ્તાની રેંકડીએથી ધર્મેન્દ્ર રોડ કાપડ માર્કેટ તરફ દોટ મુકી હતી. પણ સાતેય હત્યારાઓએ તેનો પીછો કરી તેને કાપડ માર્કેટ સામે આંતરી લીધો હતો અને આડેધડ છરીઓના ઘા ઝીંકી રહેંસી નાંખી ભાગી ગયા હતાં.

હત્યાનો ભોગ બનેલા મોહસીને મામાની દિકરી મહેંદી સાથે શાદી કરી હતી

હત્યાનો ભોગ બનનાર મોહસીન ઉર્ફ અસગર બે બહેનનો એક જ ભાઇ હતો અને વિધવા માતા હુરબાઇબેનનો આધાર સ્તંભ હતો. મોહસીનના લગ્ન પોણા બે વર્ષ પહેલા તેના જ મામા હનીફભાઇ બાબુજાનમહમદભાઇ દલની દિકરી મહેંદી  સાથે થયા હતાં. એ જોતાં મોહસીનના મામા હનીફભાઇ તેના સસરા પણ થાય છે. હનીફભાઇની પણ નામીચા નિઝામની હત્યામાં ધરપકડ થઇ હતી. તેનો બદલો લેવા નિઝામના પિત્રાઇઓ રિયાઝ અને રિઝવાને પિતા સહિતના સાથે મળી મોહસીનને પતાવી દીધાનું ખુલ્યું છે.

નિઝામ દલની હત્યામાં આટલા લોકો સામેલ હતાં

નિઝામ દલની ૧૨ ફબ્રુઆરી-૨૦૧૭ના રોજ થઇ હતીઃ જેમાં આજે હત્યાનો ભોગ બનેલા મોહસીન ઉર્ફ અસગરના મામા યુસુફ બાબુ જાનમહમદ દલ, હનીફ બાબુ જાનમહમદ દલ, કાકા ફારૂક હસનભાઇ, તેમજ સિરાજ યુસુફભાઇ, હુશેન અલીભાઇ ભાણુ, અયુબ અલીભાઇ ભાણુના નામ ખુલતાં ધરપકડ થઇ હતી. મોહસીનની હત્યા કરનાર રિયાઝ-રિઝવાનનો નિઝામ કાકાનો દિકરો થતો હતો.

(2:47 pm IST)