Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

શો-રૂમના સિકયુરીટીમેન પર હુમલો કરી મોરબીના બલભદ્રસિંહ સહિત ૪ શખ્સો ડમ્પર લઇ છનન...

બેટી રામપરમાં બનાવ : ડમ્પર રીપેરીંગના ૧.૧૪ રૂ.નું બીલ દેવુ ન પડે તે માટે : સીકયુરીટીમેન પાસેથી ચાવી અને મોબાઇલ ફોન ઝૂંટવી લીધા : શોરૂમના મેનેજરની ફરીયાદ પરથી ગુન્હો નોંધાયો

રાજકોટ, તા. ૧ર : અમદાવાદ હાઇવે પર બેટી રામપરા પાસે આવેલા સીલેન્ડ ઇનફ્રાસ્ટ્રકચર પ્રા.લી. (ભારત બેન્જશોરૂમ)ના કમ્પાઉન્ડમાંથી રીપેરીંગના પૈસા આપ્યા વગર સીકયુરીટીમેન પર હુમલો કરી ડમ્પર વર્કશોપમાંથી લઇ મોરબીના ચાર શખ્સો નાશી જતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ અમદાવાદ હાઇવે પર બેટી રામપરા ગામ પાસે આવેલા સીલેન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા. લીમીટેડ (ભારત બેન્જ શોરૂમ)ના જનરલ મેનેજર અમોલભાઇ છોટાલાલભાઇ આણદપરા (ઉ.વ.૪પ) (રહે. યાજ્ઞિક રોડ, સુંદરમ્ -લક્ષ્મણ જુલાવાળી શેરીમાં) શોરૂમમાં હાજર હતાં ત્યારે મોરબીમાં રહેતા બલભદ્રસિંહ જીવુભા ઝાલા તથા ત્રણ અજાણ્યા શખ્સોએ શોરૂમના કમ્પાઉન્ડમાં પ્રવેશ કરી સીકયુરીટી ગાર્ડ અંગતકુમાર પટેલને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગેઇટની ચાવી લઇ લીધી હતી અને સીકયુરીટીમેનનો મોબાઇલ પણ ઝૂંટવી લઇ ગઇટ ખોલી બલભદ્રસિંહ જીવુભા ઝાલાએ પોતાનું જીજે-૩-બીટી-૧૬૮૦ નંબરનું ડમ્પર લઇ ભાગી ગયા હતાં અને ડમ્પરના પૈસાની ચૂકવણી નહીં કરી વિશ્વાસઘાત છેતરપીંડી કરી હતી. આ અંગે શોરૂમના જનરલ મેનેજર અમોલભાઇ આણદપરાએ કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે મોરબીના બલભદ્રસિંહ જીવુભા ઝાલા તથા ત્રણ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ આઇપીસી ૪૪૭, ૪૦૬,૩ર૩, પ૦૪, પ૦૬(ર)ની કલમ હેઠળ ગુનો દાખલ કરી પીએસઆઇ વી.પી. આહીરે તપાસ આદરી છે.

શોરૂમના મેનેજરે ફરીયાદમાં જણાવ્યું છે કે, મોરબીનો બલભદ્રસિંહ ઝાલા શિવશકિત નામની ઓફીસ ધરાવે છે અને તેની પાસે ચાર જેટલા ડમ્પર છે તે રેતી-કપ્ચીના ફેરા કરે છે. બલભદ્રસિંહ અગાઉ પોતાના ડમ્પર શોરૂમમાં રીપેરીંગ માટે આપી જતો હતો ત્યારે અગાઉ પાંચ લાખ જેટલુ રીપેરીંગ કામ માટેનું બીલ થયું હતું તેમાં તેણે  કટકે કટકે પૈસા ચૂકવી દીધા હતા બાદ ૮પ હજાર લેવાના બાકી હતા.

આ બીલના પૈસાની અવારનવાર માંગણી કરતા તે ગલ્લાતલ્લા કરતો હતો. દરમ્યાન તે ગત તા. ૮/૧ના રોજ પોતાનું જીજે૩-બીટી-૧૬૮૦ નંબરનું ડમ્પર રીપેરીંગ માટે મૂકી ગયો હતો અને તેના રીપેરીંગ કામના રૂ. ર૯ હજાર થયા હતાં. ગઇકાલે રાત્રે બલભદ્રસિંહ ઝાલા શોરૂમમાં આવી સીકયુરીટીમેન પર હુમલો કરી રીપેરીંગ કામના રૂ. ૧.૧૪ લાખની ચૂકવણી કર્યા વગર પોતાનું જીજે-૩-બીટી-૧૬૮૦ નંબરનું ડમ્પર શોરૂમના કમ્પાઉન્ડમાંથી લઇ નાશી ગયો હતો. આ અંગે કુવાડવા રોડ પોલીસે તપાસ આદરી છે.

(11:38 am IST)